મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

10 August, 2020 07:05 AM IST  |  Mumbai | Agencies

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ફાઈલ ફોટો

બંગાળની ખાડી અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં હવાનું હળવું દબાણ નિર્માણ થતાં આગામી ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગઈ કાલે હવામાન વિભાગે કરી હતી. મુંબઈ સહિત વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં વરસાદની સાથે ૫૦-૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને વાવાઝોડું આવ્યું હતું. મધ્ય મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ તેમ જ કોસ્ટલ વિભાગમાં ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વિદર્ભમાં વાવાઝોડાની સાથે વીજળી ચમકશે. મુંબઈ અને અન્ય વેસ્ટર્ન કોસ્ટ ભાગમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે ગઈ કાલે સવારે આપેલી માહિતી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ અને ઘાટ વિસ્તારમાં આજથી ફરી સક્રિય થવાથી અહીં તથા આસપાસમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આવી સ્થિતિ એક અઠવાડિયું રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે મુંબઈમાં રેકૉર્ડબ્રેક વરસાદ નોંધાયો હતો અને છેલ્લે બે દિવસમાં શહેરમાં ૨૦થી ૪૫ મિમી જેટલો સામાન્ય વરસાદ પડ્યો હતો. હવે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આજથી ફરી મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે.

mumbai mumbai rains mumbai monsoon mumbai weather mumbai news