લૉકડાઉન હળવું બન્યું તોય મુંબઈગરા માટે થશે રિક્ષાની રામાયણ

16 May, 2020 07:45 AM IST  |  Mumbai Desk | Mayur Parikh

લૉકડાઉન હળવું બન્યું તોય મુંબઈગરા માટે થશે રિક્ષાની રામાયણ

લગભગ 5000 જેટલી રિક્ષા મુંબઈમાંથી એક સપ્તાહમાં રવાના થઈ ગઈ. દહિસર-ઈસ્ટમાં રેલવે-સ્ટેશનની બહારનું રિક્ષા-સ્ટૅન્ડ અડધું ખાલી છે.

કોરોનાને કારણે અનેક લોકો મુંબઈ છોડીને બહારગામ પોતાના વતન જઈ રહ્યા છે. ઘણા લોકો ટ્રેનમાં ચાલ્યા, ઘણાએ પગપાળા પ્રવાસ કર્યો અને અનેક લોકો ટ્રકમાં તથા બસમાં બેસીને પોતાના માદરે વતન ચાલી ગયા છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે માત્ર પરપ્રાંતીય મજૂર મુંબઈ છોડીને જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી મુંબઈ છોડીને જનારાઓમાં ઑટોરિક્ષા અને ટૅક્સીચાલકો પણ સામેલ છે. 
મુંબઈ શહેરમાં લોકોને એકથી બીજા સ્થાને પહોંચાડવાની સેવા બજાવી રહેલા રિક્ષાવાળાઓએ પણ પોતાના પરિવાર સાથે મુંબઈમાંથી ચાલતી પકડી લીધી છે. ઑટોરિક્ષા યુનિયનના આંકડા મુજબ મુંબઈ શહેરમાંથી ચાલુ સપ્તાહે ૫૦૦૦ જેટલી ઑટોરિક્ષા લઈને તેના માલિકો પોતપોતાના મૂળ ગામ કે શહેર ભણી રવાના થઈ ગયા છે, પરંતુ એવું માનવામાં આવે છે કે વાસ્તવિક સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે. આ આંકડો માત્ર એક જ સપ્તાહનો છે. આ ઉપરાંત હજીય રિક્ષાવાળાઓની હિજરત ચાલુ જ છે.
બાંદરાથી દહિસર અને કુર્લાથી મુલુંડ વચ્ચે સંચાલિત એવી ઑટોરિક્ષાની સંખ્યા મુંબઈમાં બે લાખ જેટલી છે. આમાંની ઘણીખરી ઑટોરિક્ષા દૈનિક ભાડા પર ચાલે છે. જોકે ફડણવીસ સરકારે ઑટોરિક્ષાની પરમિટ દરેકને આપવાનો નિર્ણય લેતાં હવે  મુંબઈની બહારથી આવેલા લોકોએ પણ ઑટોરિક્ષા ખરીદી હતી. મુખ્યત્વે ઘણાખરા રિક્ષા-ડ્રાઇવર તેમ જ રિક્ષામાલિક હવે મુંબઈ છોડીને જઈ રહ્યા છે. 
રિક્ષાવાળાઓને શા માટે પોતાનું માદરે વતન યાદ આવે છે? એ સંદર્ભે વાત કરતાં મણિ હરિયાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા ઘણા મિત્રો મુંબઈ છોડીને જતા રહ્યા છે. તેઓનું કહેવું છે કે હવે તેઓ પોતાના ગામમાં જ ઑટોરિક્ષા ચલાવશે. લોકોનું માનવું છે કે મુંબઈ શહેરમાં આ બીમારી ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેશે અને એવી પરિસ્થિતિમાં રિક્ષાના હપ્તા ભરવા આસાન નહીં હોય. એટલે ગામમાં બે રૂપિયાની કમાણી કરીને રિક્ષાના હપ્તા ભરી લેવા સારા. પોતાના વિશે જણાવતાં મણિએ કહ્યું કે મારા પરિવારે પણ મને કહ્યું છે કે તું મુંબઈ છોડીને ગામ આવી જા, પરંતુ મારું માનવું છે કે ગામમાં સારી કમાણી નહીં થઈ શકે. આવનાર દિવસોમાં પૈસા કમાવા માટે મુંબઈમાં જ રહેવું પડશે અને એટલે જ મેં મુંબઈ નથી છોડ્યું.’
બીજી તરફ મુંબઈથી બહાર જનાર ઑટોરિક્ષામાં રિક્ષાચાલકના પરિવારજનો તેમજ ધરવખરીનો સામાન ભરેલો છે. એક રિક્ષા ગૅસ અને પેટ્રોલ પર આશરે ૧૫૦ કિલોમીટર જેટલું અંતર કાપી લે છે. ત્યાર બાદ નવેસરથી ગૅસ અને પેટ્રોલ ભરાવવાં પડે છે. આથી મુંબઈ અને ઉત્તર પ્રદેશના રસ્તે જતાં તમામ પેટ્રોલ પમ્પની બહાર ઑટોરિક્ષાવાળાઓની લાંબી લાઇનો લાગેલી હોય છે. ઘણી ઑટારિક્ષા ત્રણથી ચાર દિવસ બાદ ઉત્તર પ્રદેશ પહોંચી રહી છે. જો આ ઑટોરિક્ષા આ જ રીતે મુંબઈ છોડીને જશે તો આવનારા દિવસોમાં મોટી સમસ્યા સર્જાશે.
આ સંદર્ભે વિગતે વાત કરતાં યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું કે ‘અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ તમામ રિક્ષાચાલકો મુંબઈ પાછા આવશે. તેઓ માત્ર પોતાના પરિવારને ગામ મોકલવા માટે રિક્ષા લઈને ઊપડ્યા છે. આ રીતે જવું તેમને માટે સુરક્ષિત અને સસ્તું છે.’
એક વાત નક્કી કે મુંબઈ છોડીને જનારાઓ જ્યાં સુધી મુંબઈમાં સામાન્ય સ્થિતિ નહીં થાય ત્યાં સુધી પાછા નહીં આવે. આ પરિસ્થિતિમાં લૉકડાઉન ખૂલ્યાના તરત બાદ મુંબઈવાસીઓને ઑટોરિક્ષા આસાનીથી નહીં મળે એટલું નક્કી.

mumbai mumbai news lockdown coronavirus covid19