પ્રૉપર્ટીના ઊંચા ભાવને પરિણામે રેન્ટલ હાઉસિંગનો ટ્રેન્ડ વધશે

29 December, 2012 07:48 AM IST  | 

પ્રૉપર્ટીના ઊંચા ભાવને પરિણામે રેન્ટલ હાઉસિંગનો ટ્રેન્ડ વધશે



જયેશ ચિતલિયા

હાઉસિંગ સેક્ટરમાં આસમાને પહોંચેલા ભાવ નીચે આવવાનું નામ લેતા ન હોવાથી ગ્રાહકો દૂર-દૂરના વિસ્તારોમાં ઘર શોધતા થયા છે, જેને લીધે અત્યાર સુધીના અવિકસિત કે અલ્પવિકસિત વિસ્તારોમાં પણ કરન્ટ આવી ગયો છે. બીજી બાજુ ઘર ભાડે લેવાની પ્રવૃત્તિને પણ વેગ મળી રહ્યો છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં ભાડે ઘર લઈને રહેવાનો જે ટ્રેન્ડ પ્રચલિત છે એ હવે ભારતનાં મહાનગરોમાં ધીમી ગતિએ શરૂ થયો હોવાનું જણાય છે, કારણ કે પોતાનું ઘર લેવાનું લગભગ અસંભવ બની જાય એ  સ્તરે પ્રૉપર્ટીના ભાવ પહોંચી ગયા છે. આ સંજોગોમાં હવે પછી ભારતીય હાઉસિંગ સેક્ટરમાં રેન્ટલ હાઉસિંગની ડિમાન્ડ વધે તો નવાઈ નહીં. મોટા ઇન્વેસ્ટરો તો આનો લાભ પણ લેવા લાગ્યા છે. તેઓ પોતાની રોકાણની તાકાતના આધારે ફ્લૅટ લઈ પછી એ ભાડા પર આપી દઈને એના ભાડાની નિયમિત આવક મેળવવા લાગ્યા છે. અત્યાર સુધી આવું સામાન્ય રીતે ઑફિસો કે દુકાનો માટે બનતું રહ્યું છે, જે ખરીદીને લોકો ભાડે આપી દે છે.

આ સંભવિત હકીકતને સમર્થન આપે એવા અહેવાલ મુજબ હાઉસિંગ મિનિસ્ટ્રી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને રેન્ટલ હાઉસિંગ માર્કેટમાં રોકાણ કરવાની છૂટ આપવા વિશે વિચારણા કરી રહી છે. વિશ્વસનીય સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વિષયમાં નીતિવિષયક પેપર્સ તૈયાર થઈ રહ્યા છે. આ માર્ગે વિદેશી રોકાણ પણ મોટા પાયે આવવાની શક્યતા છે.

એક સત્તાવાર અંદાજ મુજબ શહેરી વિસ્તારોમાં આશરે ૧૮૭ લાખ ઘરોની અછત છે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે આશરે દસ લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે એમ છે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શું છે?

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મુચ્યુઅલ ફન્ડની જેમ કામગીરી બજાવે છે. એ રોકાણકારો પાસેથી ભંડોળ ભેગું કરીને એનું રિયલ્ટીમાં રોકાણ કરે છે અને એમાંથી ઊપજતી આવકને આ રોકાણકારોમાં વહેંચે છે. જોકે સેબીએ આવા રિયલ્ટી ટ્રસ્ટ માટેની ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ બહુ પહેલાં ઇશ્યુ કરી હતી, જેનાં આખરી ધોરણો હજી ફાઇનલ થવાનાં બાકી છે. સરકારી આંકડા મુજબ ૭૮૮ લાખ ઘરમાંથી ૧૧ ટકા ઘર એટલે કે ૮૦ લાખ જેટલાં ઘર ખાલી પડ્યાં છે, જે રોકાણકારોએ ભાવ વધવાની આશાએ રાખી મૂક્યાં છે. રિયલ્ટી ટ્રસ્ટ આવાં ઘર ખરીદી એને રેન્ટ પર આપવાનું શરૂ કરી શકે છે. વિદેશોમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો ખ્યાલ પ્રચલિત છે અને એના મારફત થતી નિયમિત આવકને લીધે પેન્શન ફન્ડો પણ એમાં રોકાણ કરતાં હોય છે.

રિયલ્ટી ટ્રસ્ટ શું છે?

આવાં રિયલ્ટી ટ્રસ્ટ આખા ને આખા અપાર્ટમેન્ટ લઈ લેવાનું પસંદ કરે  છે, જેથી એને રેન્ટ પર આપવાનું અને એનું સંચાલન કરવાનું સરળ બની રહે. આને પગલે બજારમાં હાઉસિંગ ક્ષેત્રે પ્રવાહિતા અને ઉપલબ્ધિ વધી શકે છે. નિષ્ણાતોના મતે સરકારે ભારતમાં આ ટ્રેન્ડને વધારવો હોય તથા હાઉસિંગની સમસ્યાના ઉકેલની દિશામાં પણ નક્કરપણે આગળ વધવું હોય તો રિયલ્ટી ટ્રસ્ટના ઇન્વેસ્ટરોને કરરાહત જેવાં પ્રોત્સાહનો આપવાં  જોઈએ.

રિયલ્ટી સેક્ટર સાથે સંકળાયેલાં સાધનોના મતે હાઉસિંગની સમસ્યાને ઉકેલવામાં રેન્ટલ હાઉસિંગ પૂર્ણ નહીં પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવી શકશે. ખાસ કરીને મોટાં શહેરોમાં જ્યાં ઘરના ભાવ અસાધારણ ઊંચા થઈને લોકોના બજેટની પાર થઈ ગયા છે ત્યાં રેન્ટલ હાઉસિંગ સારો વિકલ્પ બની શકે છે. અલબત્ત, ભારતની પ્રજાના માઇન્ડસેટમાં આ માટે પરિવર્તન આવવું જરૂરી છે, કેમ કે ભારતીય લોકો માટે પોતાનું ઘર હોવું એ વધુ સંવેદનશીલ બાબત ગણાય છે.