કૅન્ટીન બની પૉશ બાર ઍન્ડ રેસ્ટોરાં

23 December, 2021 09:28 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

કાગળ પર ઔદ્યોગિક કામદારો માટે કૅન્ટીન બનવાની હતી, પરંતુ એને બદલે પવઈની બાર અને રેસ્ટોરાં બની ગઈ : ઍક્ટિવિસ્ટોએ કંઈક ખોટું થયાના કર્યા આક્ષેપો, બીએમસીએ આપી તપાસની ખાતરી

પવઈમાં ઇન્ડસ્ટ્રિયલ કૅન્ટીન માટેની જગ્યા પર બાર ઍન્ડ રેસ્ટોરાં બનાવવામાં આવી છે

પવઈમાં એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ઔદ્યોગિક કામદારો માટે કૅન્ટીનનો પ્રસ્તાવ હતો, પણ એને બદલે બહુમાળી બાર અને રેસ્ટોરાં બની ગઈ હતી. કથિત ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાને બદલે સુધરાઈએ હોટેલ અને કમર્શિયલ વ્યવસાય માટે જરૂરી એવી પરવાનગી પણ આપી દીધી હતી.
‘મિડ-ડે’ને મળેલા પેપરોમાં જણાવ્યા પ્રમાણે ડેવલપર ડી. કે. પટેલ દ્વારા અહીં કૅન્ટીન બનાવવાની હતી. એમાં કૅન્ટીન અને ત્રણ લેવલના પાર્કિંગનો કોઈ દુરુપયોગ નહીં કરવામાં આવે એવી શરતો હતી. એને બદલે અહીં બાર બૅન્ક પવઈ અને કોફુકુ નામની આલીશાન રેસ્ટોરાં અને પબ બની જતાં સુધરાઈની શરતોનો ભંગ થયો છે.  
આરટીઆઇ ઍક્ટિવિસ્ટ મનોહર જરિયલે કહ્યું હતું કે ‘માત્ર કૅન્ટીન જ નહીં, મંજૂર થયેલા પ્લાન મુજબ પાર્કિંગ-લૉટ પણ નથી બન્યા. થોડુંક પાર્કિંગ ઊભું કરીને અન્ય જગ્યાનો ઉપયોગ વેપારી પ્રવૃત્તિ માટે થયો છે.’ 
ડી. કે. પટેલ ફર્મના કિશોર પટેલે કહ્યું હતું કે ‘હું બહાર છું તેમ જ મને કંઈ ખબર નથી. મારી ઑફિસમાં સંબંધિત લોકો સાથે વાત કરો.’ 
‘મિડ-ડે’એ ડી. કે. પટેલ ઑફિસના સુનીલ ત્રિપાઠી સાથે વાત કરતાં પહેલાં તેમણે પોતે અકાઉન્ટન્ટ હોવાનો દાવો કર્યો હતો અને ત્યાર બાદ કહ્યું હતું કે ‘આ આરોપો ખોટા છે. કોઈ નિયમોનો ભંગ થયો નથી.’

mumbai mumbai news powai sanjeev shivadekar