કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ?

21 June, 2020 08:50 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ?

લૉકડાઉન ધીરે-ધીરે ખૂલી રહ્યું છે ત્યારે કેટલીક સોસાયટી હાઉસમેડ અને દૂધવાળાઓને પ્રિકોશન લઈને અંદર આવવાની પરમિશન આપી રહ્યા છે તો કેટલીક સોસાયટીએ માત્ર સિનિયર સિટિઝનો માટે હાઉસમેડની છૂટ આપી છે. બીજી તરફ એવી પણ કેટલીક સોસાયટી છે જ્યાં હાઉસમેડ, દૂધવાળા અને શાકભાજીવાળાઓને અંદર આવવા માટે પરમિશન અપાતી નથી. દરેક સોસાયટીના પોતપોતાના નિયમો છે. એ સંદર્ભે શુક્રવારે કો-ઑપરેટિવ મિનિસ્ટર બાળાસાહેબ પાટીલે ચેતવણી આપી છે કે જે હાઉસિંગ સોસાયટીઓ કે બિલ્ડિંગવાળાઓ હાઉસમેડ, દૂધવાળા કે શાકભાજી વેચનારાઓના પ્રવેશ પર રોક લગાવશે એની સામે કાર્યવાહી થશે. જો કોઈ હાઉસિંગ સોસાયટી એના કોરોનાગ્રસ્ત મેમ્બર કે રિકવર મેમ્બર સાથે ભેદભાવ રાખશે તો એણે કોવિડ-19 કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કેટલીક હાઉસિંગ સોસાયટીઓની ફરિયાદ મળ્યા પછી બાળાસાહેબ પાટીલે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કરીને પૂછ્યું કે ‘જો હાઉસમેડને સોસાયટીમાં આવવા દઈએ અને એને કારણે કોરોનાનું સંક્રમણ થાય તો એ માટે જવાબદાર કોણ?’ જોકે તેમણે આનો સીધો જવાબ આપવાનું ટાળતાં એટલું જ કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં આ વિશે ગાઇડલાઇન જાહેર કરશે.

મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન શું કહે છે?

આ બાબતે મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન રમેશ પ્રભુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇકૉનૉમીને આપણે બંધ રાખી શકીએ નહીં. આ માટે જે બાળાસાહેબ પાટીલે કહ્યું છે એની સાથે હું સહમત છું. ઇકૉનૉમીની ઍક્ટિવિટી બંધ રાખવી, સોસાયટીના મેમ્બર પર લગામ તાણવી કે દાદાગીરી કરવી એ ખોટી વાત છે. સોસાયટીમાં બહારથી આવનાર વ્યક્તિએ માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું અને સૅનિટાઇઝ કરવું એવું પાટીલસાહેબે કહ્યું છે ત્યારે જો સોસાયટીએ હજી વધુ પ્રિકોશન રાખવું હોય તો થર્મોમીટર અને પલ્સ ઑક્સિમીટર પણ રાખી શકે છે. એવી ફરિયાદ પણ આવી છે કે કેટલીક સોસાયટી ખોટા નિયમ બનાવીને એના મેમ્બરને હેરાન કરે છે. સોસાયટીઓએ યોગ્ય પ્રિકોશન લઈને હાઉસમેડ, દૂધવાળા કે શાકભાજી વેચનારાઓને અંદર આવવા દેવા જોઈએ.’

સોસાયટીઓના ચૅરમૅન શું કહે છે?

અંધેરી-વેસ્ટમાં જુહુ લેનમાં આવેલી જીવન પ્રસાદ કો-ઑ. હા. સોસાયટીના ચૅરમૅન શરદ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યોગ્ય પ્રિકોશન લઈને હાઉસમેડ, ઇલેક્ટ્રિશ્યન કે પ્લમ્બરને અમારી સોસાયટીમાં આવવા દઈએ છીએ. બાકી દૂધવાળા કે પ્રેસવાળાઓ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર એક નક્કી કરેલી જગ્યાએ જે-તે વસ્તુઓ મૂકીને જાય છે. થોડું રિસ્ક તો લેવું પડે, બાકી યોગ્ય પ્રિકોશન રાખીએ તો કંઈ ન થાય.’ 

દહિસર-વેસ્ટના કાંદરપાડામાં આવેલી નીલાંગી સોસાયટીના ચૅરમૅન વિશાલ જાનીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે ડે વનથી અમારી સોસાયટીનો ગેટ, પાર્કિંગની જગ્યા, કાર, ડોર, હૅન્ડલ, લિફ્ટ, એન્ટ્રી-ગેટને સૅનિટાઇઝ કરીએ છીએ. સોસાયટીની અંદર આવાનાર વ્યક્તિનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરીએ છીએ. એ પછી હાથને સૅનિટાઇઝ કરીએ છીએ. માસ્ક પહેર્યો હોય એ પછી તેને એન્ટ્રી આપીએ છીએ. અમારી સોસાયટીમાં બે હાઉસમેડ આવી રહી છે જે અમારી સોસાયટી સિવાય બીજે ક્યાંય કામ કરવા જતી નથી એટલે અમે પરમિશન આપી છે. જો હાઉસમેડને શરદી કે તાવ જેવાં લક્ષણ દેખાય તો તેને બે-ચાર દિવસની રજા આપી દઈએ છીએ. બાકી ડિલિવરી-બૉયને ગેટની અંદર જ આવવા દેતા નથી. જેનો સમાન હોય તે સોસાયટી-મેમ્બર નીચે આવે અને ગેટ પાસે ઊભેલા ડિલિવરી-બૉય પાસેથી પોતાનો સામાન લઈ જાય.’

કો-ઑપરેટિવ મિનિસ્ટર બાળાસાહેબ પાટીલ શું કહે છે?

કો-ઑપરેટિવ મિનિસ્ટર બાળાસાહેબ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અનેક સોસાયટીમાં સિનિયર સિટિઝન વ્યક્તિ એકલી રહેતી હોય છે તેઓને યોગ્ય મદદ મળતી નથી. સોસાયટીવાળા દૂધવાળા અને શાકભાજીવાળાઓને અંદર આવવાની મનાઈ કરે છે જેથી સોસાયટીના અનેક મેમ્બરોએ તકલીફ વેઠવી પડે છે.’

કેટલીક મળેલી ફરિયાદોનું વર્ણન કરતાં બાળાસાહેબ પાટીલે ઉમેર્યું હતું કે ‘સોસાયટીમાં રહેતો કોઈ માણસ નોકરી માટે બહાર જાય તો તેને કહે કે જાઓ, પણ ફરી સોસાયટીમાં ન આવતા. બીજી ફરિયાદ અમને એ પણ મળી છે કે પુણેનો એક રહેવાસી જે બીજા કોઈક શહેરમાં નોકરી કરીને પોતાના ઘરે પાછો ગયો તો તેને પ્રવેશવા ન દેવાયો. આવી કેટલીક ફરિયાદો અમને મળી છે. અમે આવી સોસાયટીઓ પર ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું. એ ઉપરાંત જે સોસાયટી કોરોના-પેશન્ટ કે કોરોના-રિકવર વ્યક્તિ સાથે ભેદભાવ રાખશે તો તેમણે કોવિડ-19 કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આને માટે અમે સોમવારે ગાઇડલાઇન બહાર પાડીશું.

અમારી સોસાયટીમાં બે હાઉસમેડ આવી રહી છે જે અમારી સોસાયટી સિવાય બીજે ક્યાંય કામ કરવા જતી નથી એટલે અમે પરમિશન આપી છે.: વિશાલ જાની, દહિસર-વેસ્ટના કાંદરપાડામાં આવેલી નીલાંગી સોસાયટીના ચૅરમૅન

યોગ્ય પ્રિકોશન લઈને હાઉસમેડ, ઇલેક્ટ્રિશ્યન કે પ્લમ્બરને અમારી સોસાયટીમાં આવવા દઈએ છીએ. થોડું રિસ્ક તો લેવું જ પડે, બાકી યોગ્ય પ્રિકોશન રાખવું જોઈએ તો કંઈ થાય નહીં. : શરદ શાહ, અંધેરી-વેસ્ટમાં જુહુ લેનમાં આવેલી જીવન પ્રસાદ કો-ઑ. હા. સોસાયટીના ચૅરમૅન

એવી ફરિયાદ પણ મળી છે કે કેટલીક સોસાયટી ખોટા નિયમો બનાવીને સોસાયટીના મેમ્બરને હેરાન કરે છે. સોસાયટીઓએ યોગ્ય પ્રિકોશન લઈને હાઉસમેડ, દૂધવાળા કે શાકભાજી વિક્રેતાઓને અંદર આવવા દેવા જોઈએ.: રમેશ પ્રભુ, મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશનના ચૅરમૅન

coronavirus covid19 lockdown mumbai mumbai news urvi shah-mestry