જો સરકાર વહેલી તકે પગલાં નહીં લે તો ૨૦ ટકા દુકાનો બંધ થઈ જશે : કેઇટ

20 July, 2020 09:12 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

જો સરકાર વહેલી તકે પગલાં નહીં લે તો ૨૦ ટકા દુકાનો બંધ થઈ જશે : કેઇટ

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન ખુલ્લું મુકાયાને પણ હવે જ્યારે દોઢ મહિનો થવા આવ્યો છે એમ છતાં માર્કેટમાં ઘરાકી ન હોવાથી રિટેલ વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા ૧૦૦ દિવસમાં ૧૫.૫૦ લાખ કરોડનું દેશભરના રિટેલરોનું નુકસાન થયું છે. વેપારીઓના દેશવ્યાપી અસોસિએશન કોન્ફડેરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)દ્વારા કહેવાયું છે કે જો સરકાર આ બાબતે યોગ્ય પગલાં નહીં લે તો ૨૦ ટકા કરતાં વધુ દુકાનદારોએ તેમની દુકાન બંધ કરવા મજબૂર થવું પડશે.
કેઇટનું કહેવું છે કે સરકાર દ્વારા વેપારીઓને કોઈ પણ આર્થિક પૅકેજ ન અપાયું હોવાથી વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. વેપારીઓએ કોરોનાની શરૂઆતમાં લોકોને જરૂરિયાતની ચીજો પણ આપી અને ફૂડ પેકેટ્સ પણ વહેંચ્યા પણ હવે જ્યારે વેપારીઓને હાડમારી પડી રહી છે ત્યારે સરકાર દ્વારા તેમને મદદ કરવા કોઈ જરૂરી પગલાં લેવાયાં નથી.
કેઇટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે આજે કોરોનાના કારણે લોકોમાં ડર પેસી ગયો છે અને એથી લોકો ખરીદી માટે બહુ ઓછા નીકળે છે. આંતરરાજ્ય ટ્રાન્સ્પોર્ટમાં પણ બહુ મુશ્કેલીઓ છે જેની અસર પણ વેપાર પર પડી રહી છે. મહારાષ્ટ્રમાં સતત લૉકડાઉન જાહેર કરાઈ રહ્યું છે જેને કારણે મોટાભાગની દુકાનો બંધ હોય એવો જ માહોલ છે. દેશભરના સર્વેના આંકડા મુજબ લૉકડાઉન ખૂલ્યા બાદ માત્ર ૧૦ ટકા કસ્ટમરો જ ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે વેપારને બહુ જ માઠી અસર થઈ છે.
કેઇટ દ્વારા કહેવાયું છે કે આ સમયે વેપારીઓને સરળતાથી લોન મળી શકે એ માટે ગોઠવણ ઊભી કરવી જરૂરી છે. વેપારીઓને કરમાં રાહત અને લોન અને તેના ઈએમઆઇ ભરવામાં રાહત અને વધુ અવધિ આપવી જોઈએ. વળી એ વધારાની અવધિ પર કોઈ વધારાના વ્યાજની આકારણી ન થવી જોઈએ કે એ બદલ કોઈ પેનલ્ટી વસૂલાવી ન જોઈએ. જેથી બજારમાં લિક્વિડીટી આવે અને રિટેલ વેપારીઓની ધંધાની ગાડી ફરી પાટે ચડી શકે.

mumbai mumbai news