ગેરકાયદે બાર ઍન્ડ રેસ્ટોરાં અને લૉજ થયાં જમીનદોસ્ત

23 May, 2022 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા–ભાઈંદરમાં વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે લખેલા પત્ર પર તરત જ કાર્યવાહી કરીને એમબીએમસીએ એમને તોડી પાડ્યાં

મોટી સંખ્યામાં પોલીસની હાજરીમાં મૅડનેસ બાર, રૉકસ્ટાર બાર અને એક ગેરકાયદે લૉજ એમબીએમસીના અતિક્રમણ વિભાગે તોડી પાડ્યાં હતાં.


મુંબઈ: મીરા–ભાઈંદર મહાનગરપાલિકાની મંગળવારે સર્વસાધારણ સભા ચાલુ હતી ત્યારે બીજેપીનાં નગરસેવિકા નીલા સોન્સે બગીચા માટે અનામત રખાયેલા પ્લૉટ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા જોખમી લેડીઝ બારનો મુદ્દો ઊભો કર્યો હતો. એ વખતે બીજેપીના જ કેટલાક અન્ય નગરસેવકોએ નીલા સોન્સ અને તેમને આ મુદ્દે સપોર્ટ કરનાર ગીતા જૈનનો વિરોધ કર્યો હતો, હુરિયો બોલાવ્યો હતો, તેમને ગાળો ભાંડી હતી તથા તેમના પર પાણીની બૉટલો પણ ફેંકી હતી. એ ઘટના ગંભીર હોવાથી શિવસેના દ્વારા આ સંદર્ભે એમબીએમસીના કમિશનર દિલીપ ઢોલેનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો અને એ ગેરકાયદે બાર ઍન્ડ રેસ્ટોરાં અને લૉજ જમીનદોસ્ત કરવાની માગણી કરી હતી. વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે તો આ સંદર્ભે કમિશનરને પત્ર લખીને ગેરકાયદે ચાલતા બાર ઍન્ડ રેસ્ટોરાં યાદી તેમને આપી હતી. આ લેડીઝ બાર અને રેસ્ટોરાં તથા લૉજ બીજેપીના જ એક નેતાનાં હોવાનો તેમણે દાવો કર્યો હતો. 
એ પછી એમબીએમસીના કમિશનર દિલીપ ઢોલેએ તેમને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. શુક્રવારે એમબીએમસીના અધિકારીઓએ કાશીમીરા પોલીસ સ્ટેશનની હદમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા રૉકસ્ટાર બાર, મૅડનેસ બાર અને સર્વિસ રોડ પર જ ગેરકાયદે ઊભી કરી દેવાયેલી એક લૉજ જમીનદોસ્ત કરી નાખ્યાં હતાં. એમબીએમસીના અનેક અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસની હાજરીમાં આ તોડકામ થયું હતું. ગઈ કાલે એ જગ્યાએથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો એ વખતે પણ મોટી સંખ્યામાં એમબીએમસીના અધિકારીઓ પોલીસ સાથે હાજર રહ્યા હતા. 
આમ પ્રતાપ સરનાઈકે લખેલા પત્રની ધારી અસર ઊપજી હતી અને બીજા જ દિવસે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી. 

mumbai news mumbai mira road