બાંદરાના હોટેલિયર પાસેથી અઢી કરોડ રૂપિયાની ખંડણી માગતો ગૅન્ગસ્ટર ડી. કે. રાવ પકડાયો

24 January, 2025 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની હોટેલ આપવા તૈયાર નહોતો એથી ડી. કે. રાવ તેની પાસે અઢી કરોડની ખંડણી માગી રહ્યો હતો. સતત મળી રહેલી ધમકીઓને કારણે ત્રાસી જઈને આખરે તેણે આ બાબતે પોલીસ-ફરિયાદ કરી હતી. 

ગૅન્ગસ્ટર ડી. કે. રાવ

બાંદરાના એક હોટેલિયરે બુધવારે બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે છોટા રાજનનો ભૂતપૂર્વ સાગરીત ગૅન્ગસ્ટર ડી. કે. રાવ તેની પાસેથી ૨.૫ કરોડની ખંડણી માગી રહ્યો છે. એથી તેની ફરિયાદ ત્યાર બાદ ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલને સોંપવામાં આવી હતી. ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના ઑફિસરોએ બુધવારે સાંજે ૩ વૅનમાં ફિલ્મી ઢબે ડી. કે. રાવની ગાડીનો પીછો કરી તેની કારને સાયનના રૂપમ સર્કલ પાસે આંતરી લીધી હતી અને તેને અને તેના ૬ સાગરીતોને ઝડપી લીધા હતા. 

ફરિયાદ કરનાર ૫૦ વર્ષના હોટેલના માલિકે તેની ફરિયાદમાં કહ્યું હતું કે ડી. કે. રાવ તે‌ને છેલ્લાં બે વર્ષથી તેને હોટેલ આપી દેવા દબાણ કરવાની સાથે ધમકાવતો હતો. તે પોતાની હોટેલ આપવા તૈયાર નહોતો એથી ડી. કે. રાવ તેની પાસે અઢી કરોડની ખંડણી માગી રહ્યો હતો. સતત મળી રહેલી ધમકીઓને કારણે ત્રાસી જઈને આખરે તેણે આ બાબતે પોલીસ-ફરિયાદ કરી હતી. 

ડી. કે. રાવ છોટા રાજનનો માણસ હતો. બહુ જ નાની ઉંમરમાં તેણે ગુનાખોરીમાં ઝંપલાવ્યું હતું. તેની સામે ખંડણી ઉઘરાવવી, ધમકાવવા, કાવતરાં રચવાં સહિતના સંખ્યાબંધ ગુના આ પહેલાં પણ નોંધવામાં આવ્યા હતા.

bandra gangster sion mumbai police crime news mumbai crime news news mumbai mumbai news