તહેવારોમાં દાગીના પહેરીને બહાર નીકળો તો અજાણ્યા માણસની સાથે વાતે નહીં વળગતા

14 October, 2021 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કદાચ તે તમને લૂંટી પણ શકે છે. મુલુંડના ૭૪ વર્ષના ગુજરાતી હરજીવન માંડલિયાને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી ગઠિયાઓએ ૬ તોલા સોનાની ચાર વીંટી તડફાવી લીધી

સોનાની વીંટી ગુમાવનાર મુલુંડના હરજીવન માંડલિયા.

તહેવારોની સીઝનમાં લોકો તૈયાર થઈને બહાર નીકળતા હોવાથી છેતરપિંડી કરતા ગઠિયાઓ પણ ઍક્ટિવ થઈ ગયા છે. મુલુંડમાં રહેતા એક સિનિયર સિટિઝન બપોરે ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે બે યુવકોએ તેમને રોક્યા હતા અને વાતોમાં ભોળવીને તેમણે હાથમાં પહેરેલી સોનાની ચાર વીંટી લઈને નાસી ગયા હતા. આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
મુલુંડ-વેસ્ટમાં મારુતિ આશિષ બિલ્ડિંગમાં રહેતા ૭૪ વર્ષના હરજીવન માંડલિયા મંગળવારે બપોરે દુકાનથી ઘરે જમવા જઈ રહ્યા હતા. દુકાનથી ચાલીને થોડે આગળ આવ્યા ત્યારે એક યુવકે આવીને તેમને કહ્યું કે ‘હું સુભાષ, મને ઓળખ્યો?’ આમ કહીને તેણે હરજીવનભાઈને વાત કરવા રોડની એક સાઇડ પર ઊભા રાખ્યા હતા. થોડી વાર પછી હરજીવનભાઈએ તેને કહ્યું કે મને લેટ થાય છે, હું જાઉં છું. એમ કહેવાની સાથે અન્ય એક વ્યક્તિ તેમની પાસે આવી હતી અને તેમની સાથે વાત કરવા લાગી હતી. પહેલી વ્યક્તિએ હરજીવનભાઈએ હાથમાં પહેરેલી વીંટી જોવા માગી હતી. પોતાનો કોઈ જૂનો કારીગર હોવાનું સમજીને હરજીવનભાઈએ વીંટી કાઢીને તેને આપી હતી. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિએ હાથચાલાકી કરીને હરજીવનભાઈની વીંટી તેમના શર્ટના ખિસ્સામાં મૂકી દેવાનો ઢોંગ કર્યો હતો અને પછી બંને ગઠિયા ત્યાંથી નાસી ગયા હતા. થોડે આગળ ગયા પછી હરજીવનભાઈ પોતાના ઉપરના ખિસ્સામાંથી વીંટી પહેરવા માટે કાઢવા ગયા ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. એટલે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
હરજીવનભાઈના પુત્ર વિજેન્દ્ર માંડલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધોળા દિવસે આવી રીતે બનેલો બનાવ સામાન્ય વાત ન ગણી શકાય. તહેવારમાં લોકો આવી મોડસ ઑપરેન્ડીનો ભોગ બની શકે છે. પોલીસે યોગ્ય પગલાં લઈને આવા બનાવો બનતા રોકવા જોઈએ.’ 
મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એ સાથે અમે લોકોને આવા ગઠિયાઓથી સજાગ રહેવાની પણ અપીલ કરીએ છીએ. અમે તો તેમને પકડવાના પ્રયાસો કરી રહ્યા છીએ, પણ જો તમને છેતરપિંડી કરતા આવા ગઠિયાઓ ધ્યાનમાં આવે તો તરત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.’

Mumbai mumbai news Crime News