ઘર ખરીદવામાં આવી શકતી સમસ્યાઓ અને એના ઉકેલ

18 August, 2012 07:48 AM IST  | 

ઘર ખરીદવામાં આવી શકતી સમસ્યાઓ અને એના ઉકેલ

ઘર વેચનારનો વિચાર બદલાઈ જાય : નસીબ જો તમને સાથ આપતું નહીં હોય તો ઘર ખરીદતી વખતે એક અત્યંત ભયંકર સમસ્યા તમારી સમક્ષ ઊભી થઈ શકે છે. ઘર વેચનારાઓ ધીરજ ધરવામાં અને અનેક વિકલ્પો વિશે વિચાર કરવામાં ઉસ્તાદ હોય છે. તમે સોદો ફાઇનલ કરી લીધા પછી જો તમે તેની પાસેથી લખાણ લીધું નહીં હોય તો બીજો કોઈ ગ્રાહક વેચનારનો સંપર્ક કરીને તમારા કરતાં ઊંચી ઑફર કરી શકે છે અથવા તો એવું પણ બને કે વેચનારને જગ્યા રીડેવલપમેન્ટમાં જશે એવી શક્યતા લાગે તો તે થોડી રાહ જોવાનો નિર્ણય લઈ શકે છે.

ઉકેલ : એવા સંજોગોમાં તમે વાતચીત કરવાની તમારી આકર્ષક કળાનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કરી નહીં શકો. દલાલ કે આસપાસના પાડોશીઓને પૂછપરછ કરીને વેચનાર પાર્ટી જેન્યુઇન છે કે નહીં એની ખાતરી કરી લો. તમે ફ્લૅટ બુક કર્યા પછી તરત રજિસ્ટર્ડ કરાવી લો જેથી સામેની પાર્ટીને ફેરવિચાર કરવાની તક ન મળે.

ઓછી લોનની શક્યતા : સામાન્ય માન્યતા એવી છે કે ઘર ખરીદવા માટે સહેલાઈથી લોન મળી રહે છે. જોકે તમે એમ ધારીને બેઠા હો કે ઓછામાં ઓછી ૯૦ ટકા લોન તો મળશે જ અને એવા સમયે બૅન્ક જો ૮૦ ટકા લોન મંજૂર કરે તો શું થાય એની કલ્પના કરી જુઓ. એવા સંજોગો દિવસો અને મહિનાઓ સુધી તમારી ઊંઘ વેરણ કરી શકે છે.

ઉકેલ : સોદો ડન કરો એ પહેલાં તમને કેટલી હોમલોન મળી શકે એમ છે એ વિશે તપાસ કરી લેવી એ શ્રેષ્ઠ ઉકેલ છે. તમે જે બૅન્કની લોન લેવા ઇચ્છતા હો એનો સંપર્ક કરો અને તેઓ તમારા માટે કેટલી લોન મંજૂર કરશે એ જાણી લો. એની સાથોસાથ એ પણ તપાસ કરી લો કે તમે જે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છો છો એના પર લોન મંજૂર થશે કે નહીં થાય. એ પછી પણ જો કોઈ સમસ્યા ઊભી થાય તો મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી પૈસા ઊભા કરો.

ફાઇનૅન્સની સમસ્યા : ઇચ્છા ન હોવા છતાં આવા સંજોગોમાં કલ્પના પણ કરી ન હોય એવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઘર ખરીદવાની બાબત એવી છે કે તમારી આર્થિક પરિસ્થિતિમાં જરા જેટલો ફેરફાર મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરી છૂટી જવી કે અંગત કટોકટી જેવા સંજોગોમાં આર્થિક સહાયની જરૂર ઊભી થાય છે અને એના કારણે તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો.

ઉકેલ : આવી કટોકટી માટે અગાઉથી પ્લાનિંગ કરો અને એનો સામનો કરવા તૈયાર રહો. લમ્પસમ રકમ એક તરફ મૂકો, ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખો જેથી તમારા હાથ સંપૂર્ણપણે બંધાઈ ન જાય.

દસ્તાવેજો ગુમાઈ જવા : યોગ્ય દસ્તાવેજો વિના ઘર ખરીદવાની તમારી પ્રક્રિયા અટકી જશે અથવા અચોક્કસ સમય સુધી વિલંબમાં મુકાઈ જશે. નવો ફ્લૅટ ખરીદવાના પૈસા ઊભા કરવા જો તમે તમારો અત્યારનો ફ્લૅટ વેચવા ઇચ્છતા હશો તો કોઈ પણ પ્રકારની અડચણ વિના તમારો ફ્લૅટ વેચી શકો એ માટે તમારે બધા દસ્તાવેજો હાથવગા રાખવા પડશે.

ઉકેલ : નવી જગ્યા ખરીદવાનો તમે વિચાર કરો એ જ ક્ષણે તમારા જૂના ફ્લૅટના સંબંધિત દસ્તાવેજો હાથવગા છે કે નહીં એ તપાસી લો. દસ્તાવેજો હાથવગા ન હોય તો એ ભેગા કરવાનું શરૂ કરી દો. આવા સંજોગોમાં દસ્તાવેજોની યોગ્ય પ્રકારે જાળવણી એ જ એકમાત્ર ઉકેલ છે.

અફવાઓ : ફ્લૅટનું વાસ્તુ બરાબર નથી અથવા ફ્લૅટનો ભૂતકાળ સારો નથી વગેરે અફવાઓ તમારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડી શકે છે. એમાં પણ જો તમે ફ્લૅટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હશે, ભલે પાર્ટ પેમેન્ટ કર્યું હોય તો પણ તમારી ચિંતા વધી જશે.

ઉકેલ : અફવાઓમાં કેટલું માનવું અને ન માનવું એ તમારે નક્કી કરવાનું છે. એક વખત મનમાં શંકા ઊભી થઈ એટલે ચોક્કસ ઘર ખરીદવાનો તમારો ઉત્સાહ મોળો પડી જશે. બધી શંકાઓનું સમાધાન કરી લો અને પછી જ ઘરમાં રહેવા જાઓ.

ઘર ખરીદતી વખતે એના ડૉક્યુમેન્ટ્સ પણ ક્લિયર છે કે નહીં એનું ધ્યાન રાખો

- ઉદય કાપડિયા, પ્રોપ્રાઇટર, રિદ્ધિ ડેવલપર્સ ઍન્ડ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ, ચીકુવાડી, શિમ્ફોલી, બોરીવલી-વેસ્ટ

ઘર લેવાનું હોય ત્યારે લોકો લોકેશન, જગ્યા, ઇન્ટિરિયર ડિઝાઇન, ભાવ, સ્ટેશનો કે મુખ્ય રસ્તાઓ સાથેની કનેક્ટિવિટી જેવી સત્તર ચીજો બાબતે ચીવટ રાખે છે. તમે જ્યારે રીસેલમાં કોઈ ઘર ખરીદવા જાઓ છો ત્યારે પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયરન્સથી લઈને ચેઇન ઑફ ડૉક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ છે કે નહીં એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ઘણી વાર જગ્યા સારી, સસ્તી અને સુંદર જગ્યાએ મળી જાય છે, પણ પછીથી ખબર પડે છે કે અમુકતમુક દસ્તાવેજોમાં ગરબડ છે અથવા તો લીધા જ નથી. એને કારણે ક્યારેક તમારું રોકાણ જોખમમાં મુકાઈ જઈ શકે છે. અમુક દસ્તાવેજો ક્લિયર ન કર્યા હોય તો પછીથી વિવાદો ઊભા થતાં મુશ્કેલી પડી શકે છે.

કોઈ પણ પ્રૉપર્ટી લેવાનું નક્કી કરો એ પહેલાં એનું ટાઇટલ સર્ટિફિકેટ હોવું મસ્ટ છે. ઓસી (ઑક્યુપેશન સર્ટિફિકેટ) અને સીસી (કમેન્સમેન્ટ સર્ટિફિકેટ) જેવા દસ્તાવેજો બીએમસીએ અપ્રૂવ કરેલા હોવા જરૂરી છે. સોસાયટીએ શૅર સર્ટિફિકેટ ઇશ્યુ કરેલું છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ. તમે જ્યારે પણ ફ્લૅટ ખરીદવા જાઓ ત્યારે કયા-કયા ડૉક્યુમેન્ટ્સ ક્લિયર હોવા જરૂરી છે એનું માર્ગદર્શન પહેલેથી જ મેળવી લો. તમને પોતાને દસ્તાવેજોની આંટીઘૂટી ન સમજાતી હોય તો અનુભવી એક્સપર્ટનું ગાઇડન્સ લેવું વધુ બહેતર રહેશે. ખૂબ નાની વાત કરીએ તો મોટા ભાગના લોકો ફ્લૅટ પસંદ કર્યા પછી ટોકન આપ્યા પછી સોસાયટી પાસેથી એનઓસી લેતા નથી. આમ કરવાથી પછીથી કોઈ પારિવારિક ડિસ્પ્યુટ્સ અથવા કોઈ બૅન્કનું ધીરાણ હોય તો ખબર પડી જાય છે. જ્યાં સુધી આ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ સોસાયટી તરફથી ન મળે ત્યાં સુધી ટોકન મની ઉપરની કોઈ જ પૈસાની લેવડદેવડ કરવી ઠીક નથી. જોકે આવી

નાની-નાની વાતોની સામાન્ય માણસોને ખબર નથી હોતી એટલે ખોટા ઠેકાણે પૈસાનું મોટું રોકાણ કરી લે છે અને પછી પસ્તાય છે.

સોસાયટી મેમ્બરોએ રીડેવલપમેન્ટ વખતે કેવી કાળજી રાખવી જોઈએ?

- પ્રકાશ કામદાર, પ્રકાશ કામદાર એસ્ટેટ એજન્સી, ઘાટકોપર

સોસાયટી રીડેવલપમેન્ટ હાલમાં ખૂબ જરૂરી હોવા છતાં એની સફળતાનું પ્રમાણ ઘણું ઓછું છે. એનું સૌથી મોટું કારણ છે સોસાયટી-મેમ્બર્સ અને ડેવલપર/બિલ્ડર વચ્ચે વિશ્વાસનો અભાવ. બેઉ પક્ષે ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે ને સરવાળે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સફળ નથી થતા.

ક્યારેક સોસાયટી-મેમ્બર્સની માગણીઓ વધુપડતી હોય છે. કેટલાક મેમ્બરો વ્યક્તિગત ફાયદો મેળવવાની લાલચ ધરાવતા હોય છે ને ક્યારેક સોસાયટી રીડેવલપમેન્ટ માટે જરૂરી પ્રક્રિયા વિશેની જાગરૂકતા ઓછી હોય છે. મોટા ભાગના મેમ્બરોનું લક્ષ્ય જગ્યા, કૉર્પસ ફન્ડ કે ભાડું વધુ મેળવવાનું હોય છે, પણ બીજી કાયદાકીય બાબતોની પરિપક્વતાનો અભાવ હોવાથી ડેવલપરને છટકબારીઓ મળી રહે છે.

બીજી તરફ બીએમસી અને હાઉસિંગ સોસાયટીને લગતા કાયદાઓમાં પણ છાશવારે ફેરફારો થતા રહેતા હોવાથી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં અડચણો આવે છે. આદર્શ રીતે જોઈએ તો ડેવલપરે પણ પોતાને પરવડતું હોય તો જ પ્રોજેક્ટમાં પડવું જોઈએ, પણ હકીકતમાં થાય છે એવું કે વધુ જગ્યા મેળવવાની લાલચમાં કોઈ લેભાગુ અને કૅપેબલ ન હોય એવી વ્યક્તિના હાથમાં પ્રોજેક્ટ જતો રહેવાથી અલ્ટિમેટલી મેમ્બરોએ જ સહન કરવું પડે છે. ડેવલપર કે બિલ્ડર આ પ્રોજેક્ટ ધંધો કરવા માટે કરે છે એટલે જો તેને થોડુંક પણ કમાવા નહીં મળતું હોય તો તેના તરફથી સમયમર્યાદા જાળવવામાં અને ક્વૉલિટી વર્ક આપવામાં કચાશ રહેશે.

જો તમે સોસાયટીનું સફળતાપૂર્વક રીડેવલપમેન્ટ કરવા ઇચ્છતા હો તો તમારું સૂત્ર હોવું જોઈએ, ‘રીડેવલપમેન્ટ સાથે બેટર અને સેફ ડેવલપમેન્ટ.’ (જે ડેવલપરે જૂના પ્રોજેક્ટમાં ઓસી નથી લીધું એવા ડેવલપરોએ સોસાયટીનું ટેન્ડર ન ભરી શકે એવી કન્ડિશન મૂકવી જોઈએ.) ડેવલપરની પસંદગીનું ધોરણ ઊંચું રાખવું જોઈએ. એ માટે એના પહેલાંના પ્રોજેક્ટ્સની કન્સ્ટ્રક્શન ક્વૉલિટી, ટાઇમબાઉન્ડ ડિલિવરી તેમ જ કાયદાકીય ઉલ્લંઘન નથી કર્યું એ બાબતો ચેક કરી લેવી જોઈએ. ઑક્યુપેશન સર્ટિફિકેટ લાવ્યા પહેલાં બિલ્ડરનો દસથી પંદર ટકા જેટલો માલ એ વેચી ન શકે એવી જોગવાઈ પણ તમારા ઍગ્રીમેન્ટમાં હોવી જરૂરી છે.