ગુજરાતી સિનિયર સિટિઝનની સતર્કતાએ ૪ ચોરોને પકડાવ્યા

05 November, 2012 05:20 AM IST  | 

ગુજરાતી સિનિયર સિટિઝનની સતર્કતાએ ૪ ચોરોને પકડાવ્યા



વડાલામાં શનિવારે સાંજે ૬૧ વર્ષનાં ઉમા ગણાત્રાએ લૂંટનો એક બનાવ નાકામિયાબ બનાવ્યો હતો. તેમની સતર્કતાથી ચાર ચોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે ‘ચોરી કરવાના ઇરાદાથી ચાર ચોર વડાલા (વેસ્ટ)માં આવેલા કચ્છી લોહાણા બિલ્ડિંગના એક બંધ ફ્લૅટમાં શનિવારે સાંજે ઘૂસ્યા હતા. અવાજ થવાને કારણે ઉમાબહેને ચોરોને જોતાં ચોર-ચોરની બૂમો મારી હતી અને પાડોશીની મદદથી તેમની ધરપકડ કરાવી હતી.’

કચ્છી લોહાણા બિલ્ડિંગમાં બીજા માળે રહેતા જયેશ ઠક્કર શનિવારે તેમના પરિવાર સહિત મુંબઈની બહાર ગયા હતા. દરમ્યાન સાંજે ચાર વાગ્યે ચાર ચોર ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ વિસ્તારમાં રહેતાં બીજેપીનાં વૉર્ડ-પ્રેસિડન્ટ જેસલ કોઠારીએ કહ્યું હતું કે ‘ઉમા ગણાત્રા જયેશનાં આન્ટી છે અને એ જ બિલ્ડિંગમાં પહેલા માળે રહે છે. શનિવારે સાંજે તેમને બીજા માળથી દરવાજાનું તાળું તોડવાનો અવાજ આવતાં તેઓ જયેશના ઘરની ડુપ્લિકેટ ચાવી લઈને બીજા માળ પર ગયાં હતાં. એ વખતે જયેશના ઘરનો દરવાજો ખુલ્લો દેખાતાં તેમણે ચોર-ચોરની બૂમો મારી હતી. એ વખતે ચાર ચોર ચાકુ લઈને ઘરની બહાર આવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. જોકે ચાકુ ઉમાબહેનને ટચ થઈને નીકળી ગયું હતું અને તેઓ ચોરોના કબજામાંથી નાસવામાં સફળ થયાં હતાં. તેમનો અવાજ સાંભળીને પાડોશમાં રહેતી ક્રિપા નામની યુવતી ઘરની બહાર આવી તો તેના પર પણ ચોરોએ ચાકુથી હુમલો કર્યો હતો. જોકે તે પણ બચીને નીકળી ગઈ હતી. બન્નેને મામૂલી ઈજા પહોંચી હતી.’

જેસલ કોઠારીએ વધુમાં કહ્યું હતું કે ‘ઉમાબહેનનો અવાજ સાંભળતાંની સાથે જ આ વિસ્તારના રહેવાસી નિમેશ મજીઠિયા અને જયેશ સચદેએ ચારેય ચોરોને પકડી લીધા હતા અને પોલીસની વૅન આવી ત્યાં સુધી તેમને પકડી રાખી પોલીસને સોંપી દીધા હતા.’

બીજેપી ૬૧ વર્ષનાં ઉમા ગણાત્રાને ચોરોને પકડવા માટેની સતર્કતાને કારણે સન્માનિત કરવાનો પ્લાન કરી રહી છે.


પોલીસનું શું કહેવું છે?


માટુંગા પોલીસ-સ્ટેશનના એક પોલીસ-ઑફિસરે લૂંટના આ બનાવ વિશે કહ્યું હતું કે ‘અમે આ ચોરોમાં અલ્તાફ શેખ અને તેના ત્રણ સાથીદારોની ધરપકડ કરી હતી અને તેમને પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આરોપીના હજી ચાર સાથીદારોની અમે શોધ કરી રહ્યા છીએ અને આરોપીઓને જયેશ કોથારિયા બહાર ગયા હોવાની ટિપ કોણે આપી હતી એની પણ શોધ કરી રહ્યા છીએ.’