નીતિન ગડકરીની હૈયાની વાત હોઠે આવી, કહ્યું – ‘હું રાજકારણ છોડવા માગુ છું’

25 July, 2022 08:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજકારણનો અર્થ સમજવાની જરૂર: ગડકરી

ફાઇલ તસવીર

વર્તમાન રાજકીય વ્યવસ્થાને લઈને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના મનની વાત જીભ પર આવી ગઈ છે. શનિવારના રોજ એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે “મને ક્યારેક રાજકારણ છોડવાનું મન થાય છે. સમાજમાં બીજી પણ કેટલીક બાબતો છે જે રાજકારણ વિના થઈ શકે છે.”

ગડકરીએ કહ્યું કે “મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો બદલાવ આવ્યો છે. બાપુના સમયમાં રાજનીતિ દેશ, સમાજ અને વિકાસ માટે હતી, પરંતુ હવે રાજકારણ માત્ર સત્તા માટે છે.” તેમણે કહ્યું કે “આપણે સમજવું પડશે કે રાજકારણનો અર્થ શું છે. સમાજ, દેશના કલ્યાણ માટે છે કે સરકારમાં રહેવું?”

રાજકારણનો અર્થ સમજવાની જરૂર

કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે “ગાંધી યુગથી રાજકારણ સામાજિક આંદોલનનો એક ભાગ રહ્યું છે. તે સમયે દેશના વિકાસ માટે રાજકારણનો ઉપયોગ થતો હતો. આજે રાજકારણના સ્તર પર નજર કરીએ તો ચિંતા થાય છે. આજનું રાજકારણ સંપૂર્ણ રીતે સત્તા કેન્દ્રિત છે. હું માનું છું કે રાજકારણ એ સામાજિક-આર્થિક સુધારાનું સાચું સાધન છે. તેથી આગેવાનોએ સમાજમાં શિક્ષણ, કળા વગેરેના વિકાસ માટે કામ કરવું જોઈએ.”

નાગપુરમાં સામાજિક કાર્યકર્તા ગિરીશ ગાંધીના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમમાં ગડકરી બોલી રહ્યા હતા. પૂર્વ MLC ગિરીશ ગાંધી અગાઉ NCP સાથે હતા, પરંતુ 2014માં પાર્ટી છોડી દીધી હતી.

ગડકરીએ કહ્યું કે “જ્યારે ગિરીશભાઈ રાજકારણમાં હતા ત્યારે હું તેમને નિરાશ કરતો હતો કારણ કે હું પણ ક્યારેક રાજકારણ છોડવાનું વિચારતો હતો. રાજકારણ સિવાય, જીવનમાં ઘણી વસ્તુઓ છે જે કરવા યોગ્ય છે.”

નોંધનીય છે કે નીતિન ગડકરી તેમના બેફામ નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમનું એક અન્ય નિવેદન ખૂબ જ લોકપ્રિય થયું હતું. એક વાયરલ વીડિયોમાં ગડકરી કહી રહ્યા છે કે “આજકાલ દરેકને સમસ્યા છે, દરેક જણ નાખુશ છે. જેઓ મુખ્યપ્રધાન બને છે તેઓ ચિંતિત છે કારણ કે તેમને ખબર નથી કે ક્યારે હટાવવામાં આવશે. ધારાસભ્યો નારાજ છે કારણ કે તેઓ પ્રધાન ન બની શક્યા. પ્રધાન દુ:ખી છે કારણ કે તેમને સારો પોર્ટફોલિયો મળ્યો નથી. જેમની પાસે સારા વિભાગો છે તેઓ મુખ્યપ્રધાન ન બની શક્યા હોવાથી દુઃખી છે.

mumbai mumbai news bharatiya janata party nitin gadkari