ટૅક્સીચાલકની પ્રામાણિકતા પ્રવાસીનો મોબાઇલ આપવા બોરીવલીથી અંધેરી આવ્યો

28 February, 2020 07:22 PM IST  |  Mumbai Desk

ટૅક્સીચાલકની પ્રામાણિકતા પ્રવાસીનો મોબાઇલ આપવા બોરીવલીથી અંધેરી આવ્યો

મુંબઈ જેવા પચરંગી અને સતત દોડતા રહેતા શહેરમાં જ્યાં લોકોને કહેવાય છે કે શ્વાસ લેવાની પણ ફુરસદ હોતી નથી ત્યારે એક ટૅક્સીવાળાએ ટૅક્સીમાં ભુલાઈ ગયેલો મોબાઇલ પાછો આપવા બોરીવલીથી અંધેરી પાછો આવ્યો હતો અને માણસાઈ હજી મરી પરવારી નથી એ ફરી એક વાર પુરવાર થયું હતું. 

જુહુ સ્કીમમાં ભાઈદાસ હૉલ સામે રહેતા અને રિયલ એસ્ટટેનું કામ કરતા કૌશિક સાંગાણી બુધવારે બપોરે સવાબાર વાગ્યે સાયનથી વિલે પાર્લે આવવા ટૅક્સીમાં નીકળ્યા હતા. તેમણે વિલે પાર્લે હાઇવે પર હનુમાન રોડ પાસે ટૅક્સી છોડી દીધી હતી અને સર્વિસ રોડ પર આવી ઘરે જવા નીકળ્યા હતા.

કૌશિક સાંગાણીએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મને હાર્ટની તકલીફ છે એટલે હું હવે મારા પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઇલ રાખું છું. ટૅક્સી છોડ્યા પછી સર્વિસ રોડ પરથી હનુમાન રોડ પર આવ્યા બાદ મેં મોબાઇલ લેવા હાથ પાછળ નાખ્યો ત્યારે ખબર પડી કે મોબાઇલ નથી. એથી તરત જ હું ફરી અંધેરી સુધી બીજી રિક્ષા કરી પાછળ ગયો હતો કે ક્યાંક તે ટૅક્સીવાળો મળી જાય તો મારો વીવો કંપનીનો મોબાઇલ પાછો મળી જાય. મોબાઇલ ૧૫,૦૦૦ રૂપિયાનો હતો, પણ એથી મહત્ત્વનું એમાં સ્ટોર કરેલા અંદાજે ૧૨૫૦ જેટલા ફોન નંબર હતા અને અનેક ફોટો હતા. જોકે એ ટૅક્સીવાળો દેખાયો નહીં એટલે પાછો ફર્યો. મારો મોબાઇલ વાઇબ્રેટિંગ મોડ પર હતો. મેં રિંગ વગાડી તો એ વાઇબ્રેટ થયો હતો. એ વખતે ટૅક્સીમાં બેસેલા અન્ય પૅસેન્જરે મોબાઇલ ટૅક્સી-ડ્રાઇવરને આપતાં કહ્યું કે આ જો ભાઈ, કોઈ પૅસેન્જર મોબાઇલ ભૂલી ગયો લાગે છે. એ પછી બીજી વાર રિંગ વગાડી ત્યારે ટૅક્સી-ડ્રાઇવર યોગેન્દ્ર યાદવે કહ્યું કે મોબાઇલ તેની પાસે જ છે અને તે બોરીવલી નૅશનલ પાર્ક પહોંચી ગયો છે.

એથી મેં તેને કહ્યું કે જો તું પાછો આવતો હોય તો હું તને રિટર્ન ભાડું આપી દઈશ, પણ મારો મોબાઇલ પાછો મળે તો ઘણું સારું. તેણે કહ્યું, ઓકે, હું પાછો આવું છું. એથી મેં તેને ત્યાર બાદ કૂપર હૉસ્પિટલ બોલાવ્યો હતો. પોણો કલાકમાં તો તે કૂપર હૉસ્પિટલ આવી પહોંચ્યો હતો અને મારો મોબાઇલ મને એઝ ઇટ ઇઝ પાછો આપ્યો હતો. મેં તેને રિટર્ન ભાડું તો આપ્યું જ, પણ ઉપરથી ૧૦૦૦ રૂપિયાની બક્ષિસ પણ આપી હતી. તેણે એવી કોઈ માગણી કરી નહોતી. તેણે દાખવેલી માણસાઈના કારણે જ મેં તેને બક્ષીસ આપી હતી. તેણે મળેલો મોબાઇલ પાછો આપીને ફરી એક વખત સાબિત કરી દીધું કે માણસાઈ હજી મરી પરવારી નથી.

mumbai mumbai news borivali andheri