બોરીવલીમાં ઘોડાનું ડેડબૉડી મળ્યું

28 September, 2012 05:30 AM IST  | 

બોરીવલીમાં ઘોડાનું ડેડબૉડી મળ્યું



બોરીવલી (વેસ્ટ)ના બાભઈ વિસ્તારમાં આવેલી મહારાષ્ટ્ર પ્લાયવુડ શૉપની બાજુના સુધરાઈના પ્લૉટમાંથી ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે છ વર્ષના એક સફેદ ઘોડાનું ડેડબૉડી મળી આવ્યું હતું. ગણેશોત્સવના તહેવારમાં ઘોડાનું ડેડબૉડી મળી આવતાં આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્લૉટમાં વષોર્થી કચરો પડ્યો રહે છે, પણ ઉપાડવામાં નથી આવતો. એનો ફાયદો લઈ ઘોડાના માલિક નયન પાટીલે પણ તેના ઘોડાનો મૃતદેહ અહીં ફેંકી દીધો હતો. ઘોડાના મૃતદેહને દફન ન કરતાં એને સુધરાઈના પ્લૉટમાં ફેંકી દેવા છતાં બોરીવલી પોલીસે ઘોડાના માલિક નયન વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નહોતી કરી. આજે ઘોડાનું ડેડબૉડી દફન કરવામાં આવશે.

પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે ઘોડાનો મૃતદેહ મળતાંની સાથે જ આ વિસ્તારમાં ભીડ જમા થઈ હતી એટલે તરત જ મહારાષ્ટ્ર પ્લાયવુડ દુકાનના માલિકે સુધરાઈમાં ફોન કરી ડેડબૉડી વિશે જાણ કરી હતી, પણ એનો કોઈ અધિકારી આ સ્થળે ન પહોંચતાં વૉડ-નંબર ૮ના નગરસેવક શિવા શેટ્ટીને જાણ કરવામાં આવી હતી. શિવા શેટ્ટીએ ઘટનાસ્થળે પહોંચી પોલીસને બોલાવી લીધી હતી. પ્રાથમિક પોલીસતપાસ હેઠળ માહિતી મળી હતી કે આ ઘોડો એક્સર રોડ પર આવેલી પેણકર વાડીમાં રહેતા નયન પાટીલનો છે એટલે તેને પણ પોલીસે ઘટનાસ્થળે બોલાવી લીધો હતો. નયન પાટીલે પોલીસને કહ્યું હતું કે ‘ગઈ કાલે હું ઘોડો લઈને બાંદરા ગયો હતો ત્યારે ગરમીને કારણે એનું બાંદરામાં જ મૃત્યુ થયું હતું. એથી ઘોડાનું ડેડબૉડી હું ટેમ્પોમાં બોરીવલી સુધી લઈ આવ્યો હતો. આજે સવારે હું એને દફન કરાવીશ.’

જોકે પોલીસે ઘોડાની હત્યા કરવામાં આવી હતી કે એનું મૃત્યુ કેવી રીતે થયું એની પણ તપાસ નહોતી કરી.