સાઇક્લોનની અસર વર્તાશે આજે મુંબઈમાં

16 May, 2021 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદ પડશે, કોંકણ કિનારા પર યલો અલર્ટ, જ્યારે ગોવામાં ઑરેન્જ અલર્ટ

ફાઈલ તસવીર

અરબી સમુદ્રમાં હળવા દબાણના પટ્ટાના કારણે સર્જાયેલું ‘ટૉકટે’ નામનું તોફાન ઝડપી પવન અને મુશળધાર વરસાદ સાથે આજે કોંકણ કિનારાના સિંધુદુર્ગ અને રત્નાગિરિ તેમ જ ગોવા પર ત્રાટકે એવી સંભાવના વેધશાળાએ દર્શાવી છે. જેની થોડીઘણી અસર મુંબઈમાં પણ જોવા મળી શકે અને વરસાદ આવી શકે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાએ ભલે મુંબઈમાં એ તોફાનની બહુ અસર નહીં હોય એની જાણ કરાઈ હોવા છતાં સાવચેતીનાં પગલાં લીધાં છે. મુખ્યત્વે બે દિવસ માટે વૅક્સિનેશનની જે ડ્રાઇવ હાલ ચાલુ છે એ આ બે દિવસ રવિ અને સોમવારે બંધ રાખવામાં આવી છે. 

રીજનલ મીટેરિયોલૉજિકલ સેન્ટર મુંબઈના ડિરેક્ટર શુભાંગી ભુતેએ ટૉકટે તોફાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ટૉકટે તોફાન હાલ અરબી સમુદ્રમાં ગોવાથી ૨૫૦ કિલોમીટરના અંતરે છે જે ઉત્તર દિશામાં આગળ વધશે. એ ગોવા અને મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગની નજીકથી પસાર થવાનું છે. ૧૮ તારીખે મંગળવારે એ ગુજરાતના પોરબંદરને ક્રોસ કરશે, જોકે એ દરમ્યાન ૧૬ અને ૧૭ મેના મુંબઈ સહિત આખા કોંકણમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. એ વખતે ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે. ૧૬ અને ૧૭ના મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેના કારણે વરસાદ પડી શકે, ખાસ કરીને ઘાટ વિસ્તારોમાં. આખા કોંકણમાં યલો અલર્ટ જાહેર કરાઈ છે, જ્યારે ગોવા માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે. જે માછીમારો દરિયો ખેડવા ગયા હોય તેમને પાછા આવવાની વિનંતી કરવામાં આવી છે.’       

એનડીઆરએફની ૪ ટીમને રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં જો કોઈ ખાનાખરાબી થાય તો તેને હેન્ડલ કરવા મોકલી દેવાઈ છે. એ ઉપરાંત વધારાની ટીમોને પુણેના હેડ-ક્વૉર્ટરમાં સજ્જ રહેવા જણાવાયું છે.    

હૈ તૈયાર હમ
મુંબઈમાં ગયા વર્ષે વરસેલા ભારે વરસાદમાં બીકેસીના કોવિડ કૅર સેન્ટરમાં પાણી ભરાયાં હતાં એવું આ તોફાનમાં ન બને એ માટે સાવચેતી રાખવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ‘તોફાનની આ પરિસ્થિતિને પહોંચી વળવા અને સાવચેતીની દૃષ્ટિએ સુધરાઈએ આ વખતે બીકેસી કોવિડ કૅર સેન્ટર અને દહિસર કોવિડ કૅર સેન્ટરમાં જે ગંભીર દરદીઓ છે એમનું અન્ય સુરિક્ષત સ્થળે હૉસ્પિટલમાં પહેલાં જ સ્થળાંતર કરી દીધું છે. બીજું મુલુંડનાં જમ્બો કોવિડ સેન્ટરની ઉપર કેટલીક ઝાડની ડાળીઓ હતી એની છટણી કરી લેવાઈ છે. કુલ ૩૮૪ ઝાડની જોખમી ડાળો કાપી લેવાઈ છે. કોવિડ સેન્ટરના તંબૂની મજબૂતી અને તેના સપોર્ટ ચકાસી લેવાયાં છે અને જ્યાં જરૂર પડે ત્યાં તેને વધારાની સપોર્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે. જો અણીના ટાંકણે ઇલેક્ટ્રિસિટી ફેઇલ થાય તો જનરેટરો દ્વારા પણ દરદીઓનો ઇલાજ ચાલુ રહે એ માટે જનરેટરની ગોઠવણ પણ રાખવામાં આવી છે. મુંબઈની ચોપાટીઓ પર પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને લાઇફ ગાર્ડને સચેત રહેવા જણાવાયું છે.  મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા પંપ પણ રેડી રખાયા છે.’  

પાલઘરની ૯૭ માછીમાર બોટની પાછા ફરવાની પ્રતીક્ષા
તોફાનને લઈને થાણે અને પાલઘર કલેક્ટરે દરિયામાં માછલી પકડવા ગયેલા માછીમારોને પાછા ફરવા જણાવ્યું છે. પાલઘરના કલેક્ટર માણિક ગુરસાળે આ સંદર્ભે પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી હતી. પાલઘર, વસઈ-વિરાર બેલ્ટની કુલ ૫૧૨ બોટ માછીમારી કરવા દરિયામાં ગઈ હતી જેમાંથી ૪૧૫ બોટ શનિવાર બપોર સુધીમાં પાછી ફરી હતી, જ્યારે ૯૭ બોટ પાછી ન ફરી હોવાથી તેની પ્રતીક્ષા થઈ રહી છે. 

મંગળવારે નલિયા-પોરબંદર પર ટૉક્ટે ત્રાટકશે

mumbai mumbai news mumbai rains konkan goa maharashtra