અમારા ઍડ્‍મિશનનું શું?

28 June, 2022 08:00 AM IST  |  Mumbai | Dipti Singh

સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સને મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ઍડ્‍મિશનની શક્યતા નથી, કારણ કે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરવાની અંતિમ તારીખ ૨૫ જૂન હતી અને હજી સુધી તો આ બોર્ડનાં રિઝલ્ટ નથી જાહેર થયાં

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ સિવાયના બારમા ધોરણના સ્ટુડન્ટ્સનો એક મોટો વર્ગ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવવા વિશે ચિંતિત છે, જેનું કારણ છે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોમાં ઍડ્‍મિશન માટે રજીસ્ટ્રેશન પ્રૉસેસની અંતિમ તારીખ ૨૫ જૂન નક્કી થઈ હતી, જ્યારે સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડનાં રિઝલ્ટ્સ હજી જાહેર થયાં નથી.
રાજ્યમાં તમામ બોર્ડના ૧૨મા ધોરણનાં પરિણામ જાહેર થતાં પહેલાં ઍડ્‍મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો હોય એવું આ કદાચ પ્રથમ વાર બની રહ્યું છે. આ સ્ટુડન્ટ્સને મુખ્ય ચિંતા એ વાતની છે કે મુંબઈ યુનિવર્સિટીના ઍડ્‍મિશન શેડ્યુલ મુજબ પ્રથમ મેરિટ લિસ્ટ આવતી કાલે જાહેર કરવામાં આવશે અને શહેરની ટોચની કૉલેજોની બેઠકો પ્રથમ બે યાદીમાં ભરાઈ જતી હોવાથી મુંબઈ યુનિવર્સિટી હેઠળની ટોચની કૉલેજોમાં ઍડ્મિશન લેવા માટેના વિકલ્પ ઘટી જશે.

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. આ બન્ને બોર્ડમાં બારમા ધોરણની પરીક્ષા આપનાર સ્ટુડન્ટ્સની સંખ્યા લાખોમાં છે.

સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ તેમ જ સ્કૂલોને ચિંતા એ વાતની છે કે જો સ્ટુડન્ટ્સને રિઝલ્ટ જાહેર ન કરાય ત્યાં સુધી મૂળ વિગત સાથે ઍડ્મિશનની મંજૂરી આપવામાં નહીં આવે તો સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડના કેટલા સ્ટુડન્ટ્સ મુંબઈ યુનિવર્સિટીની કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માગે છે એનો આઇડિયા નહીં રહે.

મુંબઈ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે સીબીએસઈ અને આઇસીએસઈનાં રિઝલ્ટ્સ જાહેર થાય ત્યારે તેમને સમાવિષ્ટ કરવા માટે કૉલેજોને વધારાની સીટ માટે અરજી કરવાની પરવાનગી આપી છે. 

mumbai mumbai news mumbai university 12th exam result