હું સેક્યુલર વ્યક્તિ છું, હું ઈદ પણ મનાવું છું અને દિવાળીયે સેલિબ્રેટ કરું છું

28 October, 2021 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુસ્લિમ પદ્ધતિથી લગ્ન કરવા બાબતે નવાબ મલિકના આક્ષેપનો સમીર વાનખેડેએ આપ્યો જવાબ: ડ્રગ્સ મામલામાં નવાબ મલિક, સમીર વાનખેડે, તેમના પિતા અને બીજેપી વચ્ચે મચ્યું ઘમસાણ

સમીર વાનખેડે (ફાઇલ તસવીર)

ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કરાઈ રહેલી તપાસમાં દરરોજ નવા-નવા આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. બીજેપીના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીએ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર નિશાન તાકતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારનો એક પણ પ્રામાણિક અધિકારી મહારાષ્ટ્રમાં કામ નથી કરી શકતો. નવાબ મલિકના આરોપ પરથી આવું દેખાઈ રહ્યું છે. દાઉદ ઇબ્રાહિમ ભારતમાં નથી, પણ તેનો પ્રભાવ મહારાષ્ટ્રની ઠાકરે સરકારના પ્રધાનો પર ચોક્કસપણે છે.’
...તો રાજકારણ છોડી દઈશ : નવાબ મલિક
સમીર વાનખેડેએ નોકરી મેળવવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા હોવાનો આરોપ કરતાં રાજ્યના માઇનોરિટી મિનિસ્ટર નવાબ મલિકે ગઈ કાલે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મેં સમીર વાનખેડેના જન્મથી લઈને મુસ્લિમ ધર્મ અને બાદમાં દલિત સમાજ બાબતના જે કંઈ પુરાવા રજૂ કર્યા એ ખોટા હોવાનું પુરવાર થશે તો મારા પદ પરથી રાજીનામું આપી દઈશ અને રાજકારમાંથી સંન્યાસ લઈ લઈશ. જોકે સમીર વાનખેડે ખોટાં સર્ટિફિકેટ બનાવ્યાં હોવાનું કબૂલ કરે તો તેમણે માફી માગવી જોઈએ. ૬ મહિનામાં તેમની નોકરી જશે જ એ હું દાવા સાથે કહું છું.’
હું આજે પણ હિન્દુ છું : 
સમીર વાનખેડે
નવાબ મલિકે સમીર વાનખેડેએ બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હોવાનો આરોપ કર્યા બાદ એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેએ ગઈ કાલે એક ટીવી ન્યુઝચૅનલ સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘હા, મેં મુસ્લિમ પદ્ધતિથી લગ્ન કર્યાં હતાં, કારણ કે મારી માતાની એવી ઇચ્છા હતી. મારી માતા જન્મથી મુસ્લિમ હતી, પણ મારા પિતા સાથે લગ્ન કર્યા બાદ તેણે હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો. હું સેક્યુલર વ્યક્તિ છું. હું ઈદ પણ મનાવું છું અને દિવાળીની ઉજવણી પણ કરું છું. હું મંદિરની સાથે મસ્જિદમાં પણ જાઉં છું. માતાની ઇચ્છા પ્રમાણે મુસ્લિમ ધર્મના રિવાજથી લગ્ન કર્યા બાદ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ મુજબ લગ્ન રજિસ્ટર કર્યાં છે. આવું કરવું શું ગુનો છે? મારી સામે ખૂબ જ નીચલી કક્ષાના આરોપ લગાવાઈ રહ્યા છે. મેં ધર્મ બદલ્યો છે કે? હું જન્મે હિન્દુ હતો અને આજેય હિન્દુ છું. મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાથી શું હું મુસ્લિમ થઈ જાઉં છું?’
એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે પર મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન નવાબ મલિક જાતજાતના આરોપ લગાવી રહ્યા હોવાથી આ કેન્દ્રીય તપાસ એજન્સીનું નામ ખરાબ થઈ રહ્યું છે એટલે નવાબ મલિકની ફરિયાદ નોંધાવવા ગઈ કાલે બીજેપીનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યું હતું. 

Mumbai mumbai news aryan khan NCB Narcotics Control Bureau