ટ્રાફિકનો દંડ નહીં ભર્યો હોય તો લાઇસન્સ ગુમાવવું પડશે

21 January, 2021 09:44 AM IST  |  Mumbai | Vishal Singh

ટ્રાફિકનો દંડ નહીં ભર્યો હોય તો લાઇસન્સ ગુમાવવું પડશે

એમઆઇડીસી અંધેરીમાં એક ઝુંબેશ દરમ્યાન ટ્રાફિક-પોલીસ વાહનો તેમ જ એના દસ્તાવેજો ચકાસી રહી છે. (ફાઇલ ફોટો)

વારંવાર યાદ અપાવવા છતાં ઈ-ચલાનની ચુકવણી ન કરનારા શહેરના ૪૨૦૦ જેટલા વાહનચાલકો આગામી થોડાં અઠવાડિયાંમાં તેમનું લાઇસન્સ ગુમાવી શકે છે.
આ સંદર્ભે મુંબઈ ટ્રાફિક-પોલીસે આરટીઓના અધિકારીઓ સાથે મંગળવારે ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજી હતી.
ટ્રાફિક-પોલીસે જણાવ્યા અનુસાર શહેરમાં અનેક વાહનચાલકો એકદમ જોખમી રીતે તેમ જ નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને વાહનો ચલાવતા હોય છે અને તેમને ઈ-ચલાન દ્વારા દંડ કરવામાં આવ્યો હતો, જેને ચૂકવવાનો વાહનચાલકોએ ઇનકાર કર્યો હતો.
બાકી નીકળતી દંડની રકમ વસૂલવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં ટ્રાફિક-પોલીસ ફોનના માધ્યમથી મોકલવામાં આવેલા ઈ-ચલાનની રકમ ન ચૂકવનારા ડ્રાઇવરોનો સંપર્ક કરી રહી છે. જે 4200 લોકોએ દંડની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો છે તેમનાં નામ આરટીઓ કાર્યાલયને મોકલવામાં આવશે.
આ યાદીમાં સિગ્નલ તોડનારા, ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોન પર વાત કરનારા, શરાબ પીને ડ્રાઇવિંગ કરનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ડ્રાઇવરોને કરવામાં આવેલી દંડની રકમ લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલી છે.
ટ્રાફિક-પોલીસે જણાવ્યું હતું કે 2015માં રાજ્ય સરકારે એક ઠરાવ બહાર પાડ્યો હતો, જે મુજબ જોખમી રીતે ડ્રાઇવિંગ કરનારા તેમ જ વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોનાં લાઇસન્સ રદ કરવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો હતો.
આ ઝુંબેશના 24 દિવસોમાં ટ્રાફિક-પોલીસના વરલીસ્થિત હેડ ક્વૉર્ટર્સમાં બે શિફ્ટમાં કામ કરતા 24 પોલીસો સાથે શરૂ કરવામાં આવેલા કૉલ સેન્ટરે 1.12 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. સૌથી વધુ રકમ ચૂકવવાની બાકી હોય તેવા વાહનચાલકોને પહેલાં કૉલ કરવામાં આવતા હતા.

mumbai mumbai news mumbai traffic vishal singh