05 August, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અંધેરી-ઈસ્ટના બીમાનગરમાં આવેલી ઓરિયન હોટેલની રૂમમાંથી વિશ્વજિત સિંહ નામનો વેઇટર શનિવારે રાતે પાંચ લાખ રૂપિયાની વીંટીઓ તફડાવી ગયો હોવાની ફરિયાદ અંધેરી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષના બાંધકામના વેપારી ભાવેશ રાજ્યગુરુ બિઝનેસની ડીલ માટે મુંબઈ આવીને ઓરિયન હોટેલમાં રોકાયા હતા એ દરમ્યાન શનિવારે રાતે તેઓ સૂતા હતા ત્યારે ડુપ્લિકેટ ચાવીથી રૂમનો દરવાજો ખોલીને વિશ્વજિત વીંટી ચોરતો હોવાનું ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી છે.
ભાવેશ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વ્યવસાય મીટિંગ માટે ૨૮ જુલાઈએ મુંબઈ આવી ઍરપોર્ટ નજીકની ઓરિયન હોટેલની ૨૦૧ નંબરની રૂમમાં હું રોકાયો હતો. મારા હાથમાં પહેરેલી સોનાની વીંટીઓ કાઢીને ટેબલ પર મૂકીને રાતે સૂવાનો મારો નિત્યક્રમ છે. શનિવારે રાતે પણ હું મારી વીંટીઓ કાઢીને સૂઈ ગયો હતો. રવિવારે સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગ્યો ત્યારે મારા ટેબલ પર મૂકેલી મારી વીંટીઓ મને જોવા નહોતી મળી એટલે મને લાગ્યું કે નીચે પડી ગઈ હશે. મેં આખી રૂમમાં વીંટી શોધી જોઈ હતી, પણ મળી નહીં એટલે મને શંકા ગઈ કે હું સૂઈ ગયો એ પછી મારી રૂમમાં કોઈક પ્રવેશ્યું હશે. મેં તાત્કાલિક હોટેલ-મૅનેજમેન્ટને ઘટનાની જાણ કરી હતી. મારા રૂમની બહાર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ જોવા માટેનો મેં આગ્રહ કર્યો હતો. CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં એક વેઇટર રાતે બે વાગ્યે ડુપ્લિકેટ ચાવીથી મારી રૂમમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. એ પછી વેઇટર હોટેલમાંથી બહાર જતો પણ જોવા મળ્યો હતો. અંતે મને ખાતરી થઈ ગઈ કે મારી પાંચ લાખ રૂપિયાની ત્રણ વીંટી વેઇટર ચોરી ગયો હતો. એ પછી મેં અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
અંધેરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે હોટેલના વેઇટર વિશ્વજિત સિંહ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વીંટી ચોરીને નાસી ગયો છે. તેને શોધવા માટે અમે વિવિધ ટીમ બનાવી છે.’