મુંબઈમાં બૅન્કો અને પોસ્ટ ઑ​ફિસોમાં હડતા‍ળની અસર

27 November, 2020 11:51 AM IST  |  Mumbai | Agency

મુંબઈમાં બૅન્કો અને પોસ્ટ ઑ​ફિસોમાં હડતા‍ળની અસર

કેન્દ્ર સરકારની વિવિધ પોલીસી સામે પાડવામાં આવેલી દેશવ્યાપી હડતાળને કારણે ભેંકાર ભાસતી મુંબઈની જનરલ પોસ્ટ ઓફિસ. તસવીર : પી.ટી.આઈ

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં વિવિધ કર્મચારી સંગઠનોના હડતાળના એલાનને મહારાષ્ટ્ર દેશનાં અનેક રાજ્યોમાં અલગ-અલગ પ્રકારે પ્રતિસાદ મળ્યો હતો. હડતાળના એલાનને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓએ પૂર્ણ સમર્થન આપ્યું હોવાનો દાવો ટ્રેડ યુનિયનોએ કર્યો હતો. ટ્રેડ યુનિયનોએ કેરળ, પુડુચેરી, ઓડિશા, આસામ અને તેલંગણ સહિત અનેક રાજ્યોમાં હડતાળને કારણે જનજીવન ખોરવાયું હોવાનો દાવો કર્યો હતો. જોકે મહારાષ્ટ્ર અને ખાસ કરીને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અમુક બૅન્કો અ‌ને પોસ્ટ ઑફિસોને બાદ કરતા હડતાળની ઝાઝી અસર જોવા નહોતી મળી.

૧૦ કેન્દ્રીય કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચે કેન્દ્ર સરકારના મજૂરો અને ખેડૂતો માટેના નવા કાયદા સહિતના વિવિધ મુદ્દાના વિરોધમાં હડતાળનું એલાન આપ્યું હતું. કર્મચારી સંગઠનોના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હડતાળના એલાનને પ્રતિસાદરૂપે કેરળ, પુડુચેરી, ઓડિશા, આસામ અને તેલંગણ સંપૂર્ણ બંધ હતાં. તામિલનાડુના ૧૩ જિલ્લા સંપૂર્ણ બંધ રહેવા સાથે અન્ય શહેરોમાં પણ ઔદ્યોગિક હડતાળની અસરો પડી હતી. હડતાળના અનુસંધાનમાં પંજાબ અને હરિયાણામાં સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસો ગઈ કાલે સવારે ડેપોમાંથી નીકળી જ નહોતી. ઝારખંડ અને છત્તીસગઢમાં ભારત એલ્યુમિનિયમ કંપની સહિત વિવિધ ઔદ્યોગિક ઉત્પાદન એકમો અને કારખાનાંમાં હડતાળની ૧૦૦ ટકા અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ હડતાળને કારણે જનજીવન ખોરવાયું હતું. પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણોના છૂટક બનાવ નોંધાયા હતા.

બીજેપીને સંલગ્ન કર્મચારી સંગઠન ભારતીય મજદૂર સંઘને બાદ કરતાં મોટા ભાગનાં કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાયાં હતાં. હિન્દ મજદૂર સભાના મહામંત્રી હરભજનસિંહ સિધુએ દેશભરના પચીસ કરોડ કર્મચારીઓ હડતાળમાં સામેલ થયા હોવાનો દાવો કર્યો હતો. હડતાળનું આયોજન કરનારા કેન્દ્રીય મંચમાં સામેલ કર્મચારી સંગઠનોમાં ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ (ઇન્ટુક), ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ (આઇટુક), હિન્દ મજદૂર સભા, સેન્ટર ઑફ ટ્રેડ યુનિયન્સ (સીટુ), ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટર તેમ જ સેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન્સ અસોસિએશન, ઑલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન અ યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસનો સમાવેશ છે.

mumbai mumbai news kerala odisha assam telangana