‘અરમાન હૅઝ કિલ્ડ મી...’

28 March, 2023 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર્શન સોલંકી આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસ દરમ્યાન દર્શન સોલંકીની રૂમમાંથી એક સુસાઇડ-નોટ મળી છે

દર્શન સોલંકી

અમદાવાદમાં રહેતા અને આઇઆઇટી-મુંબઈમાં કેમિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં ભણતા ૧૮ વર્ષના ગુજરાતી વિદ્યાર્થી દર્શન સોલંકીએ ૧૨ ફેબ્રુઆરીએ કૅમ્પસ હૉસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસ દરમ્યાન દર્શન સોલંકીની રૂમમાંથી એક સુસાઇડ-નોટ મળી છે, જેમાં દર્શને પત્રમાં તેના ક્લાસમેટ વિદ્યાર્થીનું નામ લીધું છે. એક પાનાની આખી સુસાઇડ-નોટમાં અંગ્રેજી ભાષામાં ફક્ત ‘અરમાન હૅઝ કિલ્ડ મી’ લખ્યું છે. આ સુસાઇડ-નોટને કારણે દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસે સુસાઇડ-નોટના આધારે અરમાન ખત્રી નામના વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. 
દર્શને આત્મહત્યા જાતિના ભેદભાવને કારણે કરી છે, એ પછી આઇઆઇટી દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી એથી સામાજિક સંગઠનોના દબાણ બાદ મુંબઈ પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સંયુક્ત પોલીસ કમિશનર લક્ષ્મી ગૌતમના નેતૃત્વમાં આ એસઆઇટીની સ્થાપના કરી હતી.

મુંબઈ પોલીસ ડીસીપી ક્રિષ્ણકાંત ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસની તપાસ ટીમ સતત બધી દિશાએથી તપાસ કરી રહી હતી એ દરમ્યાન દર્શન સોલંકીની રૂમમાંથી એક સુસાઇડ-નોટ મળી આવી હતી. અંગ્રેજીમાં લખેલી આ સુસાઇડ-નોટમાં તેણે પગલું ભર્યું એનું કારણ લખ્યું છે. આખી સુસાઇડ-નોટમાં ફક્ત ‘અરમાન હૅઝ કિલ્ડ મી’ લખ્યું છે. આ સુસાઇડ-નોટના આધારે આગળની તપાસ હાથ ધરવામાં ‍આવી રહી છે.’

સૂત્રોએ માહિતી આપી હતી કે દર્શનની આત્મહત્યા પાછળ જાતિવિષયક ટિપ્પણીઓ પણ કારણભૂત છે. આ સુસાઇડ-નોટમાં દર્શને એક વિદ્યાર્થીનું નામ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાતિવાચક કારણના આરોપને આઇઆઇટીની કમિટીએ ફગાવી દીધા હતા. દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં આઇઆઇટી દ્વારા રચાયેલી કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

mumbai mumbai news iit bombay mumbai police ahmedabad