મહારાષ્ટ્રમાં 8 જૂલાઈથી ખુલશે હોટેલ અને ગેસ્ટ-હાઉસ, પણ આ હશે શરતો

06 July, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 8 જૂલાઈથી ખુલશે હોટેલ અને ગેસ્ટ-હાઉસ, પણ આ હશે શરતો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)થી સૌથી વધુ કોઈ રાજ્ય પ્રભાવિત હોય તો તે છે મહારાષ્ટ્ર. પરંતુ અહીં સાવચેતીના પગલાઓ લઈને 'મિશન બિગેન અગેન' અંર્તગત એક પછી એક બધી વસ્તુઓની છૂટ આપવામાં આવી રહી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રાજ્યમાં આઠ જૂલાઈથી 'મિશન બિગેન અગેન' અંર્તગત હોટેલ, ગેસ્ટ-હાઉસ અને લૉજ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ અમુક શરતોનું પાલન કરવાનું રહેશે.

સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, કન્ટેઇન્મેન્ટ ઝૉનની બહાર જે હોટેલ, ગેસ્ટ-હાઉસ અને લૉજ છે તેઓને આઠ જૂલાઈથી ખોલવાની પરવાનગી છે. પરંતુ તેઓ ફક્ત 33 ટકા સ્ટાફ સાથે જ સંચાલન કરી શકશે. એટલું જ નહીં આ હોટેલ અને ગેસ્ટ-હાઉસમાં તે જ વ્યક્તિને જવાની પરવાનગી આપવામાં આવશે જેનામાં કોરોનાના કોઈ લક્ષણ નહીં હોય. તેમજ હોટેલમાં થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝર રાખવું ફરજિયાત છે. તે સિવાય ગેસ્ટ અને કર્મચારીઓ સહુએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. એસીનું તાપમાન 24 થી 30 ડિગ્રી સેલ્શિયસ રાખવાનું રહેશે. હોટેલોમાં ડિજીટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તેમજ ગેસ્ટના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવુ ફરજિયાત છે. જો એપ નહીં હોય તો હોટેલમાં એન્ટ્રી નહીં મળે. તે સિવાય લૉબી અને સિટિંગ એરિયામાં સોશ્યલ ડિસટન્સિંગનું ધ્યાન રાખવુ પડશે.

સરકારે હજી સુધી રેસ્ટોરન્ટ વિશે કોઈ ગાઈડલાઈન્સ બહાર નથી પાડી.

maharashtra mumbai coronavirus covid19 lockdown