આગામી બે દિવસ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

14 August, 2020 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આગામી બે દિવસ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

બાંદ્રામાં બેનસ્ટેન્ડ પર ભારે વરસાદમાં છત્રીની છાયામાં પોતાને બચાવવાનો પ્રયાસ કરતો વ્યક્તિ (તસવીર: સતેજ શિંદે)

મુંબઈ, થાણે અને પાલઘરમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કરી છે. એટલે મુંબઈગરાંઓ વિકએન્ડમાં પણ વરસાદની મોસમ માણી શકશે. સાથે જ રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી આઈએમડીએ કરી છે.

આજે સવારથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. સવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાંદિવલી પાસે વરસાદને લીધે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.

આગામી બે દિવસ માટે આઈએમડીએ મુંબઈ, થાણે અને પાલઘરમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં સોમવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફુંકાવાની સાથે સતત વરસાદ વરસ્યો હતો.

આઈએમડીના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ મેટ્રોલોજી કેએસ હોસાળીકરે કહ્યું છે કે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ભારે વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ બનતી મદદ કરીશું તેમ પણ કહ્યું હતું.

mumbai mumbai news mumbai rains mumbai monsoon