૧૮ વર્ષે ભણવાનું શરૂ કર્યું ને બારમાની એક્ઝામમાં પાસ થયાં

17 July, 2020 08:56 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

૧૮ વર્ષે ભણવાનું શરૂ કર્યું ને બારમાની એક્ઝામમાં પાસ થયાં

એકતા સોસા

બારમા ધોરણનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની તૈયારીઓમાં લાગી પડ્યા છે એવામાં માઝગાવમાં રહેતી એકતા સોસાએ આર્ટ્સ સ્ટ્રીમથી પરીક્ષા આપીને ૫૭ ટકા મેળવ્યા છે. બે બાળકોની માતા એકતાએ ૧૮ વર્ષ પહેલાં પોતાનું ભણતર છોડ્યું હતું અને આ બારમાની પરીક્ષા માટે તેણે કોઈ પણ પ્રકારનાં ટ્યુશન લીધાં નહોતાં.
એકતાના જણાવ્યા પ્રમાણે તેને આ પરીક્ષા માટે તૈયાર કરવામાં પરિવારનો અને ખાસ કરીને પતિ અમિત સોસાનો બહુમૂલ્ય ટેકો મળ્યો હતો. આખો દિવસ ઘરનું કામ કર્યા બાદ તે દરરોજ રાતના બે-ત્રણ કલાક ભણતી હતી અને ડાઉટ સૉલ્વ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરતી હતી. એકતા અને અમિતનાં બે સંતાન છે, જેમાં મોટો દીકરો ચોથા ધોરણમાં છે જ્યારે ૧૮ મહિનાની નાની દીકરી છે. પરીક્ષા આપવાના સમયે અમિતે બન્ને બાળકોને સાચવ્યાં હતાં.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં અમિતે કહ્યું હતું કે ‘મને મારી વાઇફ પર પ્રાઉડ છે. તેણે હિન્દી વિષયમાં ડિસ્ટિંક્શન મેળવ્યું છે. આજે મારો બર્થ-ડે પણ છે અને એ રીતે તેણે ૫૭ ટકા રિઝલ્ટ લાવીને મને બર્થ-ડે ગિફ્ટ પણ આપી છે. મારી ઇચ્છા છે કે આગળ પણ તે ભણતી રહે અને લૉ કરે. તે હિન્દી ટીચર પણ બને તો પણ મને ગર્વ થશે.’
એકતાએ કહ્યું હતું કે ‘મન મક્કમ હોય અને પરિવારનો સપોર્ટ હોય તો કશું જ નડતું નથી. પરીક્ષા દરમિયાન મારા પતિએ મને સૌથી વધારે સપોર્ટ કર્યો છે અને મારી ગેરહાજરીમાં બાળકોને પણ સાચવ્યાં છે.’

mumbai news mumbai urvi shah-mestry