લોકલ ટ્રેનો ક્યાં સુધી બંધ રહેશે? હાઈ કોર્ટનો રાજ્ય સરકારને સવાલ

11 September, 2020 08:49 AM IST  |  Mumbai | Agencies

લોકલ ટ્રેનો ક્યાં સુધી બંધ રહેશે? હાઈ કોર્ટનો રાજ્ય સરકારને સવાલ

ફાઇલ ફોટો

રોગચાળાને કારણે મુંબઈની લોકલ ટ્રેનો ક્યાં સુધી બંધ રાખશો એવો સવાલ મુંબઈ વડી અદાલતે રાજ્ય સરકારને પૂછ્યો હતો. ન્યાયતંત્રને અનિવાર્ય સેવા ગણીને વકીલોને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસની છૂટ આપવાની માગણી કરતી અરજીની સુનાવણીમાં મુંબઈ વડી અદાલતે ઉપરોક્ત સવાલ પૂછ્યો હતો. રૂબરૂ સુનાવણી વડી અદાલતમાં મર્યાદિત પ્રમાણમાં અને નીચલી અદાલતોમાં પૂર્ણરૂપે શરૂ કરાઈ હોવાથી ઈ-પાસ કે અન્ય વ્યવસ્થાના માધ્યમથી વકીલો માટે લોકલ ટ્રેનોમાં પ્રવાસની જોગવાઈ કરવાની અરજદાર વકીલોએ માગણી કરી હતી. રાજ્ય સરકારે એ બાબતે વિચારણા કરવાની ખાતરી આપી હતી.
રાજ્ય સરકારે નજીકના ભવિષ્યમાં મુંબઈની ઉપનગરીય ટ્રેન-સર્વિસ શરૂ કરવાની શક્યતા નકારતાં વડી અદાલતે ઉક્ત સવાલ પૂછ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તાના વડપણ હેઠળની બેન્ચે પૂછ્યું હતું કે ‘આપણે તો હવે કોરોના વાઇરસની સાથે જ જીવવાનું છે. એ સ્થિતિમાં રેલવેની મુંબઈની સબર્બન સર્વિસની ગાડીઓ ક્યારે શરૂ કરવા વિચારો છો? ’
રાજ્ય સરકાર તરફથી ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળાની સ્થિતિમાં સુધારો થયો નથી. એ સંજોગોમાં લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાથી કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસનો વિસ્ફોટ થશે. લોકલ ટ્રેન-સર્વિસ નૉર્મલ હતી ત્યારે એટલી ભીડ થતી હતી કે રોજ ટ્રેન-ઍક્સિડન્ટમાં આઠ-દસ જણ મૃત્યુ પામતા હતા, હાલમાં મર્યાદિત ટ્રેન-સર્વિસમાં પણ ઘણી ભીડ થાય છે.’

mumbai mumbai news mumbai local train