એમબીએના ઍડ્મિશનના નામે ગુજરાતી દંપતીએ કરી છેતરપિંડી

29 October, 2012 05:36 AM IST  | 

એમબીએના ઍડ્મિશનના નામે ગુજરાતી દંપતીએ કરી છેતરપિંડી

જયેશને કોર્ટમાં રજૂ કરતાં આવતી કાલ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું જયેશ અને તેની પત્ની કૉલેજમાં ઍડ્મિશનને નામે લાખો રૂપિયા પડાવતાં હતાં. સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસર સુનીલ બોરડેએ કહ્યું હતું કે ‘જયેશ વિરારનો રહેવાસી છે અને પ્લાસ્ટિકનો વેપારી છે, જ્યારે તેની પત્ની તૃપ્તિ કૉલેજમાં ટીચર છે. આરોપીઓ વિરાર અને કાંદિવલી (ઈસ્ટ)માં બે ફ્લૅટ ધરાવે છે. સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતા ૨૧ વર્ષના રાજકુમાર યાદવે ૨૦૧૧ના ડિસેમ્બરમાં જયેશને એમબીએનું ઍડ્મિશન કરી આપવા ૭,૬૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. જયેશે રાજકુમારને કહ્યું હતું કે તે તેને બાંદરામાં આવેલી રિઝવી કૉલેજમાં ઍડ્મિશન કરાવી આપશે. જોકે તેણે ઍડ્મિશન કરાવી આપ્યું નહોતું. આથી રાજકુમાર યાદવની સાથે છેતરપિંડી કરવાના આરોપસર જયેશની ધરપકડ કરવામાં આવી હતી.’

રાજકુમાર યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍડ્મિશન ન મળવાથી મારું વર્ષ બગડી ગયું છે. ઍડ્મિશન લેવા માટે મેં પૈસા એકઠા કર્યા હતા એ પણ છેતરપિંડી કરીને જયેશે લઈ લીધા હતા. તેણે મારી સાથે જ નહીં, પરંતુ અન્ય સ્ટુડન્ટ્સ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી છે.

એમબીએ = માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન