18 February, 2023 09:27 AM IST | Mumbai | Mehul Jethva
દર્શન સોલંકી
મુંબઈ : પવઈની આઇઆઇટી - મુંબઈમાં બીટેકના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષના દર્શન સોલંકીએ રવિવારે સાતમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. એ પછી પરિવારે તેની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. તેના મૃત્યુ પાછળ જવાબદાર આઇઆઇટીના મૅનેજમેન્ટ સામે રવિવારે અમદાવાદમાં કૅન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શનનાં માતા-પિતાએ તેમના દીકરાને ન્યાય મળે એ માટે સમગ્ર દેશમાં દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં રવિવાર, ૧૯ ફેબ્રુઆરીએ કૅન્ડલ માર્ચનું આયોજન કરવાની લોકોને નમ્ર અપીલ કરી છે.
અમદાવાદની સાથે આસપાસનાં પરાંઓમાં મોકલવામાં આવેલા મેસેજ અનુસાર રોહિત વેમુલા, પાયલ તડવી અને હવે અમારો દીકરો દર્શન. દેશની પ્રતિષ્ઠિત કહેવાતી સંસ્થાઓ જાતિગત ભેદભાવને લઈને મોતનો અખાડો બનતી જાય છે; જેમાં દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓનું ભણવું મુશ્કેલ બનતું જાય છે. મહામહેનતે પરીક્ષા પાસ કરી પોતાની યોગ્યતા સાબિત કરીને અમારા
દીકરાની જેમ પ્રવેશ મેળવતાં કેટલાંય આશાસ્પદ યુવાનો-યુવતીઓનું આ રીતે જાતિવાદી હેરાનગતિને કારણે જીવવું મુશ્કેલ બની જાય છે. રોહિત વેમુલા, પાયલ તડવી અને દર્શન સોલંકીનાં નામોની યાદીમાં આપણા સમાજના વિદ્યાર્થીઓનાં બીજાં નામો ન ઉમેરાય તથા અમારા દીકરાને ન્યાય મળે એ માટે સમગ્ર દેશમાં દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં ૧૯ ફેબ્રુઆરીએ કૅન્ડલ માર્ચનું આયોજન કરવા તમામને નમ્ર અપીલ છે. દર્શનને ન્યાય અપાવા માટે સોશ્યલ મીડિયા પર #justice4darshansolankiનો મેસેજ ચલાવવામાં આવી રહ્યો છે.
રૅલીમાં સફેદ શર્ટ પહેરવાની વિનંતી
આ રૅલી ઉત્તમનગર ક્વૉર્ટર્સ, હીરાભાઈ ટાવર, મણિનગરથી શરૂ થઈને જવાહર ચોક, રામબાગ, પુષ્પકુંજ કાંકરિયા, ફુટબૉલ ગ્રાઉન્ડ, ગીતામંદિર બુદ્ધવિહાર, મજૂરગામ, રાયપુર, સારંગપુર ડૉ. બાબાસાહેબના સ્ટૅચ્યુ પર પૂરી થશે. કૅન્ડલ માર્ચની મૌન રૅલીમાં આવનારા સમાજના તમામ આગેવાનોને વિનંતી કરવામાં આવી છે કે બની શકે તો તેઓ સફેદ શર્ટ પહેરે, સંપૂર્ણપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને શાંતિપ્રિય રીતે રૅલીનું સમાપન થાય એને નૈતિક ફરજ સમજે.