જૈનોમાં રેર ઘટના

09 January, 2021 07:51 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

જૈનોમાં રેર ઘટના

વિરારમાં આવેલું જૈન દેરાસર

વિરાર-વેસ્ટમાં સ્ટેશન સામેની શ્રેયા હોટેલની ગલીમાં આવેલા વિરારના સૌથી જૂના શ્રી સંભવનાથ જૈન દેરાસરમાં ૧૬ ડિસેમ્બરે માસ્ક પહેરીને આવેલા ચોરોએ દેરાસરમાં ચતુરાઈપૂર્વક અંદર ઘૂસીને દેરાસરમાં રહેલી પંચધાતુની ૧૫ પ્રતિમા સહિત સિદ્ધચક્ર ગટ્ટોની ચોરી કરી હતી અને એની સાથોસાથ દેરાસરના ૩ ભંડારને તોડીને એ પણ સાફ કર્યો હતો. પોલીસે કેસ નોંધીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરીને આ પ્રકરણે ૬ આરોપીઓને પકડી પાડ્યા હતા. અનેક દિવસો બાદ અંતે ગઈ કાલે ચોરાયેલી મૂર્તિઓ દેરાસરમાં પાછી આવી હતી, પરંતુ મૂર્તિઓની હાલત જોઈને ગઈ કાલે દેરાસરમાં સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને એકદમ ભાવુક વાતાવરણ સર્જાયું હતું.

શ્રી સંભવનાથ જૈન દેરાસરના મુખ્ય ટ્રસ્ટી ફુટરમલ જૈને દુ:ખ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરમાં રહેલી પંચધાતુની ૧૫ પ્રતિમા સહિત સિદ્ધચક્ર ગટ્ટોની ચોરી કરી ગયા હતા. એ ઉપરાંત દેરાસરમાં રહેલા ૩ ભંડારા તોડીને એમાંથી પૈસા પણ ચોરી ગયા હતા. જોકેસી સીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે ચોરોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી મૂર્તિઓ પણ જપ્ત કરી છે. કોર્ટમાં પત્રવ્યવહાર બાદ મૂર્તિઓ ગઈ કાલે દેરાસરમાં પાછી આવી હતી. આતુરતાથી અમે બધા એની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દેરાસરમાં લવાયેલી પ્રતિમાને જોતાં જ અમારા બધાની આંખે આંસુની ધાર છૂટી ગઈ હતી. ચોરોએ મૂર્તિઓને ખંડિત કરી નાખી છે એથી સાધુ-ભગવંતોના જણાવ્યા પ્રમાણે મૂર્તિઓની પાઠપૂજા કરીને વિધિ કર્યા બાદ એને પધરાવી દેવામાં આવશે. ચોરાયેલી બધી વસ્તુઓમાંથી તાંબાનું એક સિદ્ધચક્ર મલ્યું નથી, બાકીનું બધું મળી ગયું છે. પાછો ચોરીનો બનાવ ક્યારેય ન બને એટલે રાતના સમયે એક સિક્યૉરિટી ગાર્ડ બેસાડી દેવામાં આવ્યો છે.’

mumbai mumbai news virar preeti khuman-thakur