આવા બનાવો હવે સામાન્ય બની ગયા છે, ટ્રેનમાંથી દરરોજ લોકો પડે છે; આજે અમુક મુસાફરોનો જીવ ગયો

10 June, 2025 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલની ગમખ્વાર ઘટનાને નજરે જોનારા લોકો કહે છે...

પ્રતીકાત્મક તસવીર

મુંબ્રા સ્ટેશન પર સોમવારે થયેલા ગમખ્વાર અકસ્માતને નજરે જોનારા લોકો કહે છે કે અકસ્માત બાદ ત્યાં ઊભેલા લોકો માત્ર આસપાસનો વિડિયો લઈ રહ્યા હતા.

મુંબ્રા અને કલવા રેલવે-સ્ટેશન વચ્ચેથી પસાર થતી ફાસ્ટ ટ્રેનમાંથી આશરે ૧૩ મુસાફર પડી જવાની ઘટનાના સાક્ષી બનેલા લોકોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટ્રેનમાં એની ક્ષમતા કરતાં વધારે મુસાફરો હતા. ઉપરાંત જ્યાં બનાવ બન્યો એ મુંબ્રા સ્ટેશન પાસેની જગ્યા કે જ્યાં ફાસ્ટ ટ્રેન ઊભી નથી રહેતી એ પૅસેજ પણ ચિંતાનો વિષય છે.’

ઘટનાને નજરે જોનારી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘ટ્રેનમાં એટલી ભીડ હતી કે લોકો રીતસર દરવાજા પર લટકતા હતા. ટ્રેન મુંબ્રા પહોંચતાં જ લટકતા અમુક લોકો તો પડવા લાગ્યા હતા. મુસાફરોને પડતાં જોવા છતાં કોઈએ ટ્રેનને ઊભી રખાવવાનો પ્રયત્ન નહોતો કર્યો.’

મુંબ્રામાં રહેતા અને લોકલ ટ્રેનમાં કાયમી મુસાફરી કરતા શબ્બીર સૈયદે આખી ઘટના યાદ કરતાં વ્યથિત થઈને જણાવ્યું હતું કે ‘હું રોજ મુસાફરી કરું છું અને આવા બનાવો તો હવે સામાન્ય બની ગયા છે. લોકો વાંદરાની જેમ લટકતા હોય છે. આજે પણ આવું જ બન્યું હતું. મુસાફરો ટ્રૅક પર પડી ગયા હતા. લાચારીથી પડી રહેલા લોકોને મદદ કરવા કોઈ તૈયાર નહોતું. બધા ફોટો પાડવામાં અને વિડિયો લેવામાં જ વ્યસ્ત હતા. આપણે બહુ ખરાબ સમયમાં જીવી રહ્યા છીએ. હું હૅન્ડિકૅપ્ડ છું એટલે કોઈને મદદ ન કરી શક્યો, બસ ત્યાં બેસીને માત્ર પ્રાર્થના કરતો રહ્યો.’

અન્ય એક સાક્ષીએ ગુસ્સામાં જણાવ્યું હતું કે ‘રોજ મુસાફરો ટ્રેનમાંથી પડે છે. આજે અમુક મુસાફરોનો જીવ ગયો એટલે આ મોટો ઇશ્યુ બની ગયો.’

મુંબ્રા-દુર્ઘટના વિશે કોણે શું કહ્યું?

બહુ કમનસીબ ઘટના : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 

આ બહુ કમનસીબ ઘટના હતી. ૧૩ પ્રવાસીઓ લોકલ ટ્રેનમાંથી મુંબ્રા સ્ટેશને ટ્રેનમાંથી પડ્યા અને એમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે પ્રશાસન આ અકસ્માત કઈ રીતે થયો એની તપાસ કરી રહ્યું છે. ઘાયલોને તરત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલ અને થાણેની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પ્રશાસન આને માટે કામ કરી રહ્યું છે. આશા રાખું છું કે ઘાયલો વહેલી તકે સાજા થાય.

પૅસેન્જરોની સેફ્ટી માટે રેલવે પ્રશાસન ધ્યાન આપે એ જરૂરી : અજિત પવાર

કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહેલી લોકલ ટ્રેનમાંના પૅસેન્જરો પાટા પર પડ્યા અને તેમણે જીવ ગુમાવ્યો એ જાણીને બહુ દુ:ખ થયું. આ ઘટના બહુ કમનસીબ અને પીડાદાયક છે. આ ઘટનામાં પૅસેન્જરોનાં થયેલાં મૃત્યુએ એ બાબતને ઉજાગર કરી છે કે સબર્બન રેલવે સિસ્ટમમાં ઓવરક્રાઉડિંગ અને પૅસેન્જરની સેફ્ટી બાબતે ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. મને ખાતરી છે કે રેલવે પ્રશાસન હવે વહેલી તકે લોકોની સુરક્ષા અને ટ્રેન સર્વિસ માટે પગલાં લેશે. ઘટનામાં મૃત્યુ પામેલાઓ માટે દુ:ખ વ્યક્ત કરું છું અને તેમના પરિવારજનોને સાંત્વન આપું છું. જે લોકો ઘાયલા થયા છે તેઓ વહેલી તકે સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.

લોકલ ટ્રેનમાં ઑટોમૅટિક દરવાજા બેસાડો : શરદ પવાર 

વધી રહેલી ગિરદી એ અકસ્માતનું મુખ્ય કારણ છે એ બધા જાણે છે. અકસ્માત થયા પછી જીવ ગુમાવનાર પૅસેન્જરોને એ માટે દોષ દેવો યોગ્ય નથી. સેન્ટ્રલ રેલવેએ આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર છે. સેન્ટ્રલ રેલવે એ સમયનું બરોબર આયોજન કરી મહત્ત્વના રૂટ પર ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ. આવા અકસ્માત ખાળવા લોકલ ટ્રેનોમાં ઑટોમૅટિક દરવાજા બેસાડવાનો નિર્ણય લેવાયો છે, પણ એનો અમલ ટૂંક સમયમાં કરવો જોઈએ.’  

બહુ જ દુખદ ઘટના : એકનાથ શિંદે 

રોજ સવારે હજારો પ્રવાસીઓ આ રૂટ પર પ્રવાસ કરે છે. આ બહુ દુખદ ઘટના છે. જે લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોને હું મારી સંવેદના પાઠવું છું. પ્રશાસને તરત જ ત્યાં મેડિકલ રિસ્પૉન્સ યુનિટ મોકલાવ્યા હતા. થાણે અને કળવાની હૉસ્પિટલોને ઘાયલોની તાત્કાલિક સારવાર કરવાની સૂચના આપવામાં આવી છે. અકસ્માતની આ ઘટનાની તપાસ કરવા રેલવેએ ઇન્ક્વાયરી શરૂ કરી દીધી છે. આ ઘટના બહુ દુખદ અને કમનસીબ હતી. આ અસ્માત કઈ રીતે થયો એનું ચોક્કસ કારણ ટૂંક સમયમાં આ ઇન્ક્વાયરી પછી બહાર આવશે.’

mumbai mumbra news mumbai news train accident indian railways central railway mumbai railways devendra fadnavis eknath shinde ajit pawar sharad pawar mumbai police