યુપી અને અન્ય રાજ્યોમાં ચૂંટણી ન હોત તો કેન્દ્રએ કૃષિ કાયદાઓ રદ કર્યા જ ન હોત : શરદ પવાર

25 November, 2021 04:41 PM IST  |  Mumbai | Agency

આ સરકાર એનો કાર્યકાળ પૂરો કરશે અને જો અમે સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરીશું તો ફરી સત્તા પર આવીશું.’

શરદ પવાર

એનસીપીના વડા શરદ પવારે બુધવારે એવો કટાક્ષ કર્યો હતો કે જો ઉત્તર પ્રદેશ અને બીજાં રાજ્યોમાં ચૂંટણી નજીક ન હોત તો કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય ન લીધો હોત.
સાતારા જિલ્લાના મહાબળેશ્વરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે એવો પુનરુચ્ચાર કર્યો હતો અને જો અત્યારે ચૂંટણી યોજાય તો ત્રિપક્ષી ગઠબંધન ફરી સત્તા પર આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એનસીપીની યુવા પાંખની સભામાં ઉપસ્થિત રહ્યા પછી તેમણે પત્રકારો સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. અમારી જાણકારી મુજબ શાસન કરી રહેલા લોકો જ્યારે આ રાજ્યોના ભાગોમાં ગયા ત્યારે સ્થાનિક લોકોએ તેમની સાથે અલગ વ્યવહાર કર્યો હતો. આ પરથી તેઓ પામી ગયા હશે કે મત માગવા જશે ત્યારે તેમની સાથે કેવું વર્તન કરવામાં આવશે. આથી આ વ્યવહારુ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે. જો નજીકના ભવિષ્યમાં આ રાજ્યોમાં ચૂંટણી ન હોત તો આ નિર્ણય ન લેવાયો હોત.’
મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે નવા વર્ષે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર બદલાશે એ મુજબના કરેલા દાવા અંગે એનસીપી પ્રમુખે જણાવ્યું હતું કે ‘બે વર્ષ અગાઉ સેના, એનસીપી અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડી સરકાર રચાઈ ત્યારે એ પંદર દિવસમાં પડી ભાંગશે એવો દાવો કરાયો હતો. ચંદ્રકાંત પાટીલ પાસે સમય જ સમય છે. આથી તેઓ જ્યોતિષશાસ્ત્ર પર હાથ અજમાવી રહ્યા છે અને એના આધારે આવાં તારણો કાઢી રહ્યા છે. તેમને એ કરવા દો. જોકે આ સરકાર એનો કાર્યકાળ પૂરો કરશે અને જો અમે સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરીશું તો ફરી સત્તા પર આવીશું.’

Mumbai mumbai news