તમારે જાણી લેવું જરૂરી છે કે... શું તમારા બિલ્ડર પાસે છે ઑક્યુપેશન સર્ટિફિકેટ?

28 July, 2012 05:55 AM IST  | 

તમારે જાણી લેવું જરૂરી છે કે... શું તમારા બિલ્ડર પાસે છે ઑક્યુપેશન સર્ટિફિકેટ?

પછી એ ગમે એટલી નાની ફર્મ કેમ ન હોય ઓસી મેળવવું જટિલ પ્રક્રિયા હૅબિટેટ ગ્રુપના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર મિહિર ધ્રુવ કહે છે, ‘ઓસી મેળવવું જટિલ પ્રક્રિયા છે. ડેવલપરે ઓસી મેળવવા માટે ૪૦થી ૫૦ જેટલાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવાં પડે છે. આ બધા દસ્તાવેજો રજૂ કર્યા બાદ પણ ભારે વિલંબ પછી ડેવલપરને ઓસી મળે છે. જોકે હવે વધારે ને વધારે ડેવલપરો આ મુદ્દે સજાગ બની ગયા છે અને ગ્રાહકોને સમય પર ઓસી આપવાનો પ્રયાસ કરે છે. હવે આવું ન કરનાર ડેવલપરે બહુ મોટી પેનલ્ટી ભરવી પડે છે અને ગ્રાહકો પણ પોતાના હકોના મુદ્દે જાગ્રત બન્યા છે.’

 

પુણેના બિલ્ડરોને પણ લાગે છે કે ઓસી મેળવવાનું મુશ્કેલ છે. વાસ્તુદોષ પ્રોજેક્ટ્સના મૅનેજિંગ ડિરેક્ટર સચિન કુલકર્ણી કહે છે, ‘ડેવલપરો ઓસી મેળવવાનું ટાળે છે એના માટે મને બે કારણો જવાબદાર લાગે છે. પહેલાં તો પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ છે. આ પ્રક્રિયાથી ઓસી મેળવવા માટે ઘણાંબધાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાં પડે છે અને મોટી રકમ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે છે. બીજું કારણ એ છે કે ઓસી મળ્યાં બાદ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ અને ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઇટ્સમાં ફેરફાર કરવાનું મુશ્કેલીભર્યું હોવાને કારણે ડેવલપરો ઓસી મેળવવાનું ટાળે છે.’

મહત્વનો દસ્તાવેજ

ઓસી એક મહત્વનો દસ્તાવેજ છે. એક એ વાતની સાબિતી છે કે ઇમારતનું નિર્માણ મંજૂરી પામેલા પ્લાન પ્રમાણે અને તમામ સ્થાનિક નિયમોનું પાલન કરીને થયું છે. માહિતીના અધિકારના કાયદા હેઠળ એક ઍક્ટિવિસ્ટે કરેલી અરજીના જવાબમાં મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે એને એ વાતની માહિતી નથી કે કેટલી ઇમારતો પાસે ઓસી છે અને કેટલી પાસે નથી. નામ ન આપવાની શરતે પુણે મહાનગરપાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે ઓસી લેવાની પ્રક્રિયા લાંબી હોવાને કારણે કેટલાક ડેવલપરો એ લેવાનું ટાળે છે.

રહેવાસીઓને માફી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે તાજેતરમાં વિધાનસભામાં જાહેરાત કરી હતી કે શહેરની ઇમારતોનો સર્વે કરવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે અને કેટલી ઇમારતોમાં ખરીદદારોને ફ્લૅટ ઓસી વગર આપી દેવામાં આવ્યા છે એની માહિતી મેળવવામાં આવશે. મુખ્ય પ્રધાને જોકે ખાતરી આપી હતી કે આવી ઇમારતોના રહેવાસીઓને કોઈ દંડ નહીં કરાય અને તેમને માફી આપવામાં આવશે.

મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે જો ઓસી ન હોય તો એનો મતલબ એમ થાય છે કે બિલ્ડરે પ્રોજેક્ટ માટે જરૂરી નિયમોનું પાલન નથી કર્યું જેને કારણે ત્યાં રહેતા લોકો ગેરકાનૂની રીતે રહે છે. આ નિયમને કારણે રહેવાસીઓએ બે વખત વૉટર-ચાર્જ અને ઊંચો પ્રૉપર્ટી-ટૅક્સ ભરવો પડે છે. ગયા વર્ષે સચિન તેન્ડુલકરને ઓસી વગર બાંદરાના પેરી ક્રૉસ રોડ ખાતે આવેલા તેના નવા બંગલામાં રહેવા જવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.

ઓસીને બનાવો પ્રાયોરિટી

જાણીતા વકીલ વિનોદ સંપટ કહે છે, ‘ઓસી ડેવલપર અને ખરીદદાર બન્ને માટે બહુ જરૂરી ડૉક્યુમેન્ટ છે. ઇમારતનું કામ પૂરું થાય છે ત્યારે બિલ્ડરને ઓસી મળે છે જેનો મતલબ એ થાય છે કે ઇમારત હવે રહેવાને લાયક છે. મહાનગરપાલિકા બિલ્ડરને આ સર્ટિફિકેટ આપે એ પછી ઇમારતને પાણીનો નિયમિત પુરવઠો મળવા લાગે છે. આમ ઓસી બહુ અગત્યનો દસ્તાવેજ છે, પણ એને મેળવવા માટે બહુ મોટી રકમ ખર્ચ કરવી પડતી હોવાને કારણે ડેવલપરો સામાન્ય રીતે એ મેળવવાનું ટાળે છે. જોકે જો સરકાર ઓસી માટેના નિયમો થોડા સરળ બનાવી દે તો ચોક્કસપણે ડેવલપર એને મેળવવામાં આનાકાની ન કરે.’

આ વર્ષની શરૂઆતમાં પુણેએ ઓસી મેળવવા માટેના નિયમો સરળ બનાવી દેતાં એ ન હોવાને કારણે ત્રણ ગણો પ્રૉપર્ટી-ટૅક્સ ભરતા શહેરના નાગરિકોને રાહત મળી હતી.

ઓસી છે જરૂરી

ઓસી બહુ જરૂરી દસ્તાવેજ છે. એ સાબિતી છે કે ઇમારતનું નિર્માણ મંજૂરી પામેલા પ્લાન પ્રમાણે અને તમામ સ્થાનિક નિયમોનું પાલન કરીને થયું છે. સિટી કૉર્પોરેશન અથવા તો સિટી મ્યુનિસિપાલિટી જેવી સંસ્થાઓ ઓસી આપતી હોય છે. ઓસી વગર પાણીનું કનેક્શન અને સૅનિટેશન કનેક્શન મેળવવાનું મુશ્કેલ છે. ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુટ પણ લોન આપતા પહેલાં ઓસીની ચકાસણી કરે છે.