હોટેલ, બાર અને મૉલ્સ ખૂલે તો ગાર્ડન્સ કેમ નહીં?

03 October, 2020 08:57 AM IST  |  Mumbai | Prajakta Kasale

હોટેલ, બાર અને મૉલ્સ ખૂલે તો ગાર્ડન્સ કેમ નહીં?

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારે કોરોના રોગચાળાના લૉકડાઉનમાં છૂટછાટો જાહેર કર્યા પછી મીરા-ભાઈંદરના રહેવાસીઓએ બગીચા ખોલવાની પરવાનગી શા માટે ન આપી એ બાબતે સવાલો ઊભા કરી રહ્યા છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ એકાદ મહિના પહેલાં શહેરમાં મૉલ્સ અને બજારો ખુલ્લાં મૂકવાની છૂટ આપી હતી. રાજ્ય સરકારે પહેલી જૂનથી બગીચા ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. પરંતુ મીરા-ભાઈંદર મહિનગરપાલિકાએ તેમના ક્ષેત્રમાં બગીચા ખોલવાની છૂટ આપી નહોતી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ પહેલી ઑક્ટોબરના સર્ક્યુલરમાં હોટલો, ફૂડ કોર્ટ્સ અને બાર ફરી ખોલવાની જાહેરાત કરી હતી. પરંતુ એ સર્ક્યુલરમાં બગીચા-પાર્ક્સ ફરી ખોલવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને મૉર્નિંગ વૉકનો નિયમ ધરાવતા લોકો માટે આ મુદ્દો મહત્ત્વનો બન્યો છે.
ભાઈંદર (ઈસ્ટ)નાં રહેવાસી કૃતિકા ભોઇરે જણાવ્યું હતું કે ‘હું રોજ ઈવનિંગ વૉક માટે નીકળતી હતી. પરંતુ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી એ નિયમ તૂટી ગયો છે. બગીચામાં ભીડ થતાં રોગચાળો ફેલાવાનો ડર રહે છે, પરંતુ હવે નવા સંજોગોમાં જો બજારો લોકોથી ભરચક હોય તો બગીચા ખોલવામાં શો વાંધો હોઈ શકે?’
જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડે જણાવ્યું હતું કે ‘બગીચા-પાર્ક્સ ખુલ્લા મૂકવાની કોઈ યોજના નથી, પરંતુ જો લોકલાગણી અને માગણી હશે તો અમે ચોક્કસ એ બાબતે વિચારણા કરીશું.’

prajakta kasale mumbai mumbai news