રેલવે-સ્ટેશન પરની ભીડ ઓછી કરવાનો આઇડિયા

20 October, 2011 08:02 PM IST  | 

રેલવે-સ્ટેશન પરની ભીડ ઓછી કરવાનો આઇડિયા

 

છાપરાવાળાં પ્લૅટફૉર્મને છતવાળાં બનાવવામાં આવશે : દાદર ને ખાર સ્ટેશન પહેલી પસંદગી

આ અફલાતૂન આઇડિયા રાજ્યસભાના સભ્ય જાવેદ અખ્તર તથા આર્કિટેકટ પી. કે. દાસે રેલવે મંત્રાલયને આપ્યો છે. અત્યારે કેટલાંક રેલવે-સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ છે, પણ એ વધતી જતી પ્લૅટફૉર્મની લંબાઈને કારણે સાંકડો પડે છે. વળી સ્ટેશનમાં એન્ટ્રી તથા એક્ઝિટનો માર્ગ પણ ખૂબ જ સંકળાશભર્યો છે. જો એની જગ્યાએ છતવાળાં પ્લૅટફૉર્મ બનાવવામાં આવે તો એના પર પીવાનાં પાણીની તથા અન્ય સગવડો ઊભી કરી શકાય તેમ જ લોકો સીધા બહારથી પોતાના પ્લૅટફૉર્મ પર આવી શકે. જૂના જમાનામાં લોકોને ટિકિટ વગર ન પ્રવેશવા દેવા માટે આવાં છાપરાવાળાં પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યાં હશે, જે આજના સમય પ્રમાણે કોઈ કામનાં નથી. આ અફલાતૂન આઇડિયાનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે જે જગ્યાએ પ્લૅટફૉર્મ મોટાં છે ત્યાં જ આ આઇડિયા કામનો છે, કારણ કે છત પર જવા માટે દાદર બનાવવાથી પ્લૅટફૉર્મ વધુ સાંકડાં થશે.

શહેરનાં સૌથી જૂનાં દાદર તથા ખાર સ્ટેશનને છાપરાની જગ્યાએ સીધી છતવાળાં પ્લૅટફૉર્મ બનાવવા માટેની યોજના માટે પસંદ કરવામાં આવ્યાં છે. ખાર સ્ટેશનની બહાર નીકળતાં જ લોકોને સરળતાથી બસ, રિક્ષા તથા પ્રાઇવેટ વાહનોમાં પ્રવેશ મળી રહે એ માટે તકેદારી રાખવામાં આવી છે. છતવાળા પ્લૅટફૉર્મથી લોકોને આવનજાવનમાં વધુ સરળતા રહેશે. દાદરથી વેસ્ટર્ન તથા સેન્ટ્રલની લોકલ ટ્રેનો ઉપરાંત અન્ય એક્સપ્રેસ ટ્રેનો ઊપડતી હોવાથી અહીં હંમેશાં મુસાફરોનો ભારે ધસારો હોય છે. તેથી છતવાળાં પ્લૅટફૉર્મ બનવાથી વેસ્ટ સાઇડથી પ્રવેશતા માગતા લોકો સીધા તિલક બ્રિજથી આવી શકશે. હાલ તો ત્યાં ફેરિયાઓનું રાજ છે, જેને વટાવીને સ્ટેશનમાં આવવું પડે છે.