મુંબઈ : ગણેશોત્સવનું રિપીટેશન દિવાળીમાં ન થાય તો મુંબઈ પાટે ચડશે

14 November, 2020 11:11 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ગણેશોત્સવનું રિપીટેશન દિવાળીમાં ન થાય તો મુંબઈ પાટે ચડશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના નવા કેસમાં જો વધારો નહીં થાય તો દિવાળી પછીનાં બે અઠવાડિયાંમાં સામાન્ય મુંબઈગરાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળવાની શક્યતા જોવાઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યા મુજબ તેઓ શહેરમાં નોંધાતા કેસ પર નજર રાખી રાખ્યા છે. બે અઠવાડિયાંમાં જો સુધારો જણાશે તો લોકલ ટ્રેનમાં સામાન્ય જનતાને પ્રવાસ માટેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. ગણેશોત્સવમાં દરરોજ ૨૦૦૦ જેટલા નવા કેસ આવ્યા હતા, પરંતુ દિવાળીના અત્યારના સમયમાં કોવિડનું જોર ઘટ્યું છે એથી જો આગામી બે અઠવાડિયાં આ ટ્રેન્ડ જળવાશે તો મુંબઈ ફરી પાટે ચડી શકશે.

મુંબઈમાં દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે. આથી જો આગામી દિવસોમાં કોરોનાના નવા કેસમાં વધારો થશે તો સામાન્ય મુંબઈગરાઓએ લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે વધુ રાહ જોવી પડશે. અંદાજે મુંબઈની ત્રણેલ રેલવે લાઇનમાં ૭૫ લાખ લોકો પ્રવાસ કરે છે.

માર્ચ મહિનામાં મુંબઈમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ ખૂબ જ ઝડપથી કેસનો વિસ્ફોટ થવાથી લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. ૩૦ ઑક્ટોબરે રાજ્ય સરકારે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજરોને લખ્યું હતું કે સરકારે સામાન્ય પ્રવાસીઓ માટે ત્રણ સ્લૉટ અને અસેન્શિયલ સર્વિસના મુસાફરો માટે બે સ્લૉટનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રાજ્ય સરકારે દર કલાકે એક લેડીઝ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો t પણ રેલવેને આપ્યો છે.

૨૪ ઑક્ટોબર બાદ મુંબઈમાં કોવિડના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસમાં સૌથી ઓછા ૫૩૫ કેસ નોંધાયા હતા. નિષ્ણાતોના મતે દિવાળી આપણો સૌથી મોટો તહેવાર હોવાની સાથે કોવિડ બાબતે પણ આ સમય ખૂબ મહત્ત્વનો છે. નવેમ્બરના અંત સુધી કોવિડના કેસની ઘટનાનો ટ્રેન્ડ જળવાઈ રહે અે માટે સંબંધિત વિભાગોએ ધ્યાન રાખવાની જરૂર છે. આમ થશે તો મુંબઈ ફરી પાટે ચડી શકશે.

ગણેશોત્સવ પછી કોરોના કેસમાં ભારે વધારો થયો હતો

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું ખૂબ મહત્ત્વ છે. સપ્ટેમ્બર મહિનામાં આ તહેવાર હતો ત્યારે મુંબઈમાં દરરોજ ૨૦૦૦ નવા કેસ નોંધાયા હતા. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા બહાર નીકળવાની સાથે આ સમયે કોવિડના ટેસ્ટિંગમાં પણ વધારો થયો હોવાથી આંકડો મોટો આવ્યો હતો. એ સમયે મિશન બિગિન અગેઇન ચાલુ કરી દેવાયું હતું, પરંતુ કેસ ઘટતા ન હોવાથી રાજ્ય સરકારે સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન ચાલુ કરવાનું સાહસ નહોતું ખેડ્યું.

કોરોના વાઇરસ ફેલાવાની સાઇકલ ૧૪ દિવસની હોય છે, એથી દિવાળી પછીના ૧૪ દિવસ ખૂબ મહત્ત્વના છે. એ સમયે જો કેસમાં વધારો નહીં થાય તો રાજ્ય સરકાર સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાનો નિર્ણય લઈ શકશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની તમામ મહાનગરપાલિકાની કોરોનાના કેસ બાબતની માહિતી પર સરકાર નજર રાખી રહી છે.
- સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર

mumbai mumbai news mumbai local train mumbai trains lockdown coronavirus