૧૨મા ધોરણના ગુજરાતી ટીનેજરે પોતાની ફિઝિક્સની બુકમાંથી ભૂલ કાઢી બતાવી

21 December, 2014 03:44 AM IST  | 

૧૨મા ધોરણના ગુજરાતી ટીનેજરે પોતાની ફિઝિક્સની બુકમાંથી ભૂલ કાઢી બતાવી




જિગીષા જૈન

અંધેરીની પેસ જુનિયર સાયન્સ કૉલેજમાં ભણતા સ્ટુડન્ટ પાર્થ મહેતાએ પોતાની ફિઝિક્સની ટેક્સ્ટ-બુકના પાછળના કવર પર છાપેલી એક આકૃતિની ભૂલ પકડી પાડી હતી અને પોતાના શિક્ષકો દ્વારા સ્ટેટ બોર્ડને ઈ-મેઇલ દ્વારા એની જાણ કરીને કહ્યું હતું કે ભૂલને જલદીથી સુધારવામાં આવે. જોકે સ્ટેટ બોર્ડ તરફથી આ બાબતે કોઈ પણ રિપ્લાય આવ્યો નથી.

આ ફિઝિક્સની ટેક્સ્ટ-બુક ૨૦૧૨માં છપાયેલી આવૃત્તિ છે. ૨૦૧૨થી લઈને ૨૦૧૪ પૂરું થવામાં છે ત્યાં સુધી કેટલાય સ્ટુડન્ટ્સ કે પ્રોફેસરોએ આ બુક જોઈ હશે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આજ સુધી આ ભૂલ સામે લાવવાનું કામ કોઈએ કર્યું હોય એવી કોઈ માહિતી છે નહીં. આ વિશે પાર્થ મહેતા કહે છે, ‘આ ભૂલ બતાવવા પાછળ મારો આશય કોઈની નિંદા કરવાનો નથી. કોઈ પણ બુક ખામી વગરની હોવી શક્ય નથી એ વાત પણ સમજી શકાય, પરંતુ બુકના બૅક-કવર પર આ પ્રકારની ભૂલ સ્ટુડન્ટ્સને અસરકર્તા છે. કવર પર દોરેલી આકૃતિ સતત દેખાતી રહે છે અને સબકૉન્શિયસ્લી એ મગજમાં ઘૂસી જાય છે. મહારાષ્ટ્ર બોર્ડમાં ૧૪ લાખ સ્ટુડન્ટ્સ ભણે છે અને જરૂરી નથી કે બધા એ સમજી શકે કે આ આકૃતિમાં ભૂલ છે. હું ફક્ત એટલું ઇચ્છું કે વહેલી તકે આ ભૂલ સુધારી લેવામાં આવે.’

પાર્થ મહેતાએ પોતાના ભણતર દરમ્યાન જ પગના સપાટ તળિયાને સપોર્ટ આપવા માટેનું એક રોબોટિક ડિવાઇઝ બનાવ્યું છે. એ ડિવાઇઝ માટેની એક પેટન્ટ અને સોલર એનર્જીને લગતી પણ એક પેટન્ટ તે ફાઇલ કરી ચૂક્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘણી સાયન્સ કૉમ્પિટિશન્સ તે જીતી ચૂક્યો છે. જ્યારે પાર્થને સમજાયું કે ટેક્સ્ટ-બુકમાં ભૂલ છે ત્યારે તે પોતાના ટીચર પાસે ગયો અને તેની કૉલેજના ફિઝિક્સના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ પાસે જઈને તેમને આ વાતની પુષ્ટિ કરાવી કે તે પોતે સાચો છે અને ટેક્સ્ટ-બુકમાં ભૂલ છે જ. પાર્થના કહેવા મુજબ આ પહેલાં પણ ઘણી વાર તેની કૉલેજના પ્રોફેસરોએ ઈ-મેઇલ દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડનું ધ્યાન જુદી-જુદી ભૂલો પાછળ દોર્યું હતું, પરંતુ બોર્ડ તરફથી તેમને કોઈ રિપ્લાય નથી આવ્યો.

ભૂલ શું હતી?

ટેક્સ્ટ-બુકના પાછળના કવરપેજ પર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની થિયરી એટલે કે અધિષ્ઠાપન સમજાવતી એક આકૃતિ દર્શાવવામાં આવી છે. એ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે કે એક સળિયા પર બલ્બ અને એક સળિયા સાથે બૅટરી જોડવામાં આવેલી છે અને એ બૅટરીને કારણે બલ્બ પ્રજ્વલિત થાય છે, પરંતુ હકીકતમાં કોઈ પણ બૅટરી DC પ્રવાહ દર્શાવે છે જેનાથી બલ્બ ક્યારેય પ્રજ્વલિત થઈ શકે નહીં. બલ્બને પ્રજ્વલિત કરવા ત્યાં બૅટરીની જગ્યાએ AC પ્રવાહ પસાર કરવો પડે. આમ આકૃતિમાંથી બૅટરી હટાવીને ત્યાં AC પ્રવાહ પસાર થતો દર્શાવવો જરૂરી છે.