જો ભણવાનો જુસ્સો હોય તો એને ઉંમર નથી નડતી

18 June, 2022 11:27 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૫૬ વર્ષની ઉંમરે પણ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સામાજિક કાર્યો કરતાં થાણેનાં ગુણવંતી સત્રા લગ્નનાં પચીસ વર્ષ બાદ બી.એ., એમ.એ. કરીને હવે જૈનોલૉજીમાં પીએચડી કરી રહ્યાં છે

જૈનોલૉજીમાં વૈરાગ્ય પર પીએચડી કરી રહેલાં ગુણવંતી સત્રા.

છેલ્લાં ૨૦ વર્ષથી અનેક સામાજિક સંસ્થાઓ અને જીવદયા સંસ્થા સાથે જોડાઈને સામાજિક કાર્યો સાથે ૫૬ વર્ષની ઉંમરે બાળપણનો ભણવાનો જુસ્સો હાઈ રાખીને થાણેનાં ગુણવંતી સત્રા જૈનોલૉજીમાં પીએચડી કરી રહ્યાં છે. એટલું જ નહીં, તેમણે લગ્નનાં પચીસ વર્ષ બાદ બી.એ., એમ.એ. કરવાની સાથે જૈન ધર્મની ૧થી ૨૦ શ્રેણીનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે. આ બધા વચ્ચે હાલમાં જ તેમની શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના ઉપપ્રમુખપદે નિમણૂક થઈ છે. 
મૂળ સૂવઈ ગામનાં ગુણવંતી હસમુખ સત્રાએ લગ્નજીવનનાં પચીસ વર્ષ બાદ પોતાની શિક્ષણની ઇચ્છા પૂરી કરી હતા એ વિશે તેમની સાથે વાતચીત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને બાળપણથી જ ભણવાનો ખૂબ શોખ હતો. મને મુલુંડ કૉલેજ ઑફ કૉમર્સમાં ૧૯૮૩માં ૧૨મા ધોરણમાં ૭૫ ટકા આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ દાદીએ ભણવાની ના પાડી અને ઘરે વડીલોએ ભણવાની ના પાડતાં ૧૯૮૩માં મારો શિક્ષણ સાથે સંબંધ તૂટી ગયો હતો. તરત જ બીજા વર્ષે ૧૯૮૪માં મારાં લગ્ન થયાં. ત્યાર બાદ સંસાર શરૂ થયો. માથે જવાબદારીઓ આવી, બાળકો થયાં. મને બે દીકરી અને એક દીકરો છે. એ બધામાં વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ પચીસ વર્ષ પછી મારા દીકરાનાં લગ્ન થયાં અને વહુ આવી. મારી વહુનું ભણવાનું બાકી હોવાથી મેં તેને એ પૂરું કરવા કહ્યું, પણ તેને ઇચ્છા થઈ નહોતી. ત્યાર બાદ મને ઇચ્છા થઈ કે મારું શિક્ષણ લેવાનું સપનું હું પૂરું કરું.’
મારા શિક્ષણની સફર પરિવારના તમામ સભ્યોના સહયોગથી શરૂ થઈ હતી એમ જણાવીને ગુણવંતીબહેને કહ્યું હતું કે ‘મેં ૩ વર્ષનો બૅચલર ઑફ આર્ટ્સનો કોર્સ રાજસ્થાનની યુનિવર્સિટીથી કર્યો હતો. એ પૂરો થયા બાદ મેં એમ.એ. કરવાનું નક્કી કર્યું હતું અને બે વર્ષ મેં એમ.એ. જૈનોલૉજીમાં કર્યું હતું. પચીસ વર્ષ બાદ ભણવાનું શરૂ કર્યું છતાં ક્યાંય એવું લાગ્યું નહીં કે મેં આટલા લાંબા અંતર બાદ બુક્સને હાથ લગાડ્યો છે. બસ, બુક્સનો પ્રેમ મને શાંતિ આપે છે. આ બધા ભણવાની સાથે જૈન ધર્મની ૧થી ૨૦ શ્રેણીનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો.’
બી.એ. અને એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યા બાદ હવે હું જૈનોલૉજીમાં પીએચડી કરી રહી છું એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ‘કોરોનાને કારણે અભ્યાસ ધીમો પડી ગયો હતો. જૈનોલૉજીમાં હું વૈરાગ્ય પર પીએચડી કરી રહી છું. એન્ટ્રન્સ એક્ઝામ આપીને એમાં પાસ થઈ ગઈ અને મારો ઇન્ટરવ્યુ પણ લેવાઈ ગસો હતો તેમ જ મેં પ્રોજેક્ટ પણ આપી દીધો છે. હાલમાં અમારા સમાજની ચૂંટણીમાં હું વ્યસ્ત હતી. તમામ પ્રકારની સામાજિક અને પરિવારની જવાબદારી સાથે હું દરરોજ સવારે ચારથી છ વાગ્યા સુધી ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન આપું છું. આ સમય દરમ્યાન જે અભ્યાસ થયો હોય એટલો જ કરી શકું, કારણ કે આખો દિવસ સામાજિક કામમાં વ્યસ્ત રહેતી હોઉં છું. મારા પરિવાર અને પતિ, વહુ-દીકરાના સહકારથી હું આ ઉંમરે પણ ભણી રહી છું.’

 પચીસ વર્ષ બાદ ભણવાનું શરૂ કર્યું છતાં ક્યાંય એવું લાગ્યું નહીં કે મેં આટલા લાંબા અંતર બાદ બુક્સને હાથ લગાડ્યો છે. બસ, બુક્સનો પ્રેમ મને શાંતિ આપે છે. આ બધા ભણવાની સાથે જૈન ધર્મની ૧થી ૨૦ શ્રેણીનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. - ગુણવંતી હસમુખ સત્રા

Mumbai mumbai news preeti khuman-thakur