26 March, 2026 07:44 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
આશા મિર્ગે
અશોક ખરાતના પરિચિત રાજેન્દ્ર ખતાળેએ સ્વઘોષિત અંકશાસ્ત્રી અશોક ખરાત બાબતે ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે ‘અશોક ખરાતે તેના પરિવાર સાથેના વિવાદને કારણે ઘર છોડી દીધું હતું. તે મેટ્રિક (દસમા ધોરણ)નો ડ્રૉપઆઉટ છે અને કૅપ્ટન પણ નથી. તે એક STD બૂથ ચલાવતો હતો અને ત્યાંથી તેની કપટી પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેણે જમીનના સોદા કરવાનો ધંધો શરૂ કર્યો પછી મૅચમેકિંગ તરફ આગળ વધ્યો અને ત્યાર બાદ જ્યોતિષી બની ગયો. તેણે એક વખત ગૅસ-સિલિન્ડર પણ ચોરી લીધું હતું. તે કપટી છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’
ઢોંગી અશોક ખરાતની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સતત સાતમા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી હતી. IPS તેજસ્વી સાતપુતેની હાજરીમાં ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. SITએ અશોક ખરાતની પૂછપરછ વધુ તીવ્ર બનાવી દીધી છે. જાતીય શોષણ, નાણાકીય વ્યવહારો અને એના વ્યાપક નેટવર્કના આરોપો વિશે હાલમાં તપાસ ચાલી રહી છે. આ કેસની સંપૂર્ણ તપાસ હવે SIT જ કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અશોક ખરાત કેસમાં સામેલ રૂપાલી ચાકણકર બાબતે રાજ્ય મહિલા આયોગનાં સભ્ય આશા મિર્ગેએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ લગાડ્યો હતો કે ‘નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની નેતા રૂપાલી ચાકણકર અશોક ખરાતને મળવા માટે ઘણી મહિલાઓને લઈ જતી હતી. રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ રૂપાલી ચાકણકરે ઊભી કરી હતી.’
આ ઉપરાંત આશા મિર્ગેએ આરોપ લગાડ્યો છે કે ‘અશોક ખરાત સાથે સંબંધો રાખનારી વ્યક્તિઓના વર્તુળમાં અસંખ્ય IAS અને IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. એમાં તેમના કેટલાક અંગત મિત્રોનો પણ સમાવેશ થાય છે, જેમાં શિવસેનાના દીપક કેસરકર અને રૂપાલી ચાકણકર બન્નેનો સમાવેશ થાય છે. જ્યારે પણ મહિલા સંગઠનોની બેઠકો યોજાતી ત્યારે અશોક ખરાત એમાં હાજરી આપતા અને રૂપાલી ચાકણકર તેનાં ભરપૂર વખાણ કરીને ભોળી મહિલાઓને અશોક ખરાતની જાળમાં ફસાવતી હતી.