કોરોનાની ત્રીજી લહેર ન આવે તોય ૧૦થી ૧૨ મહિના માસ્ક પહેરવો જરૂરી : ડૉક્ટરો

20 November, 2021 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસી ઉપરાંતના પૂરક રક્ષણ સ્વરૂપે માસ્કનો ઉપયોગ કરવો પડશે. રસીના બન્ને ડોઝ લીધા પછી પણ આપણે માસ્ક પહેરવો જોઈએ. મુંબઈવાસીઓએ હજી બીજા ૧૦થી ૧૨ મહિના માસ્ક પહેરવો પડશે.

કોરોનાની ત્રીજી લહેર ન આવે તોય ૧૦થી ૧૨ મહિના માસ્ક પહેરવો જરૂરી : ડૉક્ટરો

યુરોપ કોરોનાની નવી લહેરની ઝપટમાં આવી રહ્યું છે ત્યારે ડૉક્ટરોએ જણાવ્યું છે કે મુંબઈવાસીઓએ ૨૦૨૨માં પણ ફેસમાસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે.
કોવિડ-19 માટેની રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિતે જણાવ્યું હતું કે ‘રસી ઉપરાંતના પૂરક રક્ષણ સ્વરૂપે માસ્કનો ઉપયોગ કરવો પડશે. રસીના બન્ને ડોઝ લીધા પછી પણ આપણે માસ્ક પહેરવો જોઈએ. મુંબઈવાસીઓએ હજી બીજા ૧૦થી ૧૨ મહિના માસ્ક પહેરવો પડશે.’ 
સરકારી મેડિકલ કૉલેજના એક સિનિયર ડૉક્ટરે અભિપ્રાય આપ્યો હતો કે કોરોનાની ત્રીજી લહેર ન આવે એમ છતાં ઓછામાં ઓછા છ મહિના સુધી તો માસ્ક પહેરવો જરૂરી જ છે. અમેરિકન નિષ્ણાત ડૉ. એ. ફૌસી અને બિલ ગેટ્સે પણ જુદા-જુદા પ્રસંગોમાં ૨૦૨૨ના અંત સુધી માસ્કના ઉપયોગની હિમાયત કરી હતી.
જોકે શહેરીજનોમાં હવે માસ્કનું મહત્ત્વ ઘટી રહ્યું છે. બીએમસીએ માસ્ક ન પહેરનારા લોકોને દંડ ફટકારીને આશરે ૮૦ કરોડ રૂપિયા જેટલી રકમ એકત્રિત કરી છે. 
બીએમસી સંચાલિત હૉસ્પિટલના એક સિનિયર ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘યુરોપ સકંજામાં સપડાયાના બે-ત્રણ મહિના પછી ભારતનો વારો આવતો હોય છે. આથી આપણે ચેતવાની જરૂર છે.’ 
જોકે ભારતમાં ડેલ્ટા અને એના ડેરિવેટિવ્ઝ જ જોવા મળી રહ્યા છે ત્યારે નિષ્ણાતોના મતે જ્યાં સુધી ઝડપી પ્રસરણ ધરાવતો નવો વેરિઅન્ટ દેખા ન દે ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ નથી.
આ દરમ્યાન બીએમજેમાં પ્રસિદ્ધ કરાયેલી એક સમીક્ષામાં જણાવ્યું હતું કે હૅન્ડમાસ્કનો ઉપયોગ કરવાથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ અડધોઅડધ ઘટી જાય છે. મેલબર્નની મોનાશ યુનિવર્સિટીનાં સ્ટેલા ટેલિકે જણાવ્યું હતું કે ‘કોરોના મહામારી પર નિયંત્રણનો આધાર વ્યાપક રસીકરણ અને એની અસરકારકતાની સાથે-સાથે જાહેર આરોગ્યનાં અસરકારક પગલાંને વળગી રહેવા પર રહેલો છે.’ 

Mumbai mumbai news