લાલબાગચા રાજાની માનતાના ભક્તોની ભારે વલે

22 September, 2012 04:43 AM IST  | 

લાલબાગચા રાજાની માનતાના ભક્તોની ભારે વલે



યોગેશ પંડ્યા

લાલબાગ, તા. ૨૨

લાલબાગચા રાજાની માનતા માનનારા અને એમના ચરણસ્પર્શ કરવાની ઇચ્છા ધરાવતા ભાવિકોને ૩૦થી ૩૫ કલાક સુધી માનતાની લાંબી લાઇનમાં કોઈ પણ પ્રકારની સારી સુવિધા વિના ઊભા રહેવું પડે છે અને આ લાઇનમાં ઊભા રહેલા ભક્તોને કોઈ પણ પ્રકારની સુવિધા નથી. તેમને એ સમજ જ પડતી નથી કે દર્શન માટે પાંચ સેકન્ડ પણ ઊભા રહેવા મળતું નથી તો પછી લાઇન કલાકો સુધી એક જ જગ્યાએ શા માટે અટકી જાય છે? આ માટે ‘મિડ-ડે’એ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ અશોક પવારનો સંપર્ક કર્યો ત્યારે પહેલાં તો તેમણે કહી દીધું કે અમારી વ્યવસ્થા બરાબર છે અને તમારે છાપવું હોય એ છાપો, પણ બે મિનિટ પછી તેમણે કહ્યું હતું કે બે-ચાર લોકોની વાતો સાંભળીને કંઈ છાપતા નહીં, અમારી વ્યવસ્થા સારી છે અને આજથી અમે માનતાની લાઇન ઝડપથી આગળ વધે એવી વ્યવસ્થા કરવાના છીએ.

માનતાની લાઇનમાં ઊભા ન રહો : મંડળના અધ્યક્ષ

લાલબાગચા રાજાની માનતા માનનારા અને એમના ચરણસ્પર્શ કરવાની ઇચ્છા ધરાવતા ભાવિકોને ૩૦ કલાક સુધી માનતાની લાંબી લાઇનમાં કોઈ પણ પ્રકારની સારી સુવિધા વિના ઊભા રહેવું પડે છે એ વિશે જાણકારી મેળવવા માટે જ્યારે ગઈ કાલે સાંજે ‘મિડ-ડે’એ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ અશોક પવારનો તેમના મોબાઇલ પર સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે બધી વ્યવસ્થા સારી રીતે કરી છે. ગયા વર્ષ કરતાં સારી વ્યવસ્થા છે. છતાં તમારે જે છાપવું હોય એ છાપી દો.’

આવો જવાબ સાંભળીને અમને આશ્ચર્યનો ધક્કો લાગ્યો, પણ માત્ર બે મિનિટ પછી તેમનો સામેથી ફોન આવ્યો અને અમને કહ્યું કે ‘બે-ચાર લોકોની વાત સાંભળીને તમે કંઈ છાપતા નહીં. અમે પાણીની ખાસ વ્યવસ્થા કરી છે, મંડપ પણ બાંધ્યો છે અને ભક્તો માટે બેસવાની પણ વ્યવસ્થા કરી છે. જોકે એકસાથે લાખો લોકો આવતા હોવાથી અમે ભાવિકોને જણાવીએ છીએ અને એવાં ર્બોડ પણ લગાવી દીધાં છે કે લાંબા સમય સુધી ઊભા રહેવાની તૈયારી હોય તો જ માનતાની લાઇનમાં ઊભા રહેજો. દરેકે જરૂરી નથી કે ચરણસ્પર્શની લાઇનમાં ઊભા રહેવું. મુખદર્શનની લાઇનમાં બાપ્પાનાં દર્શન માત્ર બે કલાકમાં થઈ જાય છે.’

માનતાની લાઇન આગળ વધતી નથી અને ક્યારેક તો એક જ જગ્યા પર ભાવિકોને પાંચથી સાત કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે એવી અનેક લોકોની ફરિયાદને પગલે ફરી ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે ‘આજથી એવું નહીં થાય. અમે ભાવિકોની આ સમસ્યા બાબતે વિચારીને ઝડપી પગલાં લઈ રહ્યાં છીએ. તેમની લાઇન ઝડપથી આગળ વધે અને માનતાનાં દર્શનની લાઇનમાં ઊભા રહેનારાના પાંચ કલાક બચી જાય એવી વ્યવસ્થા આજથી કરવામાં આવશે. આજથી રાત્રે દસ વાગ્યા પછી વીઆઇપી દર્શન પણ બંધ કરી દેવામાં આવશે.’

વીઆઇપી = વેરી ઇમ્ર્પોટન્ટ પર્સન