પ્રૉપર્ટીમાંથી તમારો હિસ્સો આપો છો? તો આટલું જાણો

29 December, 2012 07:48 AM IST  | 

પ્રૉપર્ટીમાંથી તમારો હિસ્સો આપો છો? તો આટલું જાણો



એક જ પ્રૉપર્ટીમાં બે કો-ઓનર હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિના નામે આ પ્રૉપર્ટીમાંથી તેનો અધિકાર આપી શકે છે. આવા કેસમાં એક માલિક તેના આ પ્રૉપર્ટી પરના અધિકારને ત્યજી દઈને એને તેના બીજા માલિકની તરફેણમાં આપી શકે છે. આમ કરતી વખતે તે તેના અધિકાર, ટાઇટલ અને બીજાં હિતો બીજી  વ્યક્તિને આપી દેતો હોય છે. આવી રીતે જ્યારે પ્રૉપર્ટી બીજાને નામે આપવાની હોય ત્યારે એ પ્રૉપર્ટીના એક કરતાં વધુ માલિક હોવા જરૂરી છે.

એક વ્યક્તિ જ્યારે આવી રીતે એક પ્રૉપર્ટી પરથી તેના અધિકાર જતા કરે છે ત્યારે એ પ્રૉપર્ટીના બીજા માલિકોનો એ પ્રૉપર્ટીમાં હિસ્સો વધી જતો હોય છે. એક પ્રૉપર્ટીમાં ત્રણ વ્યક્તિ કો-ઓનર હોય ત્યારે તેમનો હિસ્સો એક-તૃતીયાંશ રહે છે, પણ જો એક વ્યક્તિ તેના હિસ્સા પરનો અધિકાર છોડી દે ત્યારે બાકીના બે જણનો હિસ્સો વધીને અડધો-અડધો થઈ જાય છે. આમ તેમનો હિસ્સો વધે છે.

એક વાત યાદ રાખવી જોઈએ કે પ્રૉપર્ટી પરનો અધિકાર તે જ વ્યક્તિના નામે કરી શકાય છે જે આ પ્રોપર્ટીમાં કો-ઓનર છે. એના સિવાય બીજાને નામે આવી રીતે પ્રૉપર્ટી કરી શકાતી નથી.

એક પ્રૉપર્ટીમાં ઘણાબધા કો-ઓનર હોય અને એક વ્યક્તિ એમાંથી કોઈ એક કે વધુ લોકોને એનું ટાઇટલ અને બીજા અધિકારો આપી દે તો તે કાયદેસર રીતે પોતાના અધિકાર બીજાને આપી દેતી નથી. આવું થાય ત્યારે તેને ગિફ્ટ કે સેલ તરીકે ગણવામાં આવે છે.

ઘણા બધા કો-ઓનર હોય એવી તમારી એક પ્રૉપર્ટીમાંથી તમારા નામ પરનો તમારો હિસ્સો તમારે કોઈ એક વ્યક્તિ કે ઘણી વ્યક્તિઓને આપવો હોય તો તમારે સેલ-ડીડ, ગિફ્ટ-ડીડ કે પછી વિલમાં એની જાણ કરવી પડે. જોકે આવા કેસમાં આવી રીતે થતા પ્રૉપર્ટી ટ્રાન્સફરમાં સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવાની આવે છે. સેલ-ડીડની તારીખે જે સ્ટૅમ્પ-ડ્યુટી હોય એ ભરવી પડે છે.

કોઈ પ્રૉપર્ટીમાંથી તમારો હિસ્સો કોઈ મોંબદલામાં અથવા એના વગર પણ આપી શકો છો. જો તમે કોઈ મોંબદલો મેળવ્યો હોય તો પણ તમારો એ પ્રૉપર્ટીમાંથી અધિકાર જતો કરવાનો નિર્ણય કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે. જોકે એ માટે તમારો ઇરાદો સાચો હોવો જોઈએ.

કોઈ પણ પ્રૉપર્ટીમાંથી કોઈ એક વ્યક્તિ તેનો હિસ્સો જતો કરતી હોય એવા સમયે થતા ડીડમાં જે-તે રાજ્યમાં એ સમયના સ્ટૅમ્પ-ડ્યુટીના કાયદાને આધારે એની ચુકવણી કરવી પડે છે.