જો દેશમાં તમામ ઇલેક્શન એકસાથે થાય તો પ્રગતિને રૂંધનારો આવો નિર્ણય ન લેવાય

20 November, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૃષિ કાયદાઓ પાછા લેવા એ મોદી સરકારની પીછેહઠ કહેવાય કે પછી બીજી સરકારોની જેમ આ સરકારે પણ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને લીધેલો એક પૉલિટિકલ નિર્ણય છે એવું પૂછતાં જાણકારોએ શું કહ્યું એ જાણવા જેવું છે

દિલ્હીની સિંધુ બૉર્ડર પર કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયની ઉજવણી કરી રહેલા ખેડૂતો. એએફપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગયા વર્ષે જે ત્રણ કૃષિ કાયદાઓ લઈને આવી હતી એ છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ અને સાતસોથી વધારે ખેડૂતોનાં મૃત્યુ બાદ ગઈ કાલે પાછા ખેંચવામાં આવ્યા હતા. આમ તો કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા આ બદલાવ સમયની માગ હોવાનું સરકાર સહિત મોટી સંખ્યામાં લોકોનું માનવું હતું અને વડા પ્રધાને પણ ગઈ કાલે દેશને કરેલા સંબોધનમાં એ જ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે અમે દેશના અમુક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. ત્યારે આ નિર્ણય મોદી સરકારની પીછેહઠ કહેવાય કે પછી બીજી સરકારોની જેમ આ સરકારે પણ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને લીધેલો આ એક પૉલિટિકલ નિર્ણય છે? આ બાબતે જાણકારોને પૂછતાં તેમનું કહેવું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય છે. 

વ્યાપક ચર્ચા બાદ સર્વાનુમતે કાયદો બનાવવો જોઈએ : હિતેનકુમાર, ઍક્ટર

મને લાગે છે કે ખેડૂતોના કાયદાને પાછા લેવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. અત્યારની સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તે નોટબંધીથી લઈને એક પછી એક મોટા નિર્ણયો એની પ્રૉપર માહિતી લોકો સુધી પહોંચાડ્યા વિના લાગુ કરી રહી છે. આવી ઉતાવળથી કોઈને પણ શંકા થાય. મારા હિસાબે ખરેખર જો સરકાર ખેડૂતોનું હિત કરવા માગતી હોય તો એણે પહેલાં દેશના દરેક ખેડૂત સુધી એની માહિતી પહોંચાડવી જોઈએ. સંસદમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ અને બાદમાં સર્વાનુમતે કાયદો બનાવવો જોઈએ. સરકાર આવી રીતે રિફૉર્મ કરશે તો વિરોધ નહીં થાય.

આ સરકારની પીછેહઠ નથી, એક પૉલિટિકલ નિર્ણય છે : અભય દેશપાંડે, પૉલિટિકલ ઍનલિસ્ટ

સરકારની આ પીછેહઠ નથી પણ પૉલિટિકલ નિર્ણય છે. ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીમાં ખેડૂતોના આંદોલનને લીધે મોટું નુકસાન થવાની શક્યતા હોવાથી કેન્દ્ર સરકારનો ખેતીના ત્રણ કાયદાને પાછા લઈને એ નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ છે. એક વર્ષ સુધી ખેડૂતોના ચાલી રહેલા આંદોલનની સાથે ઉત્તર પ્રદેશના લખીમપુરના ખેડૂતો પર કાર ચલાવી દેવાની ૩ ઑક્ટોબરની ઘટનાના ગંભીર પડઘા દેશભરમાં પડ્યા છે. આ ઘટનાને લીધે પેટાચૂંટણીમાં કેન્દ્ર સરકારને નુકસાન થયું હતું. ૨૬ જાન્યુઆરી પછી ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલીથી આંદોલનની વિશ્વસનીયતા ઓછી થઈ હતી. ત્યારે લાગતું હતું કે આંદોલન સમેટાઈ જશે. જોકે બાદમાં તેમણે સુધારો કરીને ફરી વિરોધને વધુ વ્યાપક કર્યો હતો. આવું લાંબા સમય સુધી ચાલતું રહેશે તો મોટું નુકસાન થવાની શક્યતા સરકારે જોઈ હશે. ખેતીને લગતા ત્રણ કાયદા પાછા લેવાના નિર્ણયથી કદાચ સરકારને થોડી રાહત મળશે.

ઇલેક્શન જીતવા કરવામાં આવતી આ એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક છે : રાજેશ પંડ્યા, એજ્યુકેશન ​ઍક્ટિવિસ્ટ 

ચૂંટણીને ધ્યાનમાં લઈને ત્રણ કૃષિ કાયદા રદ કરવાનો મોદી સરકારનો આ અવસરવાદી નિર્ણય છે. છેલ્લા એક વર્ષથી ખેડૂતો મોસમનો માર ભોગવતા બેઠા હતા એ દરમિયાન ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ કેમ દેખાડવામાં ન આવી? આ કાયદાને ખેડૂતો અને વિપક્ષને સમજાવવામાં સરકાર નિષ્ફળ કેમ રહી એ પણ એક પ્રશ્ન છે. જો મોદી સરકારે આ પ્રકારના નવા કાયદા માટે ખેડૂતો અને વિપક્ષને વિશ્વાસમાં લઈને ચર્ચા કરી હોત તો આંદોલનનો કે પછી ખેડૂતોના જીવ જવા સુધીનો વારો આવ્યો ન હોત. દેશમાં કોઈ પણ ચૂંટણી આવવાની હોય - પછી એ રાજ્યની હોય કે કેન્દ્રની હોય - ત્યારે વિવિધ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક થતી હોય છે અને આ પણ એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક જ છે. વડા પ્રધાન મન કી બાત કરે છે, પણ આજે લોકતંત્રમાં સ્પષ્ટ થયું છે કે તેમણે પહેલી વખત જન-મનની વાત સાંભળી છે.

આવા નિર્ણયથી દેશની પ્રગતિમાં અવરોધ આવે છે: દેવેન ચોકસી, મૅનૅજિંગ ડિરેક્ટર, કે. આર. ચોકસી હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ
કેન્દ્ર સરકાર જે કૃષિ કાયદાઓ લાવી હતી એ દેશના અને કિસાનોના હિતમાં જ હતા. આ કાયદાઓથી મધ્યસ્થીઓ પાસે કિસાનોના જે પૈસા જતા હતા એ સીધા કિસાનોના હાથમાં જવાના અને એનાથી દેશની પ્રગતિ અને વિકાસ સંભવિત બનવાના ઊજળા સંજોગો હતા. અત્યારે જે હડતાળ ચાલી રહી છે એ મધ્યસ્થીઓની હતી, કિસાનોની નહીં. જોકે દેશના હિતમાં હોવા છતાં આવા કાયદોઓનું અમલીકરણ લિટિગેશન થવાથી રૂંધાઈ જતું હોય છે જે આ દેશની સૌથી મોટી ન્યાયિક વ્યવસ્થાની નબળાઈ છે. એને લીધે લિટિગેશનને વધારે વેગ મળે છે.  છેલ્લા ૧૪ મહિનાથી લિટિગેશનને લીધે કૃષિ કાયદાઓનું અમલીકરણ કરી શકાયું નહીં. કાયદાની વ્યવસ્થા જ્યારે સમયસર કોઈ નિર્ણયાત્મક તબક્કે ન પહોંચે ત્યારે વડા પ્રધાન હોય કે કોઈ પણ સરકાર - એણે પીછેહઠ કરવી જ પડે છે. મારી રીતે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે એનાં બે કારણો છે. એક તો જે કાયદા લાંબા સમયથી વિવાદાસ્પદ છે એના માટે જ્યારે ન્યાયવ્યવસ્થા પણ નિર્ણયાત્મક તબક્કે પહોંચી શકતી નથી ત્યારે એમાં પરિવર્તન જરૂરી છે. બીજું કારણ બહુ સામાન્ય છે કે દેશની બધી જ સરકારો ચૂંટણીલક્ષી નિર્ણયો લેતી હોય છે. આ સરકારે પણ અત્યારે દેશની પ્રજાના અને મુખ્યત્વે કિસાનોના સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓ પાછા લેવાનો નિર્ણય લીધો છે. બીજી કોઈ સરકાર હોય તો એ પણ એવો જ નિર્ણય લે. 

Mumbai mumbai news