સંજય રાઉતે કર્યો ઘટસ્પોટ, કહ્યું મને પણ મળી હતી ગુવાહાટીની ઑફર, પણ હું ન ગયો

02 July, 2022 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હું બાળાસાહેબ ઠાકરેનો વિશ્વાસુ છું: રાઉત

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિંદે જૂથ દ્વારા તેમને પણ ગુવાહાટી આવવાની ઑફર મળી હતી. તેમણે કહ્યું કે “મને પણ ગુવાહાટીની ઑફર મળી હતી, પરંતુ હું ત્યાં ગયો નહોતો.” તેનું કારણ જણાવતા તેણે કહ્યું કે “હું બાળાસાહેબ ઠાકરેનો વિશ્વાસુ છું, જ્યારે સત્ય તમારી બાજુમાં હોય ત્યારે કોનો ડર?

બીજી તરફ, ED સામેની રજૂઆત અંગે સંજય રાઉતે કહ્યું કે “દેશના એક જવાબદાર નાગરિક તરીકે, દેશની કોઈપણ તપાસ એજન્સી બોલાવે તો આપણે જવું જોઈએ. અધિકારીઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો, હું પણ 10 કલાક તેમની સાથે રહ્યો. જો ફરી બોલાવવામાં આવે તો પણ હું જઈશ.”

તમને જણાવી દઈએ કે શિવસેનાના નેતા સંજય રાઉત મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધવા શુક્રવાર, 1 જુલાઈએ ED સમક્ષ હાજર થયા હતા, ત્યાં તેમની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સંજય રાઉત લગભગ 11.30 વાગ્યે EDની ઑફિસ માટે નીકળ્યા હતા અને લગભગ 10 વાગ્યે ત્યાંથી જતા જોવા મળ્યા હતા.

આ સાથે જ ધારાસભ્યો બાદ હવે સાંસદોએ બળવાખોર વલણ અપનાવવાના સમાચાર પર તેમણે કહ્યું કે એક સાંસદ તેમનો પુત્ર છે, 2-3 વધુ હશે. હકીકતમાં, તાજેતરમાં જ ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં સમાંતર બળવો થશે. તેમણે કહ્યું કે આ માટે રાષ્ટ્રપતિના મતદાનની રાહ જુઓ.

મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ઓછામાં ઓછા 14 સાંસદ શિવસેના સામે બળવો કરી શકે છે. સંજય રાઉતે કહ્યું કે “શિવસેનામાં ડરવાની મનાઈ છે. એકનાથ શિંદે ભલે આજે રાજ્યના મુખ્યપ્રધાન બની ગયા હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ શિવસેનાના નથી.”

mumbai mumbai news maharashtra shiv sena sanjay raut