બિલ નહીં ચૂકવવામાં આવતાં હૉસ્પિટલે પેશન્ટની બૉડી ૬ દિવસ સુધી ન સોંપી

19 December, 2011 05:24 AM IST  | 

બિલ નહીં ચૂકવવામાં આવતાં હૉસ્પિટલે પેશન્ટની બૉડી ૬ દિવસ સુધી ન સોંપી



(અકેલા)

મુંબઈ, તા. ૧૯

મૃત્યુ પામનાર વ્યક્તિના ભાઈ લાલચંદ પ્રસાદે મુલુંડનાં સોશ્યલ વર્કર ઉષા દામાણીની સહાયથી ‘મિડ-ડે’નો સંપર્ક કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. બાવીસ વર્ષના લાલચંદના જણાવ્યા મુજબ તેમના ભાઈ ૩૨ વર્ષના દુલારચંદ પ્રસાદે ૧૨ ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગ્યે છાતીમાં દુખાવો ઊપડ્યાની ફરિયાદ કરતાં તેમના મિત્ર હીરાલાલ રામ તેમને હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ પાંચ જેટલી હૉસ્પિટલોએ તેમને ઍડ્મિટ કરવાની ના પાડી હતી. છેવટે લાઇફલાઇન હૉસ્પિટલે તેમને પ્લૅટિનમ હૉસ્પિટલમાં ખસેડવાની ભલામણ કરી હતી. મોડી રાત્રે બે વાગ્યે તેઓ પ્લૅટિનમ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. લાલચંદે કહ્યું હતું કે ‘ડૉક્ટરે ૫૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ માગ્યા હતા. છેવટે ૪૦,૦૦૦ રૂપિયા ભરતાં દુલારચંદને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા.’

ડૉક્ટરે દરદીની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવી ઑપરેશન જરૂરી હોવાની વાત કરી હતી. ઑપરેશન ખૂબ ખર્ચાળ હોવાથી ડૉક્ટરે રિલેટિવ્સ પાસેથી જરૂરી મંજૂરી તથા બિલ ચૂકવી આપવાની ખાતરી લીધી હતી. રિલેટિવ્સ બિલની રકમની વ્યવસ્થા કરવા બહાર ગયા, પરંતુ ૨૪ કલાક બાદ ડૉક્ટરે જણાવ્યું કે દરદીનું મૃત્યુ થયું છે.

લાલચંદે વધુમાં જણાવ્યા મુજબ ‘ડૉક્ટરે જ્યાં સુધી ચાર લાખ રૂપિયા બિલની રકમ ન મળે ત્યાં સુધી મૃતશરીરનો કબજો સોંપવાનો ઇનકાર કર્યો હતો.’ દુલારચંદ તેમ જ લાલચંદની મન્થ્લી સૅલરી ૪૦૦૦ રૂપિયા હોવાથી તેઓ ૪ લાખ રૂપિયા બિલ ભરી શકે એવી સ્થિતિમાં જ નહોતા. લાલચંદના જણાવ્યા મુજબ ડૉક્ટરે કહ્યું કે તુમ કહીં ભી જાઓ, કુછ ભી કરો, ચાર લાખ રુપએ તો દેને હી પડેગેં, નહીં તો બૉડી નહીં મિલેગી.

નિરક્ષર લાલચંદને કશું જ ખબર ન પડતાં સોશ્યલ વર્કર ઉમા દામાણીનો સંપર્ક કર્યો હતો. ઉમા દામાણીને પણ ડૉક્ટરે બૉડી આપવાનો ઇનકાર કર્યો હતો. લાલચંદે ડૉક્ટર સમક્ષ આંસુ સાર્યા છતાં બૉડીને અંતિમ વિધિ માટે પણ આપવાનો ઇનકાર કર્યો હતો. છેવટે ડૉક્ટરે બે લાખ રૂપિયા રાહત કરી આપી અને ધમકી પણ આપી કે જો બે લાખ રૂપિયા જમા નહીં કરાવે તો પોલીસને બોલાવશે. મૃત્યુ પામનાર દુલારચંદને ૪ દીકરી તથા એક ૧૧ મહિનાનો પુત્ર છે. લાલચંદ એટલો ગરીબ છે કે પોતાની ગામની તમામ સંપત્તિ વેચે તો પણ બે લાખ રૂપિયા જમા ન કરાવી શકે.