મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧

14 November, 2011 05:52 AM IST  | 

મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧



(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૧૪

અનેક લોકો માટે ૧૧ નવેમ્બર ખૂબ જ સારો દિવસ હતો, પરંતુ ૨૬ વર્ષની સગર્ભા સાધના સોનાવણે તથા તેના કુટુંબીજનો માટે આ દિવસ અત્યંત દુ:ખદ બન્યો. એકસાથે બે વિપદાઓનો ભોગ તેઓ બન્યાં. પોતાના ૩૫ વર્ષના પતિ સુનીલ દ્વારા સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતાં ૯૦ ટકાથી વધુ દાઝી જવાને કારણે સાધના સોનાવણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શુક્રવારે જ્યારે તેને ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટરે કરેલી પ્રાથમિક તપાસમાં પેટમાં ઊછરી રહેલું બાળક હલનચલન ન કરી રહ્યું હોવાનું જણાતાં તેનો ચેપ માતાને ન લાગે એ માટે ઑપરેશન કરતાં ડૉક્ટરનું અનુમાન સાચી પડ્યું. અગનજ્વાળાઓની ગરમી પેટમાં રહેલી બાળકી સહન ન કરી શકતાં મૃત્યુ પામી હતી. ડૉક્ટરોએ હજી સુધી આ વાત માતાથી છુપાવી રાખી છે.

૮ નવેમ્બરે નશાની હાલતમાં તેના પતિ સુનીલે સાધના પર કેરોસીન છાંટી તેને સળગાવી નાખી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ માલવણીમાં રહેતો સુનીલ મલાડના એક કૉલ-સેન્ટરમાં પ્યુનની નોકરી કરે છે તેમ જ ખરાબ સંગત તથા દારૂની લતને કારણે ઘરે પગાર ન આપતાં તેની પત્નીએ લોકોના ઘરનું કામ કરવું પડતું હતું. પોતાની પત્ની અન્ય લોકોના ઘરે કામ કરે એ સુનીલને પસંદ નહોતું એથી તે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો. આ વિશે સાધનાએ પોતાના રિલેટિવ્સને જણાવ્યું હતું. તેના કુટુંબીજનો સાધનાને પોતાના ઘરે ઔરંગાબાદ લઈ જાય એ પહેલાં જ આ કમનસીબ ઘટના બની હતી. પોલીસે સુનીલ પર હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.