Hot Property : કમર્શિયલ પ્રૉપર્ટીની ડિમાન્ડમાં ચમકારો

09 November, 2013 04:12 AM IST  | 

Hot Property : કમર્શિયલ પ્રૉપર્ટીની ડિમાન્ડમાં ચમકારો




મુંબઈ અમથું જ ભારતનું આર્થિક પાટનગર નથી કહેવાતું. એક સમયના નરીમાન પૉઇન્ટના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બાદ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક વ્યાપારી કેન્દ્રો રચાયાં છે એમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને લોઅર પરેલનો એક સમયનો મિલવિસ્તાર મુખ્ય છે. હવે લોઢા બિલ્ડર્સ વડાલામાં નવું કફ પરેડ ઊભું કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં થોડાં વર્ષોથી મંદી ચાલી રહી હતી, પણ હાલમાં કમર્શિયલ પ્રૉપર્ટીની બજારમાં તેજી આવી છે. ખરું પૂછો તો આ પ્રૉપર્ટીના વેચાણ અને લીઝ બન્નેમાં વૃદ્ધિ નોંધાઈ છે.

નવી ડિમાન્ડ માટેનાં કારણો

નાઇટ ફ્રૅન્કે થોડા મહિના પહેલાં બહાર પાડેલા અહેવાલ મુજબ ઉત્પાદન ક્ષેત્ર ઉપરાંત બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઍન્ડ ઇન્શ્યૉરન્સ; IT/IT અનેબલ્ડ સર્વિસિસ તથા અન્ય સર્વિસ સેક્ટરમાં થયેલી વૃદ્ધિને પગલે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન દેશભરમાં ઑફિસ-સ્પેસની ડિમાન્ડ ઊંચે ગઈ છે. અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૦૮થી ૨૦૧૨ સુધીના સમયગાળામાં મુંબઈ, નૅશનલ કૅપિટલ રીજન (NCR), બૅન્ગલોર, પુણે, ચેન્નઈ અને હૈદરાબાદ એમ છ મોટાં શહેરોમાં ૧૬૮.૫ મિલ્યન સ્ક્વેર ફૂટ જેટલી ઑફિસ સ્પેસની ખરીદી/લીઝ માટેની માગણી સંતોષાઈ હતી.

બૅન્ગલોર, ચેન્નઈ, પુણે અને હૈદરાબાદ જેવાં શહેરોમાં IT સેક્ટરમાં ઑફિસસ્પેસની વધુ ડિમાન્ડ હતી, જે કુલ ડિમાન્ડમાં ૫૦ ટકા કરતાં પણ વધારે હતી. જોકે મુંબઈ અને NCRમાં અનેક સેક્ટરમાંથી ડિમાન્ડ આવી હતી, કારણ કે કંપનીઓ પોતાની કૉર્પોરેટ ઑફિસો ત્યાં શરૂ કરવાનું વધારે પસંદ કરે છે.

જોન્સ લૅન્ગ લસાલની રિયલ એસ્ટેટ ઇન્ટેલિજન્સ સર્વિસ તથા રિસર્ચ વિભાગના વડા આશુતોષ લિમયેએ તાજેતરમાં કહ્યું હતું કે ‘અત્યાર સુધી વિવિધ ક્ષેત્રોના લોકો જે શહેરોમાં ક્યારેય ગયા નહોતા એવાં શહેરોમાં પ્રૉપર્ટી લેવાનું પસંદ કરવા લાગ્યા છે. મુંબઈમાં ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હોય એટલા મોટા પ્રમાણમાં IT/IT અનેબલ્ડ કંપનીઓએ જગ્યાઓ લીધી છે. જાન્યુઆરી ૨૦૧૨થી સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીમાં મુંબઈના IT પાર્ક તથા SEZમાં ખાલી પડેલી જગ્યાઓનું પ્રમાણ ૨૯ ટકાથી ઘટીને ૨૪ ટકા પર આવ્યું છે. ભારતભરમાં લીઝ પર લેવામાં આવેલી કુલ જગ્યાઓમાંથી ૨૮ ટકા જગ્યાઓ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓએ લીધી છે. આ પ્રમાણ ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં આ ક્ષેત્રે લીઝ પર લીધેલી જગ્યાઓ કરતાં ૭ ટકા વધારે હતું.’

કમર્શિયલ પ્રૉપર્ટીનું પ્રી-સેલ પણ હવે પહેલાં કરતાં વધારે થવા લાગ્યું છે. અગાઉ ડેવલપરો પોતાની મિલકતો લીઝ પર આપવાનું વધારે પસંદ કરતા હતા, પણ રહેઠાણ માટેની જગ્યાઓની ડિમાન્ડ ઘટવાને પગલે તેમણે હવે કમર્શિયલ પ્રૉપર્ટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ મોટા ભાગના બિલ્ડરો હવે કમર્શિયલ પ્રૉપર્ટીનું વેચાણ કરવા લાગ્યા છે. એમ કરવાથી તેમને પ્રોજેક્ટ માટે નાણાં મળી રહે છે અને નિવાસ માટેની ડિમાન્ડ ઊપડે ત્યાં સુધી સ્ટૉકને પકડી રાખવામાં મદદ મળી રહે છે.

રોકાણ માટેની ડિમાન્ડ

કમર્શિયલ પ્રૉપર્ટી માટેની ડિમાન્ડ વધવા માટેનું કારણ રોકાણમાં મળતો લાભ પણ છે. કમર્શિયલ પ્રૉપર્ટી ભાડે આપીને મળતું વળતર આશરે સાતથી દસ ટકા જેટલું હોય છે. એનાથી વિપરીત રહેણાક પ્રૉપર્ટીમાં ફક્ત બેથી પાંચ ટકાનું વળતર મળે છે. આમ ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે કમર્શિયલ રિયલ એસ્ટેટ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે.

સંઘવી ગૃહનિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજર સુકેતુ જોશીએ જણાવ્યા મુજબ કમર્શિયલ પ્રૉપર્ટીમાં રેસિડેન્શિયલ પ્રૉપર્ટી કરતાં વધારે ભાડું મળતું હોવાથી એને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમની કંપની ઘાટકોપરમાં કમર્શિયલ પ્રોજેક્ટ ધરાવે છે એમ જણાવતાં સુકેતુ જોશીએ ઉમેર્યું હતું કે ‘૨૦૦થી ૩૦૦ સ્ક્વેર ફૂટ જેટલી સાઇઝની ઑફિસસ્પેસની ડિમાન્ડમાં વધારો થયો છે. વળી મલ્ટિનૅશનલ કંપનીઓ નરીમાન પૉઇન્ટ જેવા મોંઘા વિસ્તારોમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા લાગી હોવાથી ડિમાન્ડમાં વૃદ્ધિ થઈ છે. ઉપનગરોમાં ભાડાં ઓછાં હોવાથી કંપનીઓ ત્યાં જવાનું પસંદ કરવા લાગી છે.’

કમર્શિયલ પ્રૉપર્ટીની ડિમાન્ડ વિશે મિશ્ર સંકેતો મળી રહ્યા છે, પણ એક વાતે બધા સંમત છે કે આ પ્રકારની પ્રૉપર્ટી રોકાણકારો તથા ડેવલપરો બન્ને માટે સલામત માર્ગ છે.