રિક્ષાવાળાની પ્રામાણિકતાથી લગ્ન તૂટી જતાં અટકી ગયાં

29 November, 2012 05:55 AM IST  | 

રિક્ષાવાળાની પ્રામાણિકતાથી લગ્ન તૂટી જતાં અટકી ગયાં



લગ્નો ભલે સ્વર્ગમાં નક્કી થતાં હોય, પણ એને પૃથ્વી પર જ નિર્વિઘ્ને આટોપવામાં આવતાં હોય છે. ગઈ કાલે  રિક્ષાચાલકે ભુલાઈ ગયેલી કન્યાપક્ષની પાંચ લાખ રૂપિયાનું સોનું ભરેલી બૅગ પરત કરી દીધી હતી.

આ ઘટનાક્રમની સાક્ષી બનેલી એક વ્યક્તિ પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે ‘આખી ઘટના કોઈ ફિલ્મનો સીન હોય એમ લાગતી હતી. લગ્ન માટેનો મંડપ સજ્જ હતો અને લગ્નવિધિની શરૂઆત થવાની હતી ત્યારે બારાતીઓનો કન્યાપક્ષ સાથે વાયદા પ્રમાણે સોનું ન આપવાના મુદ્દે ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ લગ્ન તૂટવાની અણી પર હતાં ત્યારે શ્રીકાંત યાદવ સ્થળ પર સોનું અને કીમતી વસ્તુઓ ભરેલી સૂટકેસ લઈને આવી પહોંચતાં બાજી બગડતી અટકી હતી.’

આ ઘટનાક્રમની વિગતો તપાસીએ તો ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફા વિલેજમાં રહેતી કિરણ શર્માનાં લગ્ન ગઈ કાલે સાંજે સાંતાક્રુઝ (ઈસ્ટ)ના સીતા સિંધુ હૉલમાં હતાં. અહીં સુધી જવા માટે કિરણના પિતાએ કાર ભાડે કરી હતી, પણ એ સમયસર ન આવતાં લગ્નસ્થળે સમયસર પહોંચવા કિરણ, તેની માતા તથા ભાઈ ઘરની નજીકથી શ્રીકાંતની રિક્ષામાં બેસીને હૉલ પર જવા માટે રવાના થઈ ગયાં હતાં. તેમની પાસે નવવધૂની તેમ જ અન્ય પરિવારજનોની કીમતી વસ્તુઓ તેમ જ સોનાનાં મૂલ્યવાન આભૂષણો હતાં. આ ત્રણેય જણ બપોરે દોઢેક વાગ્યે મૅરેજ હૉલ પહોંચ્યાં કે તરત કન્યા અને તેની માતા રિક્ષામાંથી ઊતરીને રોડની સામેની તરફ આવેલા હૉલ તરફ જવા રવાના થઈ ગયાં હતાં.

પોતાનો અનુભવ જણાવતાં શ્રીકાંત કહે છે કે ‘મેં જ્યારે આ સૂટકેસ જોઈ ત્યારે મને યાદ આવ્યું કે આ તો નવવધૂ બનવા જઈ રહેલી કન્યાના હાથમાં હતી એટલે હું મારા પૅસેન્જરને કુર્લા ઉતારીને પછી આ સૂટકેસ પરત આપવા  સાંતાક્રુઝના મૅરેજ હૉલમાં ગયો હતો.’

સ્થાનિક ઍક્ટિવિસ્ટ બાલા સાલિયને પણ શ્રીકાંતને મદદ કરી હતી અને વાકોલા પોલીસ-સ્ટેશને તેના આવા કાર્ય બદલ તેનું બહુમાન કર્યું છે તેમ જ શ્રીકાંતને તેની આ પ્રામાણિકતા બદલ રોકડ ઇનામ પણ આપ્યું છે.