ઇમેજિકા અને એસ્સેલ વર્લ્ડ ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

16 March, 2020 04:33 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ઇમેજિકા અને એસ્સેલ વર્લ્ડ ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

કોરોના વાઇરસના દેશવ્યાપી રોગ સામે સાવચેતીના પગલારૂપે શહેરનાં અનેક મનોરંજન કેન્દ્રો અને વૉટર પાર્ક્સે પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઇમેજિકા દેશમાં ચાલી રહેલી સ્થિતિ માટે સાવચેત છે, એમ જણાવતાં ઇમેજિકાના પબ્લિક રિલેશન્સ મૅનેજર સંચિતા અત્તાવરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સાવચેતીના પગલારૂપે હંગામી ધોરણે અમારા પાર્ક્સને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ વાત અમે અમારી વેબસાઇટ પર પણ મૂકી છે’

એસ્સેલ વર્લ્ડે પણ એનાં કામકાજ બંધ કર્યાં છે, એમ જણાવતાં એસ્સેલ વર્લ્ડના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પરેશ મિશ્રાએ કહ્યું હતું કે ‘અમે એસ્સેલ વર્લ્ડ, વૉટર કિંગ્ડમ અને બર્ડ પાર્ક એમ ત્રણેય મનોરંજન કેન્દ્રો બંધ કર્યાં છે. સામાન્યપણે શનિવારે અમારા કેન્દ્રો આખો દિવસ અને રવિવારે અડધો દિવસ ચાલુ રહેતાં હોય છે, પરંતુ રાજ્ય સરકારના આદેશ પછી અમે તરત જ સહેલાણીઓને પાર્ક ખાલી કરવા જણાવ્યું હતું. અમે સરકારના આદેશાનુસાર ૩૧ માર્ચ સુધી પાર્ક બંધ રાખવાનો નિર્ણય અમારા સહયોગીઓને પણ જણાવી દીધો છે.’

મૅનેજમેન્ટ દ્વારા પાર્કની સફાઈ વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં કોરોના વાઇરસ પહોંચ્યો હોવાની માહિતી મળી ત્યારથી લગભગ છેલ્લા ૪૦ દિવસથી અમે રોજ સફાઈ કરીએ છીએ. અમે પાર્કના પ્રવેશદ્વાર પાસે ડૉક્ટરો તહેનાત કર્યા છે જેઓ પ્રત્યેક સહેલાણીનું ટેમ્પરેચર ચેક કરે છે.’

અમારા ગ્રાહકો તેમ જ લગભગ છેલ્લા બે દસકાથી અમારી સાથે જોડાયેલા સ્ટાફની સુરક્ષા માટે પાર્ક બંધ રાખવો આવશ્યક છે. આનાથી અમારી આવક પર સહેજ અસર ચોક્કસ પડશે, પણ છેવટે તો એ સૌના ભલા માટે જ છે.

mumbai coronavirus