ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલાં કેટલાં નર્સિંગ હોમ હજી કાર્યરત છે?

05 July, 2022 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે કર્યો સુધરાઈને સવાલ ઃ એ સિવાય એણે બીએમસીને ગેરકાયદે નર્સિંગ હોમ સામે કેમ કાર્યવાહી નથી કરી એવો પ્રશ્ન પણ પૂછ્યો

ભાડુંપના ડ્રીમ્સ મૉલમાં આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગેલી આગની ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સુધરાઈને સવાલ કર્યો હતો કે એ ગેરકાયદે ધમધમી રહેલાં નર્સિંગ હોમ સામે કાર્યવાહી કેમ નથી કરતી? બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગયા વર્ષે ડિસેમ્બરમાં ૧૫૭૪ ક્લિનિક્સ અથવા પ્રાઇવેટ હૉસ્પિટલની તપાસ હાથ ધરી હતી, જેમાં ૫૦ ટકાથી ઓછાં એટલે કે માત્ર ૬૮૭ ક્લિનિક્સ કે હૉસ્પિટલ્સ જ ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનું પાલન કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું. આ નોંધ કરીને જસ્ટિસ અનિલ મેનન અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે કૉર્પોરેશનને ઉપરોક્ત સવાલ કર્યો હતો.

હાઈ કોર્ટે શકીલ શેખે દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી હતી. યાચિકામાં ૨૦૧૯નો બનાવ નોંધવામાં આવ્યો હતો, જેમાં એક બિનઅધિકૃત આરોગ્ય શિબિરમાં બનેલી આકસ્મિક ઘટનામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું.

કૉર્પોરેશન વતી ઉપસ્થિત સિનિયર કાઉન્સેલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે કૉર્પોરેશને કાર્યવાહી કરી હતી, પણ આ ગેરકાનૂની નર્સિંગ હોમમાં દરદીઓ દાખલ હોવાથી એને બંધ કરી શકાયાં નહોતાં.

અદાલતે કૉર્પોરેશને શહેરમાં કેટલાં નર્સિંગ હોમ જરૂરી લાઇસન્સ કે ફાયર સેફ્ટીના નિયમો વિના કાર્યરત છે એનું વિસ્તૃત ઍફિડેવિટ સુપરત કરવાનો હુકમ કર્યો હતો.

mumbai mumbai news bombay high court