મને કોણ, કયા નામથી બોલાવે છે એની જાણ નથી

26 November, 2021 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન વઝે તમને નંબર વનના નામે સંબોધતો હતો એવા તપાસકર્તાના પ્રશ્નના જવાબમાં પરમબીર સિંહે આવું કહ્યું

ગઈ કાલે કાંદિવલીમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ની ઑફિસમાંથી બહાર આવી રહેલા પરમબીર સિંહ. સતેજ શિંદે

રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ૧૦૦ કરોડની ખંડણી ઊઘરાવી આપવાનો પત્ર લખીને આક્ષેપ કરનારા ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે જ એક્સ્ટૉર્શનના કેસ નોંધાતાં તે છેલ્લા ઘણાં સમયથી અન્ડરગ્રાઉન્ડ હતા. વચ્ચે એવી પણ વાતો થઈ હતી કે તે વિદેશ ચાલ્યા ગયા છે. જોકે સર્વોચ્ચ અદાલતે તેમની ધરપકડ પર ૬ ડિસેમ્બર સુધી રોક લગાવતો આદેશ આપ્યા બાદ ગઈ કાલે તેઓ મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચ-૧૧ની કાંદિવલીમાં આવેલી ઑફિસમાં હાજર થયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ૬ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. જોકે તેમણે સચિન વઝે તેમના કહેવાથી ખંડણી ઊઘરાવતો હતો એ સહિતના તમામ આરોપ ફગાવી દીધા હતા. તેમને જ્યારે એમ કહેવાયું હતું કે સચિન વઝે તેમને નંબર-વનનું સંબોધન કરતો હતો અને એ જ રીતે ઓળખાવતો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે કોણ મને કયા નામથી બોલાવે છે એની મને ખબર નથી. 
સૂત્રોના કહેવા મુજબ સ્ટેટમેન્ટ નોંધાવતી વખતે પરમબીર સિંહે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ કરેલા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા નહોતા. એક ઑફિસરે કહ્યું હતું કે અમે પુરાવા અને ફરિયાદીઓ દ્વારા આપવામાં આવેલી ઑડિયો ક્લિપના આધારે સવાલ કર્યા હતા, પણ તેમણે એમનું જ વર્ઝન કહ્યું હતું. અમે તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. તપાસમાં સહકાર આપશે એમ પણ તેમણે કહ્યું છે.   
પરમબીર ​સિંહ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ કરનાર હોટેલિયર બિમલ અગ્રવાલે સચિન વઝેનો વૉટ્સઍપ કૉલ રેકૉર્ડ કર્યો હતો, જેમાં સચિન વઝે તેની પાસે પ્રોટેક્શન મનીની માગ કરી રહ્યો છે અને તેને કહે છે કે એ રકમ નંબર-વનને પહોંચાડવાની છે. 
ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા એ ગોરેગામ ખંડણી​ કેસ સિવાય પણ પરમબીર સિંહ સામે ૪ કેસ નોંધાયા છે જેમાંથી ૩ કેસની તપાસ સ્ટેટ સીઆઇડી કરી રહી છે, જ્યારે એક કેસની તપાસ થાણે પોલીસ કરી રહી છે. પરમબીર સિંહે એ દરેક કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર સામે તપાસ માટે હાજર થવું પડશે. 

Mumbai mumbai news