બળાત્કારના ગુનેગારોને કેવી સજા થવી જોઈએ? ફાંસી, આજીવન કેદ, કેમિકલ કૅસ્ટ્રેશન

23 December, 2012 04:32 AM IST  | 

બળાત્કારના ગુનેગારોને કેવી સજા થવી જોઈએ? ફાંસી, આજીવન કેદ, કેમિકલ કૅસ્ટ્રેશન



ફાલ્ગુની જડિયા-ભટ્ટ

આમ તો બળાત્કારના કિસ્સા આપણા રોજનાં છાપાંનો એક અંતરંગ ભાગ બની ગયા છે. આમ છતાં તાજેતરમાં દિલ્હીમાં બનેલા એક કિસ્સાએ આખા દેશમાં આક્રોશનો જુવાળ ઊભો કર્યો છે. ચારે બાજુ અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં ફરી પાછું આવું ન થાય એ માટે શું કરવું જોઈએ?

આ કેસે આખા દિલ્હીને ભડકાવી દીધું છે. મહિલા સંગઠનો રસ્તા પર ઊતરી આવ્યાં છે અને પાર્લમેન્ટમાં આ કેસની જોરદાર ટીકા થઈ રહી છે. ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે બળાત્કારના કેસોને ફાસ્ટ ટ્રૅક ર્કોટમાં મૂકવાનો વિચાર કરી રહ્યા છે તો બીજી બાજુ સુષમા સ્વરાજ અને જયા બચ્ચન જેવાં સંસદસભ્યોએ બળાત્કારના ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગણી કરી છે. આ બધાની વચ્ચે મહિલા સંગઠનોએ એવી પણ દલીલ કરી છે કે ફાંસીની સજાથી ગુનેગારો વધુ ઘાતકી બની જશે અને બળાત્કાર કર્યા બાદ સ્ત્રીને છોડી મૂકવાને બદલે પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી તેનું ખૂન કરી નાખશે.

વાતમાં દમ છે અને છતાં પૂરેપૂરી ગળે ઊતરતી નથી. તેમનું કહેવું છે કે ફાંસીની સજા કરતાં આવા અપરાધીઓનું કેમિકલ કૅસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ, જેથી ફરી પાછી તેમને ક્યારેય શારીરિક ઉત્તેજના થાય જ નહીં. કેમિકલ કૅસ્ટ્રેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પુરુષોના શરીરમાં ઇન્જેક્શન મારફત કેટલાંક એવાં કેમિકલ્સ નાખવામાં આવે છે જે તેમની શારીરિક સુખ માટેની કામના ઓછી કરી નાખે છે અને તેમને ઉત્તેજના આવતી જ નથી. કાયદો આ પ્રક્રિયાને સર્જિકલ કૅસ્ટ્રેશન તથા આજીવન કેદ સામે એક વિકલ્પ તરીકે જુએ છે. દુનિયાના અનેક દેશોએ તો સેક્સ્યુઅલ ક્રાઇમ અને એમાંય ખાસ કરીને બાળકોના યૌન-શોષણના કેસોમાં એને સજા તરીકે અપનાવ્યો પણ છે.

એમ છતાં આ કોઈ એવી સજા નથી જે લોકોમાં ડર ઊભો કરી શકે. તમે ગુનો તો જુઓ. બળાત્કાર એક એવો ગુનો છે જે સ્ત્રીને જીવનભર નામોશી, નાલેશી અને શરમની ગર્તામાં ધકેલી મૂકે છે. બળાત્કાર થયેલી સ્ત્રીના માથે એક એવું કલંક લાગી જાય છે જે મૃત્યુપર્યંત તેની સાથે રહે છે. હવે પછી પેલી વિદ્યાર્થિની જો જીવતી રહી જશે તો પણ જ્યાં જશે ત્યાં તેણે હંમેશાં લોકોની કડવી નજરોનો જ સામનો કરવાનો રહેશે. કોઈ તેને દયાની નજરે જોશે તો કોઈ વળી ઘૃણાની. એકેય નજરમાં તેના માટે પ્રેમ નહીં હોય. કોઈ વળી અતિ સમજદાર તેના પ્રત્યે માનથી વર્તશે તો પણ હકીકત તો એ જ છે કે તેની સાથે થયેલી આ ઘટનાથી વાકેફ એકેય વ્યક્તિ તેનો હાથ પકડશે નહીં, કોઈ તેને અપનાવશે નહીં. પોતાના કોઈ પણ વાંક કે ગુના વગર હવે તે બિચારી જીવનભર પોતાને સામાજિક સ્વીકૃતિ અપાવવા અને એનો એક ભાગ બનવા તડપતી રહેશે.

તો પછી બળાત્કારી પ્રત્યે આટલી નરમી કેમ? સજા તો એવી હોવી જોઈએ કે લોકો એના નામમાત્રથી ડરે, એની કલ્પનામાત્રથી ફફડી ઊઠે. એક એવી સજા જે ગુનેગારોને આવો કોઈ પણ ગુનો કરતાં પહેલાં દસ વાર વિચારવાની ફરજ પાડે. આ જ કિસ્સાની વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર આટલો હીચકારી ગુનો કર્યા બાદ પણ આ અપરાધીઓને પોતાને કંઈ નહીં થાય એનો એટલો બધો વિfવાસ હતો કે બીજા દિવસે તો તેઓ જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે પોતાના કામધંધે વળગી ગયા હતા. આવા લોકોમાં આટલો આત્મવિfવાસ આવે છે ક્યાંથી? આપણા કાયદામાંથી. આપણા કાયદાનું કોકડું એટલું ગૂંચવાડાભર્યું છે કે કોઈ ધારે તો એમાંથી છટકબારીના સો રસ્તા શોધી શકે છે. પોલીસ-કસ્ટડી, જુડિશ્યલ કસ્ટડી, ઇન્ક્વાયરી, ઇન્વેસ્ટિગેશન, જામીન વગેરેના નામે આખી પ્રક્રિયાને એટલી લાંબીલચક કરી શકાય છે કે ધારો તો વર્ષો નીકળી જાય. સામે પક્ષે બીજી મોટી મુશ્કેલી એ છે કે આ જ કાયદાનો લાભ ઉઠાવીને ઘણી વાર ફરિયાદી જ જાણે ગુનેગાર હોય એ રીતે તેની સાથે વર્તણૂક કરવામાં આવે છે. પરિણામે બને ત્યાં સુધી સારા ઘરના લોકો નાની-મોટી ફરિયાદ લઈને પોલીસ પાસે જવાનું જ ટાળતા હોય છે એટલું જ નહીં, પોતાની નજર સામે કોઈ ગુનો થતો જુએ તો એને અટકાવવાનો પ્રયત્ન કરવાનું પણ ટાળે છે. જોકે એની પાછળની તેમની માનસિકતા આસાનીથી સમજી શકાય એવી છે. અરે, આજના યુગમાં કોની પાસે સમય છે પહેલાં વારંવાર પોલીસ-સ્ટેશનના ધક્કા ખાવાનો અને પછી જો ચુકાદો જલ્ાદી ન આવ્યો તો વર્ષો સુધી ર્કોટનાં ચક્કર ખાવાનો? એના કરતાં આ બધી બબાલમાં પડવું જ નહીં. આ જ કિસ્સાની વાત કરીએ તો બસમાંથી ફેંકાઈ ગયા બાદ આ યુવક-યુવતી લગભગ કલાક સુધી એમ જ રસ્તામાં પડ્યાં રહ્યાં; પરંતુ કોઈએ તેમને મદદ કરવાની વાત તો દૂર, તેમના પર એક કપડું ઢાંકવાની દરકાર સુધ્ધાં ન કરી.

પત્ની, મા, બહેન અને દીકરીના સ્વરૂપે બધાના જ ઘરમાં સ્ત્રી છે. તેથી એવું નથી કે સવારના પહોરમાં આવા સમાચાર વાંચી આપણને કોઈ અસર થતી નથી. આપણી દિવસની એ પહેલી ચાનો સ્વાદ થોડો કડવો તો જરૂર થાય છે. એમ છતાં આપણે એ કડવા ઘૂંટડાને પી જઈએ છીએ, કારણ કે આપણને આપણા જીવનમાં શાંતિ જોઈએ છે. આપણને કોઈ બીજાની પંચાતમાં પડવું નથી એ કરતાં પણ વધારે આપણને કોઈ મુશ્કેલીમાં મુકાવું નથી. ભારતીય લોકશાહીની આ સમસ્યા છે. અહીં કાયદો આપણને સુરક્ષા આપવાને બદલે ડરાવે છે, આપણને પોતાનાથી દૂર રાખે છે.

આના માટે આપણી કાયદા-વ્યવસ્થામાં ધરખમ સુધારો લાવવાની તાતી જરૂર છે. એને વધુ ફરિયાદી-ફ્રેન્ડ્લી બનાવવાની જરૂર છે અને સાથે જ આવા ગુનાઓની સજા એટલી સખત કરવાની જરૂર છે કે કોઈ આવો ગુનો કરવાનું વિચારી પણ ન શકે. આ સંદર્ભમાં બળાત્કારના આરોપીઓનું કેમિકલ કૅસ્ટ્રેશન કરાવી દેવું એ તો એક પ્રિવેન્ટિવ મેઝર જેવું છે જેથી ભવિષ્યમાં તે ફરી પાછો આવો ગુનો ન કરે. બીજી બાજુ ફાંસીની સજા ગુનેગારોને વધુ ઘાતકી બનવા પર મજબૂર કરે એવી છે તો પછી શું કરવું જોઈએ? હકીકતમાં તો આવા ગુનેગારો માટે એક એવી સજા નક્કી થવી જોઈએ જે તેમને પણ જીવનભર માટે એવી જ નાલેશી, નામોશી અને શરમની ગર્તામાં ધકેલી મૂકે જેવી ગર્તામાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ જીવવાનું આવે છે. એક એવી સજા જે જાહેરમાં અપાય. એક એવી સજા જેમાં તેના પુરુષ હોવાના અહંકારને ચૂરચૂર કરી દેવામાં આવે અને એક એવી સજા જેનું કલંક જીવનભર તેના માથે ચોંટેલું રહે. ચારે બાજુ તેનું નામ અને ચહેરો એટલી હદે ખુલ્લો કરી દેવામાં આવે કે તે જ્યાં પણ જાય ત્યાં તેને ફક્ત ધિક્કાર, નફરત અને ઘૃણા જ મળે અને તેનું પણ આ સમાજમાં રહેવું દુષ્કર થઈ જાય.

કોઈ કદાચ આને એક સ્ત્રી તરીકેના મારા આક્રોશ તરીકે પણ જોઈ શકે છે, પરંતુ સચ્ચાઈ તો એ છે કે સમાજમાં દાખલા આ રીતે જ બેસે. લોકોના મનમાં કાયદાનો ભય આ રીતે જ ઊભો થાય. દુબઈમાં કેમ નમાજનો સમય થાય એટલે સોનાના દાગીનાની દુકાનવાળા પણ પોતાની દુકાન ખુલ્લી રાખીને નમાજ પઢવા બેસી જઈ શકે છે? કારણ તેમને ખબર છે કે ત્યાંની કાયદા-વ્યવસ્થા એટલી સખત છે કે કોઈ માઈના લાલની તાકાત નથી કે ચોરી કરી શકે. જ્યાં સુધી આપણી કાયદા-વ્યવસ્થા આપણી મા, બહેન અને દીકરીના મનમાં આટલો વિfવાસ પેદા નહીં કરી શકે ત્યાં સુધી આપણી સવારની ચાનો સ્વાદ કડવો થતો જ રહેશે અને બળાત્કારના કિસ્સા બનતા જ રહેશે.